Get The App

ટી એપના ડેટા લીકને કારણે 33000 મહિલાઓ જોખમમાં: ગૂગલ મેપ્સ પર જોવા મળી રહ્યા છે એડ્રેસ

Updated: Aug 25th, 2025

GS TEAM

Google News
Google News
ટી એપના ડેટા લીકને કારણે 33000 મહિલાઓ જોખમમાં: ગૂગલ મેપ્સ પર જોવા મળી રહ્યા છે એડ્રેસ 1 - image


Tea App Data Leak: ડેટિંગ-એડવાઇસ એપ ટીના ડેટા લીક થયા હતા. આ લીકમાં 33000 મહિલાઓની અંગત માહિતી લીક થઈ હતી. જોકે હવે આ લીકને કારણે તેઓ હવે જોખમમાં આવી ગઈ છે. બીબીસીના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે આ એપ્લિકેશનનો ઉપયોગ કરનારી મહિલાઓના લોકેશન હવે ગૂગલ મેપ્સ પર જોવા મળી રહ્યા છે. યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાની આ તમામ મહિલાઓ છે.

ટી સામે થયો કેસ

ટી એપના ડેટા લીક થતાં હવે લગભગ દસથી વધુ મહિલાઓ દ્વારા આ કંપની પર કેસ કર્યો છે. આ લીક થયેલા ડેટામાં જે પણ માહિતી છે એનો ઉપયોગ હવે અન્ય પ્લેટફોર્મ અને વેબસાઇટ દ્વારા કરવામાં આવી રહ્યો છે. ટી એપમાં મહિલાઓ દ્વારા પોતાની ઓળખ જણાવવા માટે એક સેલ્ફી અપલોડ કરવાની હોય છે. આ તમામ સેલ્ફી પણ લીક થઈ હતી. આ લીક ફોટો પરથી એક એપ્લિકેશન બનાવવામાં આવી છે અને એને ગેમમાં પરિવર્તન કરવામાં આવી છે. આ એપ્લિકેશન પર સેલ્ફી દેખાડવામાં આવે છે અને એમાં યુઝરે પોતાની ફેવરિટ પસંદ કરવાની હોય છે. એના પરથી ટોપ 50 અને બોટમ 50 પસંદ કરવામાં આવે છે. જોકે આ ફોટો અને માહિતીનો ઘણી અલગ રીતે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ગૂગલ પર જ્યારે આ એડ્રેસ જોવા મળતાં કંપનીએ એને તેમની હેરેસમેન્ટ પોલિસી હેઠળ ઘણી આ તમામ એડ્રેસને કાઢી નાખ્યા હતા.

યુઝર્સ પર છે જોખમ

યુઝર્સની અંગત માહિતી લીક થતાં તેમના પર ઘણાં જોખમ છે. તેમની સિક્યોરિટીને લઈને તેમની ઇમેજ પણ બગડવાના ચાન્સ છે. આ લીકને લઈને કોઈ પણ મહિલા વિશે કંઈ પણ બોલવામાં અથવા તો લખવામાં આવી શકે છે અને એ માટેની કોઈ સાબિતી ન હોવા છતાં લોકો વાતો શરૂ કરી શકે છે. તેમ જ તેમની માહિતી તેમની પરવાનગી વગર લીક કરવામાં આવી છે. આ એપ્લિકેશન પોપ્યુલર થઈ એ પહેલાં જ પુરુષો દ્વારા આ પ્લેટફોર્મ બંધ કરવા માટેની ડિમાન્ડ કરવામાં આવી હતી. તેમનું કહેવું હતું કે આ પ્લેટફોર્મ દ્વારા કોઈ પણ મહિલા કોઈ પણ પુરુષ સામે બદલો લઈ શકે છે. તેમ જ કોઈ પણ વાત તેની જાણ બહાર કરવામાં આવી હોવાથી તે ખરી-ખોટી પણ નથી કરી શકતો.

આ પણ વાંચો: જર્મનીની ગજબ ટેક્નોલોજીઃ 60 સેકન્ડમાં 4 ટન પાણી શોષી લે તેવા રસ્તા, ભારતમાં ખાસ જરૂર

ટી એપનું પ્રમોશન પણ હતું કન્ટ્રોવર્સિયલ

ટી એપને લઈને હાલમાં જેટલી કન્ટ્રોવર્સી છે એટલી એ શરૂ થઈ ત્યારે પણ હતી. 2023માં આ એપ્લિકેશન જ્યારે શરૂ થઈ ત્યારે એના સીઈઓ સીન કૂક દ્વારા એક ફેસબુક ગ્રૂપ ‘આર વી ડેટિંગ ધ સેમ ગાય?’ને એપ્લિકેશન પ્રમોટ કરવા માટે સંપર્ક કરવામાં આવ્યો હતો. જોકે તેમની સાથે કોઈ વાત આગળ ન વધતાં કંપની દ્વારા કેટલાક ઇન્ફ્લુએન્સરનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને તેમની પાસેથી ફેસબુક જેવું એક ગ્રૂપ બનાવડાવ્યું હતું અને ત્યાર બાદ એને પ્રમોટ કરી હતી. આથી તેના પ્રમોશનને લઈને પણ ઘણાં સવાલો ઊભા થયા હતા.

Tags :