જીમેલના 2.5 બિલિયન એકાઉન્ટના ડેટા થયા લીક: તમારું એકાઉન્ટ સિક્યોર કેવી રીતે કરશો?
Gmail Data Breach: ગૂગલ દ્વારા યુઝર્સને ખૂબ જ મહત્ત્વની સિક્યોરિટી એલર્ટ આપવામાં આવી રહી છે. અંદાજે 2.5 બિલિયન જીમેલ એકાઉન્ટના ડેટા લીક થયા છે. હાલમાં ડેટા થેફ્ટ નામનું કેમ્પેઈન હેકર્સ દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે. એમાં ગૂગલનો પણ નંબર આવી ગયો છે. ગૂગલના થ્રેટ ઇન્ટેલિજન્સ ગ્રુપ દ્વારા એને ટ્રેક કરવામાં આવ્યું હતું જેમાં થ્રેટ એક્ટર તરીકે UNC6395ને ટ્રેક કરવામાં આવ્યું છે. એના દ્વારા 8 ઓગસ્ટથી લઈને 18 ઓગસ્ટ સુધી એકાઉન્ટને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા. હેકર્સ દ્વારા જીમેલના ડેટાને એક્સેસ કરવામાં આવ્યા હતા. આ માટે તેમણે થર્ડ-પાર્ટી ઇન્ટિગ્રેશન ઓથેન્ટિકેશન ટોકનનો ઉપયોગ કર્યો હતો.
સેન્સિટિવ ડેટાની થઈ ચોરી
ગૂગલના જીમેલને ટાર્ગેટ કર્યા બાદ હેકર્સ દ્વારા ઘણી સેન્સિટિવ ડેટાની ચોરી કરી છે. તેમણે એમેઝોન વેબ સર્વિસીસ કી, એન્ટરપ્રાઇઝ લોગિન યુઆરએલ અને સ્નોફ્લેક એક્સેસ ટોકન પર ફોકસ કર્યું હતું. ગૂગલ દ્વારા એ પણ કહેવામાં આવ્યું છે કે હેકર્સ દ્વારા તેમના નામો-નિશાન મિટાવવાની કોશિશ પણ કરવામાં આવી હતી. જોકે તેમના જે લોગ્સ હતાં તે મળી ગયા છે અને એની મદદથી કંપની દ્વારા એનો ઉપયોગ કરવામાં આવી શકે છે તેમ જ યુઝર્સના ડેટા લીક થયા છે કે નહીં એ પણ એના દ્વારા જાણી શકાશે. ટૂંકમાં યુઝર દ્વારા તેમની તમામ એક્ટિવિટી ડિલીટ કરવાની કોશિશ કરવામાં આવી હતી, પરંતુ એમ છતાં તેમણે જે પણ ડેટાને ચોરી કર્યા છે એ જાણી શકાશે.
યુઝરે શું કરવું જોઈએ?
આ ડેટા બ્રીચને કારણે જીમેલ તેમના દરેક યુઝર્સને વિનંતી કરી રહી છે કે તેઓ તરત જ આ વિશે પગલાં ભરે. આ માટે યુઝરે તમામ પાસવર્ડ ચેન્જ કરવા તેમ જ 2-વે ઓથેન્ટિકેટરને પણ એક્ટિવેટ કરવાની વિનંતી કરી છે. યુઝરને તેમની રિસેન્ટ જીમેલ એક્ટિવિટીને સેટિંગ્સમાં ચેક કરવા માટે કહેવામાં આવ્યું છે. એ જોવાથી જો કોઈ અજીબ એક્ટિવિટી જોવામાં આવે તો એ વિશે યુઝરને માહિતી રહે. ગૂગલ એકાઉન્ટ સિક્યોરિટી ડેશબોર્ડમાં જઈને યુઝરે તમામ થર્ડ-પાર્ટી એપ્સને પરવાનગી આપી હોય તો એ કાઢી નાખવી. જો યુઝરને ખબર હોય કે તેણે ચોક્કસ સર્વિસ માટે એ પરવાનગી આપી છે તો પોતાના રિસ્ક પર એ રાખી શકે છે.
ગૂગલ કરી રહ્યું છે ઇન્વેસ્ટિગેશન
ગૂગલ હાલમાં આ વિશે ઇન્વેસ્ટિગેશન કરી રહ્યું છે. આ ડેટા બ્રીચને કારણે જે પણ પાર્ટનરને અસર થઈ છે એ તમામ સાથે મળીને તે આ વિશે કામ કરી રહ્યું છે. ગૂગલ દ્વારા આ માટે એક્સેસ ટોકનને પહેલેથી કાઢી નાખવામાં આવ્યા છે. તેમ જ તેમના તમામ પાર્ટનરને આ વિશે વધુ તપાસ કરવા માટે કહિ દેવામાં આવ્યું છે. કંપની દ્વારા હજી સુધી કેટલા યુઝર્સના એકાઉન્ટ પર અસર થઈ છે એ વિશે ચોક્કસ માહિતી આપવામાં નથી આવી. જોકે જે પ્રકારના ડેટા લીક થયા છે એને જોતા દુનિયાભરના યુઝર્સ પર એની અસર પડી હોય એ સ્વાભાવિક છે. જોકે જીમેલની કોર સિસ્ટમને હેક કરવામાં આવી હતી અથવા તો એને કોઈ અસર થઈ હોય એવા હજી સુધી કંપનીને કોઈ પુરાવા નથી મળ્યાં.