1.3 બિલિયન પાસવર્ડ અને 2 બિલિયન ઈમેલ લીક, જાણો કેવી રીતે ડિજિટલી સુરક્ષિત રહેશો

Data Leaked: ઇન્ટરનેટ પર હાલમાં 1.3 બિલિયન પાસવર્ડ અને અંદાજે 2 બિલિયન ઈમેલ એડ્રેસ ઓનલાઇન લીક થયા છે. આ અત્યાર સુધીના સૌથી મોટા ડેટા લીકમાંનું એક ગણવામાં આવી રહ્યું છે જેમાં લોગ-ઇન ડેટાનો સમાવેશ કરવામાં આવ્યો છે. સિક્યોરિટી એક્સપર્ટનું કહેવું છે કે વર્ષો પહેલાં પણ તમારો પાસવર્ડ ચોરાયો હશે તો એનો સમાવેશ આ ડેટા લીકમાં પણ કરવામાં આવ્યો છે.
કેટલું મોટું છે ડેટા લીક?
હાલમાં ઓનલાઇન જે ડેટા લીક શેર કરવામાં આવી રહ્યો છે એમાં 1.3 બિલિયન યુનિક પાસવર્ડ અને 1,95,74,76,021 ઈમેલ એડ્રેસનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ તમામ ડેટા એક સાથે હેક કરવામાં નથી આવ્યો. જૂના અને અત્યારના હેકના તમામ ડેટા મિક્સ કરીને એને વેબસાઇટ પર મૂકવામાં આવ્યા છે. સાઇબર સિક્યોરિટી Synthient દ્વારા આ ડેટાને એસેમ્બલ કરવામાં આવ્યા છે. તેમણે ડુપ્લિકેટ ડેટાને ડિલીટ કર્યા છે જેથી ચોક્કસ કેટલા ડેટા લીક થયા છે એ જાણી શકાય.
ક્યારેય ડેટા લીક ન થયા હોય એવા પણ પાસવર્ડનો સમાવેશ
Have I Been Pwned વેબસાઇટના ક્રિએટર ટ્રોય હન્ટ દ્વારા આ વાતની પુષ્ટિ આપવામાં આવી છે કે ડેટા લીક થયો છે. તેમના અનુસાર આ ડેટા લીકમાં ઘણાં નવા પાસવર્ડનો સમાવેશ થયો છે. અગાઉ એક પણ વાર હેક ન થયા હોય એવા 625 મિલિયન પાસવર્ડનો આ લીકમાં સમાવેશ કરવામાં આવ્યો છે. અગાઉ જેમણે પણ તેમના એકાઉન્ટને ચેક કરીને પાસવર્ડ ચેન્જ કર્યો હોય તેમણે ફરી બદલવાની જરૂર છે.
કેમ આ ખૂબ જ મહત્ત્વનું છે?
હેકર્સ દ્વારા પાસવર્ડને અલગ અલગ એકાઉન્ટ્સ પર રિલીઝ કરવામાં આવ્યાં છે. મોટાભાગના યુઝર્સ તેમના જૂના પાસવર્ડનો ઉપયોગ કરે છે. તેમ જ એક જ પાસવર્ડ ઈમેલ, બૅન્કિંગ, શોપિંગ અને સોશિયલ મીડિયા પર ઉપયોગ કરતાં હોય છે. આથી આ પાસવર્ડ લીક થતાં ઘણાં યુઝર્સના બૅન્ક એકાઉન્ટ પણ સંકટમાં આવી શકે છે. સાયબર ક્રિમિનલ માટે આ ડેટા લીક સોનાની ખાણ જેવા છે. એના દ્વારા આઇડેન્ટિટી થેફ્ટ, ફિશિંગ એટેક અને નાણાકીય છેતરપિંડી જેવા ઘણાં ક્રાઇમ કરવામાં આવી શકે છે.
આ પણ વાંચો: વોટ્સએપ લાવી રહ્યું છે ધમાકેદાર ફીચર: હવે કરતાં વધુ એકાઉન્ટનો ઉપયોગ કરી શકશે યુઝર્સ
પોતાની જાતને કેવી રીતે સુરક્ષિત કરશો?
Have I Been Pwnedના પાસવર્ડ ટૂલની મદદથી તમારો પાસવર્ડ ડેટા લીકમાં છે કે નહીં એ ચેક કરવું. આ માટે ઇમેલ નાખવાની જરૂર નથી. ફક્ત પાસવર્ડ દ્વારા જાણી શકાશે. જો પાસવર્ડ લીકમાં હશે તો જણાવી દેવામાં આવશે. જો એમાં સમાવેશ થયો હોય તો પાસવર્ડ બદલી નાખવો. જો આ પાસવર્ડ અન્ય એકાઉન્ટમાં પણ ઉપયોગમાં લેવામાં આવતો હોય તો એ તમામ પાસવર્ડને બદલી કાઢવા.
ત્યાર બાદ ટુ-ફેક્ટર ઓથેન્ટિકેશન શરૂ કરી દેવું. મોટાભાગની દરેક વેબસાઇટ પર એનો સમાવેશ કરવામાં આવે છે. યુનિક અને સ્ટ્રોંગ પાસવર્ડ જનરેટ કરવા અને એને સેવ કરવા માટે કોઈ પણ પાસવર્ડ મેનેજરનો ઉપયોગ કરી શકાય છે. મોટાભાગના સ્માર્ટફોનમાં આ પહેલેથી હોય છે. એન્ટીવાયરસ સોફ્ટવેરને અપડેટ રાખવું. તેમ જ શંકાસ્પદ ઇમેલથી દૂર રહેવું. ઘણાં પ્લેટફોર્મ દ્વારા હવે પાસકી આપવામાં આવી રહી છે. આથી નવી ઓથેન્ટિકેશન મેથડ તરીકે પાસકીનો ઉપયોગ કરવો.

