For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

અકસ્માતમાં પતિની નજર સામે પત્નીનું, પુત્રની નજર સામે પિતાનું મોત

Updated: Jan 26th, 2023

Article Content Image

રાજકોટ અને ત્રંબા નજીક બનેલી ઘટના

રેસકોર્ષ રીંગ રોડ પર સ્કુટરને હડફેટે લઈ કાર ચાલક ભાગી ગયો, ત્રંબા બંધ ટ્રક પાછળ કાર ઘુસી જતા અકસ્માત સર્જાયા

રાજકોટ: રાજકોટમાં છેલ્લા ર૪ કલાકમાં બે અકસ્માતમાં બે લોકોના મૃત્યુ નિપજયાં છે. જેમાં રેસકોર્સ રીંગ રોડ પર બનેલી હીટ એન્ડ રનની ઘટનામાં અજાણ્યો કારનો ચાલક સ્કુટરને હડફેટે લઈ ભાગી જતા પતિની નજર સામે પત્નીનું અને ત્રંબા નજીક બંધ ટ્રક પાછળ કાર ઘુસી જતા પુત્રની નજર સામે પિતાનું મૃત્યુ નિપજયું હતું.

પ્રાપ્ત માહિતી મુજબ સહકાર રોડ નજીક પિપળીયા હોલ પાસે ન્યુ રામેશ્વર-૭માં રહેતાં ભારતીબેન રમેશભાઈ રાઠોડ (ઉ.વ.પ૮) ગઈકાલે તેના પતિના સ્કુટર પાછળ બેસી રેસકોર્સના મેદાનમાં આયોજીત મેળામાં ગયા હતા. જયાંથી બંને પરત ફરી રહ્યા ત્યારે રીંગ રોડ પર પુરપાટ વેગે ઘસી આવેલો અજાણ્યો કારનો ચાલક તેને હડફેટે લઈ ભાગી ગયો હતો. જેમાં ગંભીર રીતે ઘવાયેલા ભારતીબેનને ખાનગી બાદ સિવિલમાં ખસેડાયા હતા.  જયાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યા હતા. જાણ થતા પ્ર.નગર પોલીસે હોસ્પિટલે પહોંચી જરૂરી કાર્યવાહી કરી કાર ચાલકને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા. મૃતકને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે. 

બીજા બનાવમાં એરપોર્ટ રોડ પર વર્ધમાન અભિલાષા સોસાયટીમાં રહેતા અને રેડીમેઈડ કપડાનો હોલસેલનો વેપાર કરતાં ધીરજલાલ રામજીભાઈ રૂપાણી (ઉ.વ.૭૩) તેના પુત્ર વિપુલ (ઉ.વ.૪પ) સાથે કાર લઈ જસદણ પાસે આવેલા કોઠી ગામે ખેતલીયા દાદાના મંદિરે દર્શન કરવા ગયા હતા. દર્શન કરી બંને પરત ફરી રહ્યા હતા ત્યારે રાજકોટ નજીક ત્રંબા ગામે લોધીકા સંઘ પાસે ચાલક વિપુલભાઈએ કાબુ ગુમાવતા કાર ત્યાં પાર્ક બંધ ટ્રક પાછળ ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો. જેમાં બંને પિતા-પુત્રને ઈજા થતા ૧૦૮ મારફતે સિવિલમાં ખસેડાયા હતા. જયાં ધીરજલાલનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજયું હતું. આજીડેમ પોલીસે આ મામલે મૃતકના પુત્ર વિપુલભાઈની ફરિયાદ પરથી તેની જ સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

ત્રીજા બનાવમાં રાજકોટ નજીકના જાળીયા ગામે કોરીયા શેરીમાં રહેતાં તળશીભાઈ દેવજીભાઈ ઉંધાડ (ઉ.વ.૬૦) ગઈ તા.ર૩નાં ખેતરે ગયા બાદ પરત ફરી રહ્યા હતા. ત્યારે જાળીયા-રતનપર રોડ પર સ્કુટી સ્લીપ થતા તેને ગંભીર ઈજા થતા સિવિલમાં ખસેડાયા હતા. જયાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નિપજયું હતું. કુવાડવા પોલીસે મૃતકના પત્ની સરોજબેન ઉર્ફે સવિતાબેન ઉંધાડની ફરિયાદ પરથી ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.


Gujarat