Gujarat

દસાડા તાલુકાના આશરો ફાર્મમાંથી હથિયાર બનાવવાની ફેકટરી ઝડપાઈ

By GS Team
20 Mar 20222 mins read
This article was originally published on 20 Mar 2022
દસાડા તાલુકાના આશરો ફાર્મમાંથી હથિયાર બનાવવાની ફેકટરી ઝડપાઈ

એસ.ઓ.જીની ટીમે ત્રણ શખ્સોને દેશી બંદુક તથા સાધનો સાથે ઝડપી લીધા

સુરેન્દ્રનગર : ઝાલાવાડના ગ્રામ્ય વિસ્તારોમાં ગેરકાયદે હથિયારો વધી ગયા હોવાની વ્યાપક ફરિયાદો ઉઠયા પછી જિલ્લા પોલીસવડાના માર્ગદર્શનમાં એસ.ઓ.જીની ટીમે દસાડા તાલુકામાં દરોડા પાડી દેશી હથિયારો બનાવવાની મીની ફેકટરી ઝડપી લીધી હતી. સાથોસાથ ત્રણ શખ્સોને દેશી બંદુક સાથે ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

ઝાલાવાડના ગ્રામ વિસ્તારોમાં મારામારી અને ફાયરીંગના બનાવો અવાર નવાર સામે આવે છે. આથી ગ્રામ વિસ્તારોમાં ગેરકાયદે હથિયારો વધી ગયા હોવાની વ્યાપક ફરિયાદો સાથે ગ્રામ્ય વિસ્તારોમાં પોલીસ કોમ્બીંગ હાથ ધરવાની માંગ ઉઠી રહી હતી. જિલ્લા પોલીસવડા મહેન્દ્રકુમાર બગડીયાએ પોલીસતંત્રને એલર્ટ કરી ગેરકાયદે હથિયારો પકડવા માટે આદેશ કર્યો હતો. તેના પગલે એસ.ઓ.જીના પી.આઈ. વી.વી.ત્રિવેદી તથા સ્ટાફે બાતમીના આધારે દસાડા તાલુકાના રસુલાબાદ ગામે રહેતા અહેમદ નુરમહંમદ ભટ્ટી નામના સંઘી ડફેરને રૃા. એક હજારની િંકમતી દેશી હાથ બનાવટની મઝલ લોડ બંદુક સાથે ઝડપી લીધો હતો. આ ઉપરાંત પોલીસે દસાડા તાલુકાના આશરો ફાર્મમાં દરોડો પાડી મૂળ જૈનાબાદ ગામના કરીમ હાજીભાઈ ભટ્ટીને દેશી હથિયારો બનાવવાની મીની ફેકટરી તથા રૃા.એક હજારની કિંમતની દેશી મઝલ લોડ બંદુક સાથે ઝડપી લીધો હતો. તેની ઓરડીમાંથી દેશી હથિયાર બનાવવાના સાધનો પણ કબજે કર્યા હતા.

દરમિયાન એસ.ઓ.જીએે ઉપરોકત શખ્સોએ બનાવેલા દેશી હથિયાર ખરીદનાર મુલાળા (તા.દસાડા) ગામના જગતસિંહ કાનભા ઝાલાને પણ રૃા.એક હજારની દેશી બનાવટની બંદુક સાથે તેની વાડીએથી ઝડપી લીધો હતો.દસાડા તાલુકામાંથી દેશી હથિયાર બનાવવાની મીની ફેકટરી ઝડપાતા ચકચાર મચી ગયો છે. તેની સાથે પોલીસ તંત્ર દ્વારા ચોટીલા, થાન, સાયલા પંથકમાં પણ ગેરકાયદે હથિયારો રાખતા અસામાજિક તત્વોને ઝડપી લેવા માગ ઉઠી છે.

 હથિયારોની મિની ફેકટરીમાંથી ઝડપાયેલો મુદામાલ

આશરો ફાર્મમાં ચાલતી દેશી હથિયારો બનાવવાની મિની ફેકટરીમાંથી પોલીસે કબજે કરેલા મુદ્દામાલમાં દેશી હાથ બનાવટની બંદુક, હથોડી, ડીસમીસ,લોખંડનું ધારિયુ,  વાયરનું ગુંચડુ, કાનસ, લોખંડનું વીઝણુ લોખંડનું પંચ અને સારડી નો સમાવેશ થાય છે.

એહમદ નુરમહંમદ ભટ્ટી રીઢો ગુનેગાર

રસુલાબાદથી દેશી મઝલ લોડ બંદુક સાથે ઝડપાયેલો અહેમદ નુરમહંમદ ભટ્ટી રીઢો ગુનેગાર હોવાનું જાણવા મળે છે. તેની સામે ઝીંઝુવાડા પોલીસમાં અગાઉ (૨૦૧૯માં) આર્મ્સ એકટ ૨૫(૧-બી) મુજબ એક, તેમજ સાયલા પોલીસ સ્ટેશનમાં પણ આર્મ્સ એકટ ૨૫(૧-બી) મુજબ - ત્રણ ઈ.પી.કો ૩૯૪,૩૯૭,૧૧૪, બીપી.એ. એકટ ૧૩૫ મુજબ એક તથા ઈ.પી.કો ૩૯૪,૧૧૪ મુજબ એક ગુનો નોંધાયા હોવાનું જાણવા મળે છે.