ખેતીમાં પાણીની અછતને જળસંચય થકી નિવારી શકાય તેમ છે

Updated: Mar 18th, 2024


Google NewsGoogle News
ખેતીમાં પાણીની અછતને જળસંચય થકી નિવારી શકાય તેમ છે 1 - image


- જળ સંચય અભિયાન 

- જળાશયો ઉંડા ઉતારવાથી પાણીનો મહત્તમ સંગ્રહ કરી શકાશે અને તેની માટી ખેડકામમાં વાપરવાથી ફળદ્રુપતા વધારી શકાશે

ભાવનગર : ગોહિલવાડમાં દિન પ્રતિદિન ઉનાળાનો પ્રકોપ વધી રહ્યો છે. ત્યારે ગોહિલવાડમાં આવેલા કેટલાક જળાશયો જો હજુ પણ વધુ ઉંડા ઉતારવાની અત્યંત આવશ્યકતા છે. એટલુ જ નહિ તેની માટી ખેડકામમાં ઉપયોગી બનાવવાનો હાલ સર્વોત્તમ સમયગાળો ચાલી રહ્યો હોય સ્થાનિક ગ્રામ્ય વિસ્તારોની જળસંચય સમિતિ અને આગેવાનો જળસંચય ક્ષેત્રે આગવુ આયોજન હાથ ધરે તો ખેતીની જમીનની ફળદ્રુપતા વધારી શકાય તેમ છે.

ગોહિલવાડમાં ખેતીકામમાં પાણીની પ્રવર્તતી અછતને જળસંચય થકી જ નિવારી શકાય તેમ છે. ભૂતકાળમાં ગઢડા (સ્વા.)તાલુકાના ખોપાળા ગામેથી શરૂ થયેલા સફળ જળ સંચયના મહત્તમ પ્રયાસથી સમગ્ર પંથકના ખેડુતોને આર્થિક ફાયદો થયો હતો. જળસંચયના પ્રયાસથી ગોહિલવાડના અનેક ગામોના ખેડુતો સમૃધ્ધ બન્યા હોવાના ઉદાહરણ નજર સમક્ષ છે. ખેતી છે તો વગર પાણીએ ખેતી આત્મા વગરના શરીરની જેમ છે. સંભવિત દુષ્કાળ જેવી સ્થિતિને પહોંચી વળવા માટે અગાઉથી કરાયેલા ઉપાય કારગત નીવડે છે. પ્રદુષણ અને કલાઈમેટ ચેન્જના કારણે પડતો અનિયમીત વરસાદ ખેતીમાં માઠી અસર કરતો હોય ગોહિલવાડમાં હાલ ઉનાળાના સમયગાળાથી જ જળસંચય ક્ષેત્રે યોગ્ય આયોજન કરવામાં આવે તો જ બંજર જમીનમાં પણ ખેતી કરી શકાય તેમ છે. ભૂતકાળમાં ખોપાળાના આગેવાનો જળસંચય અભિયાન થકી હકારાત્મક પરિવર્તન લાવ્યા હતા. સૌરાષ્ટ્રમાં ખેડકામ કરતા પહેલા જગતના તાત ખેડૂતો દ્વારા પોતાની જમીનને સમથળ કરવામાં આવે છે આ માટે અગર જમીનને વધુ ફળદ્રુપ બનાવવા માટે માટી જમીનમાં પાથરતા હોય છે. જમીન ખેડાણને લાયક બની ગયા બાદ ખેડૂતો માટી ઉપાડી શકતા નથી. આ માટે વિનાવિલંબે સ્થાનિક ચેકડેમ, તળાવ ખોદવા કે ઉંડા ઉતારવા માટે ગ્રામ્ય વિસ્તારોમાં જળસંચય માટે વ્યાપક પ્રમાણમાં ઝુંબેશ ચલાવવાની તાતી જરૂરીયાત રહેલી છે.આ માટે ગોહિલવાડના ગામડે ગામડે જળસંચય સમિતિએ ગ્રામજનોના સહયોગ અને સહકારથી જેસીબી વસાવી તેનો કાયમી ધોરણે જળસંગ્રહ ક્ષેત્રે ક્રાંતિ સર્જી શકાય તેમ છે. ટ્રક કે ટ્રેકટરમાં માટી ભરી આપવાનો ખર્ચ માત્ર ૩૦ થી ૪૦ ટકા જ આવતો હોય છે જયારે પોતાના વાહનમાં માટી ભરી લઈ જનારા ખેડુતોના શીરે ૮૫ ટકા વાહનનો ખર્ચ આવતો હોય છે. આમ,છતાં જળસંચયના અભિયાનમાં ખેડુતો ભારે ઉત્સાહભેર જોડાતા હોય છે ત્યારે આ બાબતે ગોહિલવાડમાં સ્થાનિક આગેવાનો દ્વારા સત્વરે નકકર આયોજન ઘડી યોજનાનું અમલીકરણ હાથ ધરે તે પ્રવર્તમાન સમયની માંગ છે. 

ભૂતકાળમાં પશુપાલકો હિજરત કરવા માટે મજબૂર બન્યા હતા

સૌરાષ્ટ્રમાં ગત વર્ષોમાં ચોમાસુ એંકદરે નબળુ રહેતા પાણીનો પ્રશ્ન ગંભીર બન્યો હતો તે સમયે તો ઘાસચારા વિના નજર સામે ટળવળી રહેલા પોતાના પ્રાણપ્યારા માલઢોરને લઈને પશુપાલકો મને કમને હિજરત કરવા મજબૂર બન્યા હતા.નર્મદા આધારીત કેનાલ  જે તે પંથકમાં રહ્યા સહ્યા પાણીના સહારે આકરો બની રહેલો ઉનાળો પસાર કરવા માટે જે તે પંથકના ગ્રામ્ય વિસ્તારોના સીમ વગડામાં કામચલાઉ પડાવ નાખીને વસવાટ કરતા પશુપાલકો દ્રશ્યમાન થતા હોય છે. આમ પણ સૌરાષ્ટ્ર-કચ્છનો ઉનાળો પાણીની અછતના કારણે દર વર્ષે આકરો જ રહે છે. ત્યારે જળસંચય પ્રવૃતિ થકી ચેકડેમ, તળાવો ઉંડા ઉતારવા માટે એક અસરકારક ઝુંબેશ સ્વરૂપે જળસંચય અભિયાનની વ્યાપક પ્રમાણમાં ઘનિષ્ઠ કામગીરી થાય તે જરૂરી છે. 


Google NewsGoogle News