For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ધોરાજીનાં લઘુમતી વિસ્તારોમાં હજુ 60 ટકા સુધી જ રસીકરણ

Updated: Nov 17th, 2021

Article Content Image

- ઓછાં રસીકરણનાં આંકડા ધ્યાને આવતા કલેક્ટર દોડી આવ્યા

- વેક્સિનેશનનો લક્ષ્યાંક પૂરો કરવા સ્થાનિક અધિકારીઓને સુચના મુસ્લિમ જમાતનાં અગ્રણીઓ સાથે ચર્ચા કરાતા સહકારની ખાતરી

ધોરાજી : સમગ્ર દેશ અને ગુજરાતમાં કોરોના સામેની લડાઈમાં રસીકરણની કામગીરી વેગવંતી બનાવવા સરકારે ખાસ મિશન હાથ ધર્યું છે ત્યારે ધોરાજી શહેરમાં ખાસ કરીને લઘુમતી વિસ્તારોમાં હજુ ૬૦ ટકા જેટલા ઓછા રસીકરણને લઇ સરકારી તંત્રને ચિંતા વ્યાપી જવા પામી હતી. જેને લઇને રાજકોટ જિલ્લાના કલેકટર અરુણ મહેશ બાબુએ ધોરાજીની ખાસ મુલાકાત લીધી હતી અને વેક્સિનેશનનો લક્ષ્યાંક પૂરો કરવા સ્થાનિક અધિકારીઓને સુચના આપી હતી. આ સાથે લઘુમતી વિસ્તારમાં રસીકરણની કામગીરી વેગવંતી બને તે માટે મુસ્લિમ સમાજના આગેવાનોને મળી ચર્ચા કરતા પુરા સહકારની ખાતરી આપી હતી.

ધોરાજી તાલુકામાં ૩૦ ગામો આવેલા છે, જે પૈકી ૨૮ ગામોમાં વેક્સિનેશનની કામગીરી ૧૦૦ ટકા પૂર્ણ થઇ હોવાનું બ્લોક હેલ્થ ઓફિસર ડો. વાછાણીએ જણાવીને ઉમેર્યું કે, ધોરાજી તાલુકાના લઘુમતી સમાજની વધુ સંખ્યા ધરાવતા ઉમરકોટ અને ઉદકિયા આ બંને ગામોમાં વેક્સિનેશનની ટકાવારી ૪૦ થી ૬૦ ટકા જ થયેલ છે, જે ખૂબ ઓછી ગણી શકાય છે. બાકીના ૨૮ ગામોમાં ૧૦૦ ટકા વેક્સિનેશનની કામગીરી સરાહનીય છે.

હવે વાત કરીએ તો શહેરી વિસ્તારમાં વેક્સિનેશનની કામગીરી ૮૦ ટકાથી વધારે થઈ છે. સ્ટેશન પ્લોટ વિસ્તાર, હીરપરા વાડી, જમનાવડ રોડ, જેતપુર રોડ પરની તમામ સોસાયટી અને વિસ્તારોમાં વેક્સિનેશનની કામગીરીમાં લોકોનો સારો પ્રતિસાદ મળ્યો છે. જ્યારે ધોરાજી શહેરના લઘુમતી વિસ્તારમાં ખાસ કરીને બહારપુરા, પોસ્ટ ઓફિસ ચોક વિસ્તાર અને ઉપલેટા રોડ પર વેક્સિન મામલે હજુ પૂર્ણ જાગૃતતા આવી નથી. જેને કારણે મુસ્લિમ વિસ્તારોમાં વેક્સિનેશનની કામગીરી જોઈએ તે પ્રમાણમાં થઈ શકી નથી.

ધોરાજી રૂરલ વિસ્તારમાં ૯૮. ૭૨ ટકા વેક્સિનેશનની કામગીરી થવા પામી છે અને લઘુમતી વિસ્તારોમાં ૬૦ ટકા વેક્સિનેશન થયેલ છે. વેક્સિનેશન મામલે ધોરાજીના મામલતદાર કે. ટી. જોલાપરા અને રેવન્યુ ડિપાર્ટમેન્ટ દ્વારા મુસ્લિમ સમાજના આગેવાનો સાથે વેકસીનેશનની કામગીરી વધારવા બેઠક કરી હતી.

રસીકરણ મામલે જિલ્લા કલેકટરની ધોરાજી ખાતે થયેલી મુલાકાત બાદ ધોરાજી અંજુમન ઇસ્લામ મેમણ જમાત અને ધોરાજી સમસ્ત સુન્ની મુસ્લીમ જમાત સહિતના આગેવાનો દ્વારા આગામી શનિવારે લઘુમતી વિસ્તારોમાં ખાસ રસીકરણ ઝુંબેશરૂપે એક કાર્યક્રમ હાથ ધરાશે. મુસ્લિમ સમાજમાં રસીકરણની અગત્યતાને ઘરે-ઘરે સમજાવી જાગૃતતા લાવવા પ્રયત્ન શરૂ કરાયો છે અને રસીકરણની કામગીરી ઝડપભેર પૂરી થાય તેવો વિશ્વાસ મુસ્લિમ સમાજના આગેવાનોએ વ્યક્ત કર્યો છે.

Gujarat