Get The App

યુનિ. ગ્રાઉન્ડમાં ક્રિકેટ ટૂર્નામેન્ટ પ્રેક્ટીસ વિકેટના ઉદ્દઘાટન સાથે ફૂટબોલ ગ્રાઉન્ડનું ભૂમિપૂજન થયું

Updated: Nov 16th, 2019

GS TEAM

Google News
Google News
યુનિ. ગ્રાઉન્ડમાં ક્રિકેટ ટૂર્નામેન્ટ પ્રેક્ટીસ વિકેટના ઉદ્દઘાટન સાથે ફૂટબોલ ગ્રાઉન્ડનું ભૂમિપૂજન થયું 1 - image
ભાવનગર, તા. 16 નવેમ્બર 2019, શનિવાર

આજના ભાગદોડભર્યા સમયમાં દરેક વ્યક્તિએ ફિઝિકલ ફિટ રહેવું અત્યંત જરૂરી છે. ફિઝિકલ ફિટનેસ એ દરેક વ્યક્તિ માટે પોતાના જીવનનો એક અમૂલ્ય અને અભિન્ન ભાગ હોવો જોઇએ તેમ આજરોજ સંસ્કાર મંડળ ક્રિકેટ એકેડમી ભાવનગરના સહયોગથી યુનિવર્સિટી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે તૈયાર કરવામાં આવેલ ક્રિકેટ પ્રેક્ટિસ વિકેટ સહિતના દ્વિવિધ કાર્યક્રમોનું ઉદ્દઘાટન તથા યુનિવર્સિટી ફૂટબોલ ગ્રાઉન્ડના ભૂમિપૂજનનો પ્રસંગે કેન્દ્રીય મંત્રી ઉપસ્થિત રહ્યાં હતાં.

ભાવનગરના સંસ્કાર મંડળ ખાતે ચાલતા સંસ્કાર મંડળ ક્રિકેટ એકેડમીના સહયોગથી મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના ક્રિકેટ ગ્રાઉન્ડમાં ખાસ તૈયાર કરવામાં આવેલ ક્રિકેટ પ્રેક્ટિસ વિકેટ, શામળદાસ આર્ટસ કોલેજના યજમાનપદે ક્રિકેટ ગુરૂ જયંતિભાઇ ધરાજીયા આંતરકોલેજ ક્રિકેટ ટૂર્નામેન્ટના ઉદ્દઘાટન સમારોહ અને મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના ફૂટબોલ ગ્રાઉન્ડનો ભૂમિપૂજન સમારોહ આજરોજ કેન્દ્રીય મંત્રીની વિશેષ ઉપસ્થિતિ અને કુલપતિની અધ્યક્ષતામાં યોજાયો હતો.

આ ત્રિવિધ કાર્યક્રમને ખુલ્લો મુકતા મંત્રીએ જણાવ્યું કે રમત જગત એ જીવનનો એક ભાગ હોવો જોઇએ. રમત જગતની વિવિધ રમતો એ આપમા વડીલોએ આપેલો શેરી રમતોની ભેટ છે. શેરી રમતોમાંથી આગળ વધીને આજે રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ વિવિધ રમતોમાં આજનું યુવાધન સ્થાનિકથી લઇ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય કક્ષાએ દેશનું નામ રોશન કરી રહ્યું છે તેમ જણાવી તેમણે એક તંદુરસ્ત રમતવીર ખેલાડી માત્ર પોતાને જ નહીં પરંતુ કુટુંબના દરેક સભ્યોને પણ તંદુરસ્ત રાખે છે તેમ તેમણે જણાવ્યું હતું.

કુલપતિએ જણાવ્યું હતું કે, વિવિધ રમતોથી ખેલાડીમાં ફક્ત ફિઝિકલી જ નહીં પરંતુ મેન્ટલી ફિટનેસ પણ પ્રાપ્ત થાય છે. ગમે તેવી વિકટ પરિસ્થિતિનો સામનો કરવો પડે ત્યારે એક રમતવીર ધૈયલ શાંત મન અને નિર્ણાયક પરિપક્વતાના આધારે ગમે તેવી વિકટ પરિસ્થિતિમાંથી બહાર આવી શકે તેટલો શારીરિક અને માનસિક સક્ષમ હોય છે. વિવિધ રમતોને ઉત્તેજન આપવા માટે યુનિવર્સિટીના બજેટમાં ખાસ નાણાંકીય જોગવાઇ કરવામાં આવી હોવાનું પણ જણાવ્યું હતું.

રમત ક્ષેત્રના વિકાસ માટે પાંચ એક્સલન્સ સેન્ટરની રચના થવાની છે જેમાં ભાવનગરનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. સરકારના આ આયોજનમાં ભાવનગર અને ખાસ કરીને મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીને બહૂમૂલ્ય તક મળે તે દિશામાં પ્રયત્ન કરવાની પણ આ તકે સ્પોર્ટસ યુનિ.ના કુલપતિએ ખાતરી ઉચ્ચારી હતી. કાર્યક્રમના અંતે વૈષ્ણવ વિદ્યાપીઠ વિશ્વવિદ્યાલય ઇન્દોર આયોજિત વેસ્ટ ઝોન ટેબલ ટેનિસ આંતર યુનિવર્સિટી સ્પર્ધામાં ભાગ લઇ એમ.કે. ભાવનગર યુનિવર્સિટી ચેમ્પિયન બની ગોલ્ડ મેડલ મેળવ્યા હતાં. ટીમનું સન્માન કરવામાં આવ્યું હતું.
Tags :