અલંગના વેપારી પર હુમલા મામલે બે શખસની ધરપકડ
- ખંડણીની માગ ન સંતોષાતા કરાયો હતો જીવલેણ હુમલો
- શહેરના પ્રભુદાસ તળાવના બન્ને શખસને કોર્ટમાં રજૂ કરાયા બાદ રિમાન્ડ મેળવતી ઘોઘારોડ પોલીસ
ભાવનગર, તા. 22 ઓક્ટોબર 2019, મંગળવાર
ભાવનગર શહેરના શિશુવિહાર સર્કલ નજીક નમાજ પઢવા જતાં અલંગના વેપારી ઉપર અગાઉ ખંડણીની માગણી થઇ હતી જે ન ચુકવતા શખસોએ હુમલો કર્યો હતો. જે મામલે ચાર શખસો સામે આઇપીસી ૩૦૭ તળે ઘોઘારોડ પોલીસે ગુનો દાખલ કરી પ્રભુદાસ તળાવના બે શખસની ધરપકડ કરી લીધા બાદ કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવ્યા છે.
બનાવ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના શિશુવિહાર સર્કલ નજીક યુસુબબાગ પાસે રહેતા અલંગના વેપારી આસિફભાઈ અબ્દુલગનીભાઈ ફતાણી (ઉ.વ.૪૫) રવિવારે રાત્રિના નમાજ પઢવા માટે મસ્જિદે જઈ રહ્યા હતા. ત્યારે તેમના ઘર પાસે જ શખસોએ ધસી આવી છરી, તલવાર અને પાઈપ જેવા જીવલેણ હથિયારો વડે હુમલો કરી વેપારીને લોહિયાળ ઈજા પહોંચાડી તમામ નાસી છુટયા હતા.
ઉક્ત બનાવ અનુસંધાને આસિકભાઇ ફતાણીએ ઘોઘારોડ પોલીસ મથકમાં અબ્દુલ સીરાજ ડાભી અને ત્રણ અજાણ્યા શખસો સામે ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે, એકાદ વર્ષ પૂર્વે તેઓ પાસે આઠ લાખ રૂપિયાની ખંડણી માગી હતી. જે ખંડણી તેઓએ ન ચુકવતા ગત રાત્રિના છરી-પાઇપ જેવા હથિયારોના ઘા મારી તેઓને ઇજા પહોંચાડી હતી. ઉક્ત ફરિયાદ અનુસંધાને ઘોઘારોડ પોલીસે તમામ સામે આઇપીસી ૩૦૭ મુજબ ગુનો દાખલ કર્યો હતો.
દરમિયાન વેપારીના અપહરણ મામલે ઘોઘારોડ પોલીસે તપાસ હાથ ધરી શહેરના શિશુવિહાર સર્કલ, પ્રભુદાસ તળાવ વિસ્તારના મફતનગરમાં રહેતા અફઝલ શીરાઝભાઇ ડાભી (ઉ.વ.૨૪) અને કોમલ ઉર્ફે રેહાન સત્તારભાઇ બેલીમ (ઉ.વ.૨૭)ની ધરપકડ કરી લઇ આજે સાંજે રિમાન્ડની માગણી સાથે કોર્ટમાં રજૂ કરતા નામદાર કોર્ટે બન્ને શખસના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હોવાનું ઘોઘારોડ પોલીસથી જાણવા મળ્યુ ંહતું.