Get The App

યુવાનની હત્યા પ્રકરણે ઝડપાયેલ મહિલા સહિત બે થયા જેલ હવાલે

Updated: Dec 13th, 2019

GS TEAM

Google News
Google News
યુવાનની હત્યા પ્રકરણે ઝડપાયેલ મહિલા સહિત બે થયા જેલ હવાલે 1 - image

ભાવનગર, તા. 13 ડિસેમ્બર 2019, શુક્રવાર

ભાવનગર જિલ્લાના સોશીયા યાર્ડના દરિયા કિનારેથી યુવાનનો હત્યા કરાયેલ હાલતે મૃતદેહ મળી આવતા ભારે ચકચાર મચી જવા પામી હતી. જે મામલે તપાસ દરમિયાન ત્રિકોણીય પ્રેમપ્રકરણમાં યુવાનનું ઢીમ ઢાળી દેવાયાનું ખુલતા મહિલા સહિત બેની ધરપકડ કરવામાં આવી હતી. દરમિયાન આજે બન્નેને કોર્ટમાં રજૂ કરી જિલ્લા જેલ હવાલે કરી દેવામાં આવ્યા હતા.

બનાવની જાણવા મળતી વિગતો અનુસાર તળાજા તાલુકાના સોશીયા ગામે રહેતા અને છુટક મજુરી કામ કરતા કાનાભાઇ ગોવિંદભાઇ ઢાપા થોડા દિવસ પૂર્વે પોતાના ઘરેથી રાત્રિના સુમારે બહાર જમવા માટે ગયા હતા. બાદ વહેલી સવારે સોશીયા યાર્ડના પ્લોટ નં.144ના દરિયા કિનારેથી તેઓનો હત્યા કરાયેલ હાલતે મૃતદેહ મળી આવતા ભારે ચકચાર મચી જવા પામી હતી.

ઉક્ત મામલે આઇપીસી 302 તળે ગુનો નોંધાયા બાદ અલંગ મરીન પોલીસે જયદેવસિંહ ઉર્ફે જયદિપસિંહ અશોકસિંહ ગોહિલ (ઉ.વ.20, રે.ત્રાપજ)ની ધરપકડ કરી પુછપરછ કરતા મૃતક યુવાનને પરીણીત મહિલા સાથે ચાર વર્ષ પ્રેમ સબંધ હોય અને છ મહિના પહેલા બન્ને વચ્ચે અણબનાવ બનતા છુટા પડયા હતા. બાદ જયદેવસિંહ અને મહિલા વચ્ચે પ્રેમ પાંગર્યો હતો. જેમાં મૃતક કાનાભાઇ આડકલીરૂપ બનતા હોય જેથી મહિલાએ દારૂ પીવાના બહાને રાત્રિના સુમારે બોલાવી તેને દારૂ પાઇ હત્યા કર્યાની કબુલાત આપી હતી. જેને લઇ પોલીસે માયાબેન નામની મહિલાની પણ ધરપકડ કરી રિમાન્ડ મેળવ્યા હતા. દરમિયાન આજે બન્નેના રિમાન્ડ પૂર્ણ થતા અલંગ મરીન પોલીસે બન્નેને તળાજા કોર્ટમાં રજૂ કરતા નામદાર કોર્ટના આદેશ તળે જિલ્લા જેલ હવાલે કરી દેવામાં આવ્યા હતા.
Tags :