ભાવનગર: ક્રેસન્ટ સર્કલમાં ટ્રક અડફેટે મોપેડ ચાલકનું કરૂણ મોત
ભાવનગર, તા. 01 નવેમ્બર 2019, શુક્રવાર
ભાવનગર શહેરની સરદાર સ્મૃતિમાં ફરજ બજાવતા કર્મચારી પોતાના ઘર તરફ જઇ રહ્યા હતા તે વેળાએ તેઓના મોપેડને ટ્રકના ચાલકે અડફેટે લઇ અકસ્માત સર્જતા કર્મચારીનું ઘટના સ્થળ પર જ મૃત્યુ નિપજવા પામ્યું હતું. ઘટનાની જાણ થતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને ટ્રક કબજે લઇ ચાલક સામે ફરિયાદ દાખલ કરી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.
બનાવની જાણવા મળતી સઘળી વિગતો અનુસાર ભાવનગર શહેરના મહિલા કોલેજ સર્કલ નજીક રહેતા અને સરદાર સ્મૃતિમાં ફરજ બજાવતા કર્મચારી વિપુલભાઇ પ્રભુદાસભાઇ દોશી (ઉ.વ.52) આજે લાભપાંચમના દિવસે બપોરે 1 કલાકના અરસા દરમિયાન સરદાર સ્મૃતિથી પોતાનું સ્કુટી નં.જીજે-04-બી.જી-2921 લઇ ઘર તરફ જવા નિકળ્યા હતા તે વેળાએ ક્રેસન્ટ સર્કલમાં પુરપાટ ઝડપે આવી રહેલ ટ્રક નં.જીજે-12-યુ-9248ના ચાલકે ટ્રક ગફલતભરી રીતે ચલાવી વિપુલભાઇના મોપેડને અડફેટે લઇ તેઓને પછાડી દઇ ગંભીર ઇજા પહોંચાડી મોત નિપજાવ્યું હતું.
ઘટનાની જાણ થતા ઘોઘારોડ પોલીસ સ્ટાફ ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો અને સ્થળ પરથી ટ્રક કબજે લઇ એક શખસની અટક કરી હતી. અકસ્માતના બનાવના પગલે ભારે અરેરાટી છવાઇ જવા પામી હતી. જ્યારે બનાવ અનુસંધાને મૃતક વિપુલભાઇ દોશીના ભાઇ નિલેશભાઇ પ્રભુદાસભાઇ દોશી (ઉ.વ.45)એ ઘોઘારોડ પોલીસ મથકમાં ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે.