તળાજામાં મનસ્વી રીતે વાહન પાર્કિંગના કારણે સર્જાતા ટ્રાફિકથી લોકોને હાલાકી
- હોળી-ધૂળેટી પર્વે બજારમાં ભીડ વધુ રહે છે તેની વચ્ચે
- બગીચાથી વાવચોક, બાપાચોકથી મહાકાળી મંદિર સુધી, શાકમાર્કેટ અને તળાવ વિસ્તારમાં મનફાવે તે રીત વાહનોનું થતું આડેધડ પાર્કિંગ
તળાજા શહેરના મુખ્ય જાહેર માર્ગો ઘણા જ પહોળા હોવા છતાં દિવસ દરમિયાન તળાજાના રસ્તાઓમાં ખૂબ ગીચતા લાગે છે. તળાજાની મુખ્ય બજારમાં વાહનધારકો મનસ્વી રીતે વાહનો પાર્ક કરી દે છે અને તેના કારણે ટ્રાફિક સર્જાય છે. એક તો તળાજામાં શાક માર્કેટનો ટ્રાફિકનો પ્રશ્ન સતત સળગતો રહે છે તેની વચ્ચે હવે તહેવારોને અનુલક્ષીને માણસોની વધુ અવર-જવર તો બીજી તરફ રોડ પર મન ફાવે તેટલો દુકાન હોવા છતાંય સામાન બહાર રાખવાના વેપારીઓના વલણને લઈ તળાજામા કુત્રિમ રીતે ટ્રાફિક સમસ્યા સર્જાય છે અને તેના લીધે તળાજામાં ઉઠાવગીર ચોર ટોળકીને ચોરીનો મોકો મળે છે. તળાજામાં ખાસ કરીને બગીચાથી વાવચોક, બાપા ચોકથી મહાકાળી મંદિર સુધી અને શાક માર્કેટ, તળાવ વિસ્તારમાં મન ફાવે તે રીતે વાહનો મનસ્વી રીતે પાર્ક કરવામાં આવે છે. હોમગાર્ડ અને ટ્રાફિક બ્રિગેડના જવાનો ફરજ પર જોવા મળે છે. પરંતુ તેઓને અમુક વાહનધારકો તથા શાક માર્કેટ ના થડા વાળા જેઓની પાસે દુકાનો હોવા છતાંય અડધા થી વધુ રસ્તો દબાવી દયે છે એ ગાંઠતા નથી! હોળી ધુળેટી-પર્વને લઈ ઘરાકી અને બીજી તરફ લારીઓ અને બહાર કાઢવામાં આવેલ થડા ના કારણે સર્જાતી ગીચતાથી રાહદારીને હાલાકી પડી રહી છે.