ભાવનગર: ગંગાજળીયા તળાવ પાસેના વેસ્ટ કન્વર્ટરની દુર્ગંધથી વેપારીઓ ત્રાહિમામ
ભાવનગર, તા. 10 નવેમ્બર 2019, રવિવાર
ભાવનગર શહેરના ગંગાજળીયા તળાવ પાસે આવેલ વેસ્ટ કન્વર્ટરની અસહ્ય દુર્ગંધથી વેપારી સહિતના લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. આ બાબતે વારંવાર રજુઆત કરવામાં આવેલ છે છતાં કોઈ પગલા મહાપાલિકા દ્વારા લેવામાં આવેલ નથી. પ્લાન્ટ બંધ કરવામાં નહી આવે તો વેપારીઓએ માર્કેટ બંધની ચીમકી ઉચ્ચારી છે. પ્લાન્ટની દુર્ગંધથી વેપારીઓમાં રોષ ભભૂકી ઉઠયો છે.
શહેરના ગંગાજળીયા તળાવ ખાતે ભાવનગર મહાપાલિકાના સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ દ્વારા સંચાલિત ઓર્ગેનીક વેસ્ટ કન્વર્ટર પ્લાન્ટ આવેલ છે. આ યુનિટમાંથી અસહ્ય દુર્ગંધ આવે છે, જેના પગલે ઝુલેલાલ સિંધી માર્કેટ, શાકમાર્કેટ, ફ્રૂટ માર્કેટ, સિટી બસ સ્ટેન્ડ, મલ્ટીલેવલ પાર્કિંગ વગેરે સ્થળે આવતા લોકોને ખરાબ અનુભવ થાય છે. દુર્ગંધથી વેપારી સહિતના લોકો પરેશાન થઈ ગયા છે અને કેટલાક લોકો તો ખરાબ દુર્ગંધથી ચક્કર આવી પડી ગયા હોવાનુ વેપારીઓએ જણાવેલ છે.
આ બાબતે વેપારીઓએ વારંવાર મહાપાલિકાને રજુઆત કરી છે પરંતુ મહાપાલિકા દ્વારા કોઈ નક્કર પગલા લેવામાં આવતા નથી તેથી વેપારીઓમાં રોષ ભભૂકી ઉઠયો છે. લેખીત અને મૌખીક રજુઆત કરી છે છતાં મહાપાલિકાના અધિકારીઓ દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે તેથી વેપારીઓ મૂશ્કેલીમાં મૂકાય ગયા છે.
આ પ્લાન્ટની દુર્ગંધના કારણે વેપારીઓના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા હોવાની ફરિયાદ ઉઠી છે અને દુર્ગંધના પગલે ગ્રાહકો નહી આવતા વેપારીઓને મોટુ આર્થીક નુકશાન થઈ રહ્યુ હોવાનુ જાણવા મળેલ છે. આ બાબતે ઝુલેલાલ સિંધી વેપારી એસોસીએશને મહાપાલિકાના કમિશનરને તત્કાલ પગલા લેવા જણાવેલ છે અને જો દસ દિવસમાં પ્લાન્ટ બંધ નહી કરવામાં આવે તો બજાર બંધ રાખી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે. કાનુની પગલા ભરવાની ફરજ પડશે તેમ વેપારીઓએ લેખીત રજુઆતમાં જણાવેલ છે. આ અંગે મુખ્યમંત્રી અને રાજ્યના આરોગ્ય સચિવને પણ પત્ર પાઠવવામાં આવેલ છે.