આજે બેંક કર્મચારીઓ હડતાલ પર, 19 બેંકની 150થી વધુ બ્રાંચ અસરગ્રસ્ત
- સરકારના બેંક એકીકરણના નિર્ણયથી યુનિયન ખફા
- ભાવનગરની રાષ્ટ્રીયકૃત બેંકોના 200 કરોડના ટ્રાન્જેક્શન અટકી પડશે
ભાવનગર, તા. 21 ઓક્ટોબર 2019, સોમવાર
બેંકોના એકીકરણ અંગે સરકારની નીતિનો બેંક વર્કસ યુનિયન દ્વારા વ્યાપક વિરોધ વંટોળ ઉભો થયો છે અને તંત્રના આ નિર્ણયથી પડતી અવળી અસરોને લઇ તા.૨૨ના રોજ હડતાલનું અને દેખાવો યોજવામાં આવનાર છે જેથી ભાવનગરની ૧૯ બેંકોની ૧૫૦થી વધુ શાખાઓ બંધ રહેતા ૧૫૦ કરોડના દૈનિક ટ્રાન્જેક્શન પર અસર થશે.
સરકારના દસ બેંકોના ચાર બેંકમાં એકીકરણના નિર્ણયને કારણે નિષ્પન થતી પરિસ્થિતિને કારણે આંધ્ર બેંક, અલ્હાબાદ બેંક, કોર્પોરેશન બેંક, ઓરીએન્ટલ બેંક ઓફ કોમર્સ, સિન્ડીકેટ બેંક અને યુનાઇટેડ બેંક ઓફ ઇન્ડીયા સહિત છ બેંકો બંધ થશે અને પંજાબ નેશનલ બેંક, યુનિયન બેંક, કેનેરા બેંક અને ઇન્ડીયન બેંકમાં સમાવિષ્ટ થશે. સરકારના નિર્ણયને કારણે જે બેંકોને અન્ય બેંકોમાં સમાવિષ્ટ કરવામાં આવશે તેને કારણે બેંકોની શાખાઓ સમયાંતરે બંધ થશે. સામાન્ય જનસમુદાયને બેંકીંગ સેવાથી વંચિત રહેવું પડશે.
એકીકરણથી બેંકોની શાખાઓ બંધ થયેલ છે તે એસબીઆઇમાં છ બેંકોનો સમાવેશ કરવામાં આવેલ તેને કારણે સરકારના કથન મુજબ ૬૯૫૦ શાખાઓ બંધ થયેલ છે. બેંક ઓફ બરોડામાં દેના અને વિજયા બેંકના સમાવેશ થવાને કારણે લગભગ ૧૬૫૦ શાખાઓ બંધ થશે. માર્ચ-૨૦૨૦ સુધીમાં ૫૩૦ શાખાઓ બંધ થશે તેવું જાહેર કરેલ છે. બેંકોમાં દર વર્ષે લગભગ એક લાખ નવયુવાનોને નોકરી આપવામાં આવતી હતી. બેંકોની સંખ્યા અને શાખાઓ બંધ થવાને કારણે નવી રોજગારીની તકો ઉભી નહીં થાય.
આજરોજ ચીફ લેબર કમિશનર તરફથી સમાધાનના પ્રયાસ માટે દિલ્હી મુકામે મિટીંગ બોલાવેલ આઇબીએ તરફથી હડતાલ ન પાડવા અપીલ કરવામાં આવેલ પરંતુ સરકાર તરફથી મર્જર બેન્કીંગ રીફોર્મ બાબત કોઇ સમાધાનની તૈયારી બતાવેલ નહીં તેથી હડતાલ યથાવત રાખા નિર્ણય લેવાયો હતો. બેંક કર્મચારીઓ સરકારની અવળી આર્થિક નીતિ અને જન સામાન્ય વિરોધીની એકીકરણની નીતિના વિરોધમાં તા.૨૨ના સંપૂર્ણ હડતાલ પાડશે. તા.૨૨ના રોજ સવારે દરેક શહેરમાં દેખાવો યોજવામાં આવશે. બેંકોની આ હડતાલના પગલે ભાવનગરના ૧૫૦ કરોડના ટ્રાન્જેક્શન અટકી પડશે.