For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

આજે ચકલી દિવસઃ શહેરોમાં ચકલીની ચીં ચીં ઘટે છે, વાહનોનો ઘોંઘાટ વધે છે

તારો વૈભવ રંગમોલ સોનુ ને ચાકર ધાડું,મારે ફળીએ ચકલી બેસે તે મારું રજવાડું

સુવર્ણ ભંડારોના કારણે ભારત દેશ ૫૦૦૦ વર્ષ પૂર્વે 'સોને કી ચીડીયા' તરીકે ઓળખાતો,આજે ૯૦ ટકા ભારતીયો માટે સોનુ મોંઘુ અને દુર્લભ

Updated: Mar 20th, 2024

આજે ચકલી દિવસઃ શહેરોમાં ચકલીની  ચીં ચીં ઘટે છે, વાહનોનો ઘોંઘાટ વધે છે

રાજકોટ: 'તારો વૈભવ રંગમોલ સોનુ ને ચાકર ધાડું, મારે ફળીયે ચકલી બેસે તે મારું રજવાડું...તારે ફળીયે તારો વૈભવ ખોખારાં ખાય,મારે પંખીના ટહૂકાથી અજવાળા ફેલાય...એ રમેશ પારેખની પ્રસિધ્ધ કવિતા ભપકાંદાર,ખર્ચાળ,એરકન્ડીશન્ડ લાઈફસ્ટાઈલમાં આયખું વિતાવનારા આધુનિક ધનાઢ્યોને ઘણું કહી જાય છે. ગુજરાતમાં શહેરીકરણ વધી રહ્યું છે તેના પગલે ચકલીના ચીં ચીં એવો લાખો ખર્ચતા ન મળે તેવી હૈયાને ટાઢક આપતો મધુર કલરવ વાહનો અને ડી.જે.ના ઘોંઘાટમાં દબાઈ ગયો છે. પ્રાણવાયુથી તન,મનને તરબતર કરી નિરોગી કાયા આપતાવૃક્ષો ઘટયા છે અને તેના બદલે સિમેન્ટ કોંક્રિટના બહુમાળી જંગલોમાં ઘટતા ઓક્સીજન અને વધતા ગ્લોબલ વોર્મિંગ વચ્ચે જીવવું તેને વિકાસ ગણાઈ રહ્યો છે. આ સ્થિતિમાં આવતીકાલે વધુ એક વાર પર્યાવરણની, માનવીની સાથે યુગો યુગોથી રહેતી ઘરચકલીનો આંતરરાષ્ટ્રીય દિવસ ઉજવાશે. 

આશરે પાંચ હજાર વર્ષ પૂર્વે, મોર્ય,કુશાન,ગુપ્ત વગેરે સામ્રાજ્યો વખતે ભારત સમગ્ર વિશ્વમાં સોને કી ચીડીયા (ગોલ્ડન સ્પેરો) તરીકે ઓળખાતો.એ વખતે ભારત મોટાપાયે નિકાસ કરતો અને બદલામાં વિશ્વભરમાંથી ટનબંધ સોનાના ભંડારો ભારતમાં ઠલવાતા હતા. આજે, સ્થિતિ વિપરીત છે, સોનાના ભાવ વૈશ્વિક બજારના હાથમાં છે અને ભારતના ૯૦ ટકાથી વધુ લોકોની પહોંચ બહાર મોંઘુ થઈ ગયું છે. માત્ર ગણ્યાગાંઠયા ધનિકો પાસે સોનાના થોડા ભંડાર છે પણ ચીડીયા, ચકલી તો સર્વત્ર ઘટી રહી છે. ગીચ શહેરોમાં સવારે ઉઠતાવેંત ચકલીનો સુમધુર ધ્વનિ નહીં પણ વાહનોનો કર્કશ ઘોંઘાટનો કાન પર પ્રહાર થાય છે. 

ચકલી એવું માનવમિત્ર પંખી છે કે ઘર પાસે વૃક્ષ હોય, પાણીના ભાવે મળતું માટીનું કુંડુ અને માળો મુક્યો હોય તો ચકલીને આવવાનું મન થાય છે. માત્ર ૬ ઈંચના કદનું અને સરેરાશ ૩૦-૩૨ ગ્રામનું આ નાનકડું પંખી માણસની જેમ પરિવાર સાથે રહે છે અને કોઈને પણ નડતરરૂપ થયા વગર આનંદકિલ્લોલ કરીેને કોઈ સદ્ગુરુ શિખવાડે તેવું જીવનનું જ્ઞાાન પણ આપે છે. 

પરંતુ, રાજકોટ જેવા શહેરોમાં વૃક્ષો વાવવાની માંગણીઓ ઓછી આવે છે અને પોતાને પ્રાણવાયુનો પૂરવઠો ઘટે તેની તેની ચિંતા વગર માણસના અર્ધા ફેફસાં એવા વૃક્ષ કાપવાની મંજુરી માંગવી અને મંજુરી વગર વૃક્ષો કાપી નાંખ્યાની ફરિયાદો થોકબંધ આવતી રહે છે. કોરોનામાં પ્રાણવાયુના અભાવે તરફડી તરફડીને હજારો મોતને ભેટયા, હાલ પણ અચાનક આવતા હાર્ટ એટેક જેવા અનેક રોગોથી આયુષ્ય છિનવાય છે અને છતાં પ્રાણવાયુ અને પંખીઓનો પ્રેમ આપતા વૃક્ષો ઘટી રહ્યા છે અને તેનું સ્થાન ગરમી અને પ્રદુષણ વધારતા બાંધકામો લઈ રહ્યા છે જેને આધુનિક ભાષામાં વળી, વિકાસ કહે છે.


Gujarat