મનપામાં ભરતીના ફોર્મ લેવા સેંકડો ઉમટતા સોશ્યલ ડિસ્ટન્સના ધજ્જીયા
- રાજકોટમાં સફાઈકર્મીની ભરતી માટે એક દિવસમાં 1128 ફોર્મ!
- ભાજપે જશ ખાટવા ટોળા ભેગા કર્યાનો વિપક્ષી આક્ષેપ: આજથી વોર્ડ ઓફિસે ફોર્મ વિતરણ, તા.17 સુધી મળશે
- લોકોને માહિતી આપવામાં તંત્ર નિષ્ફળ, સેન્ટ્રલ ઝોન ટોળા,વેસ્ટઝોન કચેરી ખાલી !
- સફાઈકર્મીની નોકરી મળે તો નજીવું વેતન અને પાર્ટ ટાઈમની શરત અન્યાયકર્તા
- સફાઈ કામદાર પરિવારોમાં કેટલી હદે હજુ બેરોજગારી તેની પણ થઈ ગઈ પ્રતીતિ
રાજકોટ,તા. 21 જુલાઈ 2020, મંગળવાર
રાજકોટમાં હાલ રોજના રૂ।.૧૬૫ રૂપરડીના મહેનતાણાવાળી પાર્ટટાઈમ સફાઈ કામદારની નોકરી માટે ૪૪૧ જગ્યા માટે મનપાએ આજથી ફોર્મ વિતરણ શરુ કરતા ઢેબરરોડ પર આવેલી મહાપાલિકાની મુખ્ય કચેરીએ આખુ કમ્પાઉન્ડ અરજદારોથી ભરાઈ ગયું હતું અને સેંકડો લોકો એ ફોર્મ લેવા ધસારો કરતા ભારે અવ્યવસ્થા સર્જાઈ હતી અને સોશ્યલ ડિસ્ટન્સના ખુદ મનપાના અફ્સરો-પદાધિકારીઓની નજર સામે રીતસર ધજ્જીયા ઉડયા હતા. ભારે હોબાળો મચ્યો હતો અને અવ્યવસ્થા સર્જાઈ હતી જે દ્રશ્યોએ એ પ્રતીતિ પણ કરાવી હતી કે આટલા વર્ષો પછી પણ સફાઈ કામદારોના પરિવારો, આ સમાજના લોકોમાં એટલી હદે બેકારી છે કે ઓછા પગારની અને સખત મહેનતની નોકરી માટે પણ લોકો લાંબી કતારો લગાવે છે.
ફોર્મ વિતરણ આમ તો ત્રણેય ઝોનલ કચેરીના સિટિ સિવિક સેન્ટર ખાતેથી હતું પરંતુ, મનપાના મહેકમ વિભાગ દ્વારા આ માટે પર્યાપ્ત પરિસ્થિતિનું આકલન કરીને વ્યવસ્થા નહીં ગોઠવાતા અને લોકો સુધી અગાઉ માહિતી નહીં પહોંચાડતા માત્ર સેન્ટ્રલ ઝોન કચેરીએ જ ધસારો થયો હતો જ્યારે વેસ્ટઝોન કચેરીએ અરજદારો ગણ્યાગાંઠયા જ હતા. સાંજ સુધીમાં ૧૧૨૮ ફોર્મ આપવામાં આવ્યા છે અને તા.૧૭ ઓગષ્ટ સુધી ફોર્મ અપાશે અને સ્વીકારાશે તેમ પર્યાવરણ ઈજનેર નીલેશ પરમારે જણાવ્યું હતું.
ફોર્મ લેવા આવેલા પાંચસોથી વધુ એક જગ્યાએ ઉમટી પડતા મનપાએ ફોર્મ વિતરણ બંધ કરાવ્યું હતું અને ઈસ્ટ ઝોન અને વેસ્ટઝોન કચેરીએ જવા માટે સૂચના અપાઈ હતી. આજે હવે રહી રહીને તંત્રને ભાન થતા આ ફોર્મનું વિતરણ આવતીકાલથી તમામ વોર્ડ ઓફિસોથી કરવામાં આવશે. મનપાએ પહેલેથી જ વોર્ડ ઓફિસોથી ફોર્મ વિતરણ ગોઠવ્યું હોત તો આટલો ધસારો ન થાત અને કોરોના મહામારી વચ્ચે ટોળા ભેગા ન થાત.
લોકોના ટોળા દેખાતા જ સમાજના આગેવાનો તેમજ રાજકીય નેતાઓ ત્યાં ઉમટી પડયા હતા અને મનપાની બેદરકારીના કારણે લોકોને હેરાન થવું પડયાનો રોષ વ્યક્ત કર્યો હતો. વિપક્ષી નેતા વશરામ સાગઠીયાએ આ ભરતીના નામે મોટી રકમના ઉઘરાણા થયાના આક્ષેપ કર્યા છે અને ભાજપના આગેવાનોએ પોતે ભરતી કરી રહ્યા છે તેવો લીંબડ જશ ખાટવા માટે ઉમેદવારોના ટોળા ભેગા કર્યાનું જણાવ્યું હતું. નાયબ કમિશનરની હાજરીમાં સોશ્યલ ડિસ્ટન્સના લીરેલીરાં ઉડયા હતા. તેમણે આ ભરતી માટે કોઈ પણ નાણાકીય વ્યવહાર ન કરવા નોકરીવાંચ્છુઓને અપીલ કરી છે.
ઉલ્લેખનીય છે કે કોઈ ભરતીમાં ન હોય તેવા વિચિત્ર નિયમો મનપાએ આ ભરતીમાં રાખ્યા છે અને કાગળ પર તો ભરતી શબ્દ વપરાયો છે પરંતુ, પાર્ટટાઈમ નોકરી જ અપાનાર છે અને તેમાં પણ સફાઈ કામદારનું જે પગાર ધોરણ છે તે ધ્યાને લઈને વેતન નક્કી કરવાને બદલે કામચલાઉ ધોરણે મજુરો રાખવાના હોય તેમ નજીવુ વેતન નક્કી કરાયું છે જે ઉમેદવારો માટે અન્યાયકર્તા છે.વળી, ફૂલટાઈમને બદલે પાર્ટટાઈમ રાખી ૧૮૦૦ દિવસ કામ કરાવ્યા બાદ જ તેઓ કાયમી થઈ શકે તેવી વિચિત્ર શરત રખાઈ છે.