સૌરાષ્ટ્રના કુખ્યાત રાજુ શેખવા સામે હત્યાના ત્રણ ગંભીર ગુના
- 93 લાખની અપ્રમાણસરની મિલકતોના આરોપી
- રાજકારણીઓ અને અધિકારીઓ સાથે ઘરોબો ધરાવતો રાજુ શેખવા સામે અપહરણ, ખંડણી સહિતના નોંધાયા છે ગુના
રાજકોટ, તા. 10 જુલાઈ, 2020, શુક્રવાર
રાજકોટના શારદાનગરમાં રહેતા અને અમરેલીના લીલિયાની મામલતદાર કચેરીના સસ્પેન્ડેડ ક્લાર્ક રાજેન્દ્ર ઉર્ફે રાજુ શેખવા સામે ગઈકાલે એસીબીએ ૯૩ લાખની અપ્રમાણસર મિલકતો અંગે ગુનો દાખલ કર્યો હતો. સૌરાષ્ટ્રના કુખ્યાત રાજુ શેખવા વિરૂદ્ધ અત્યાર સુધી ખૂનના ૩ ગંભીર ગુના નોંધાયા છે અને લાંબો ગુનાહિત ઈતિહાસ ધરાવે છે.
પ્રાપ્ત માહિતી મુજબ સૌરાષ્ટ્રના મોટા વેપારીઓ અને બિલ્ડરો ઉપર ખૌફ ધરાવતા રાજુ શેખવા વિરૂદ્ધ ખંડણી, અપહરણ સહિતના ગુના પણ નોંધાયા છે. તેની વિરૂદ્ધ પહેલી હત્યાનો ગુનો ૨૦૦૧માં નોંધાયો હતો. જેમાં સાવરકુંડલાના વોટર વર્કસ કમિટીના ચેરમેન જોરાવરસિંહ ચૌહાણની તલવારના ઘા ઝીંકી સરાજાહેર હત્યા કરવામાં આવી હતી. બીજો હત્યાનો ગુનો ૨૦૧૩માં નોંધાયો હતો. જેમાં અમરેલીના ફુડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના મેનેજર બાબુલાલ જાદવને ફાયરીંગ કરી હત્યા નીપજાવવામાં આવી હતી.
જ્યારે ત્રીજી હત્યાનો ગુનો અમદાવાદમાં નોંધાયો હતો. જેમાં સુરેશ શાહની શાર્પશૂટરો દ્વારા હત્યા કરાવવાનો આરોપ રાજુ શેખવા ઉપર મૂકાયો હતો. આ ગુનામાં તે હાલમાં ગોંડલની સબ જેલમાં છે. તેની ઉપર સુરેશ શાહ દ્વારા ફાયરીંગ કરાયું હતું. છેલ્લા ૧૦ વર્ષથી બંને વચ્ચે ચાલતી ધંધાકીય હરીફાઈના કારણે આ ફાયરીંગ થયું હતું. ત્યારબાદ તેનો બદલો લેવા સુરેશ શાહની શાર્પશૂટરો પાસે હત્યા કરાવવાનો આરોપ રાજુ શેખવા ઉપર હતો. અગાઉની હત્યામાં પણ મુખ્યત્વે ધંધાકીય અદાવત કારણભૂત હતી.
ઊંચા ગજાના રાજકારણીઓ અને અધિકારીઓ સાથે ઘરોબો ધરાવતો રાજુ શેખવા હાલ અપ્રમાણસર મિલકતોના કેસને કારણે ફરી ચર્ચામાં આવ્યો છે.