Get The App

પાલિતાણાની અરીસા ભુવન ધર્મશાળામાં દિવાલ ધરાશાયી થતા ત્રણના કરૂણ મોત

- જૂના બાંધકામ તોડવાનું કામ શરૂ થાય તે પહેલા દુર્ઘટના ઘટી

- કોન્ટ્રાક્ટર પિતા-પુત્રએ સ્થળ પર, એક મજૂરે ભાવનગર હોસ્પિટલમાં દમ તોડયો, બે મજૂર ઈજાગ્રસ્ત: ઘટનાને લઈ અરેરાટી સાથે આઘાત

Updated: Dec 22nd, 2019

GS TEAM

Google News
Google News

ભાવનગર,22 ડીસેમ્બર 2019 રવિવાર

જૈનતિર્થ નગરી પાલિતાણા શહેરના તળેટી વિસ્તારમાં આવેલી અરીસા ભુવન ધર્મશાળામાં રવિવારે સવારે દિવાલ ધરાશાયી થવાની ઘટનામાં પિતા-પુત્ર સહિત ત્રણ વ્યક્તિના કરૂણ મોત નીપજ્યા હતા. જ્યારે અન્ય બે મજૂરને ઈજા થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બનાવને પગલે પાલિતાણા પંથકમાં ભારે અરેરાટી સાથે શોકનું મોજું ફરી વળ્યું હતું. ત્રણ વ્યક્તિના દિવાલ-ગડરની નીચે દબાઈ જવાના સમાચાર વાયુવેગે પ્રસરતા લોકોના ટોળે ટોળા હોસ્પિટલ અને ઘટના સ્થળ ખાતે ઉમટી પડયા હતા. પોલીસે પણ દોડી જઈ જરૂરી કાનૂની કાર્યવાહી કરી હતી.

અરેરાટી સાથે આઘાત પ્રસરાવતી ઘટના અંગે મળતી વિગત અનુસાર પાલિતાણા શહેરના ગારિયાધાર રોડ પર આવેલ લીલાપીરની દરગાહ પાછળ રહેતા ફારૂકભાઈ હાજીભાઈ ડેરૈયા (ઉ.વ.૫૫)એ તળેટી રોડ પર આવેલ અરીસા ભુવન ધર્મશાળાના જૂના બાંધકામને નીચે ઉતારવાનો કોન્ટ્રાક્ટ રાખ્યો હતો.

બાંધકામ તોડવાની કામગીરી છેલ્લા ઘણાં માસથી ચાલતી હોય, દરમિયાનમાં આજે રવિવારે સવારે ફારૂકભાઈ હાજીભાઈ ડેરૈયા અને તેમના પિત્ર તૌસીફભાઈ ફારૂકભાઈ ડેરૈયા (ઉ.વ.૩પ) મજૂર સુખાભાઈ ગોવિંદભાઈ ખસિયા (ઉ.વ.૩૦), કાળુભાઈ મેપાભાઈ મકવાણા (ઉ.વ.૩૫) અને જયસુખભાઈ ગોવિંદભાઈ ખસિયા (ઉ.વ.૨૭, રહે, ત્રણેય ભાદાવાદ, તા.પાલિતાણા)ને લઈ સાઈટ ઉપર ગયા હતા.

અહીં સવારના ૯-૩૦ કલાકના અરસામાં બાંધકામ તોડવાનું કામ શરૂ કરતા પહેલા બન્ને પિતા-પુત્ર મજૂરોને સુચના આપી રહ્યા હતા. ત્યારે દિવાલ ધડામ દઈને ધરાશાયી થતાં તેની સાથે લોખંડની ગડર પણ પડી હતી. જેમાં દિવાલના કાટમાળા નીચે ત્રણેય મજૂર અને ગડર નીચે બન્ને પિતા-પુત્ર દબાઈ જતાં ફારૂકભાઈ અને તૌસીફભાઈને ગંભીર ઈજા થતાં તેમના ઘટના સ્થળ પર જ મૃત્યુ થયા હતા. જ્યારે ત્રણેય મજૂરને સારવાર માટે પાલિતાણા બાદ ભાવનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સુખાભાઈ ખસિયાએ સારવારમાં દમ તોડી દેતા મૃત્યાંક ત્રણ થયો હતો.

આ ઘટનાની જાણ થતાં પાલિતાણા ટાઉન પોલીસનો કાફલો, ધારાસભ્ય, મુસ્લિમ સમાજના આગેવાનો તેમજ લોકોના ટોળે ટોળા ઉમટી પડયા હતા. બનાવને લઈ પાલિતાણા ટાઉન પોલીસે સલીમભાઈ અલારખભાઈ ગુંદીગેરા (ઉ.વ.૪૧, રહે, પરીમલ સોસાયટી, લીલાપીરની દરગાહ પાછળ, પાલિતાણા)ની જાહેરાત લઈ અકસ્માતે મોતની એન્ટ્રી કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Tags :