For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

જામનગર નજીક માર્ગ અકસ્માતમાં ત્રણ મિત્રોનાં મોત, એક ગંભીર

Updated: Jan 24th, 2023

Article Content Image

ધ્રોલ-લતીપુર રોડ ફરી રક્તરંજીતઃ શોકનું મોજુ

ચારેય મિત્રો રાત્રે ભજન સાંભળીને કારમાં જોડિયા તરફ પરત આવતા હતા ત્યારે ટ્રક ચાલકે હડફેટે લેતાં સર્જાઈ કરૃણાંતિકા

જામનગર :  જામનગર નજીક ધ્રોલ હાઇવે રોડ પર ગોકુળ પર ગામના પાટીયા પાસે ગઈ રાત્રે ગોઝારો અકસ્માત સર્જાયો હતો અને એકી સાથે ત્રણ મિત્રોના અંતરિયાળ મૃત્યુ નિપજતાં ભારે અરેરાટી ફેલાઈ છે. એક કાર અને આઇસર ટ્રક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં કારમાં બેઠેલા ચાર મિત્રો પૈકી ત્રણના અંતરિયાળ મૃત્યુ નિપજ્યા છે, જ્યારે અન્યને એક ગંભીર હાલતમાં સારવાર માટે જામનગર ખસેડાયો છે. ધ્રોલમાં ભજન સાંભળીને પરત જતી વખતે આ અકસ્માત નડયો હતો, જેથી પરિવારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.

આ ગોઝારા અકસ્માતના બનાવની વિગત એવી છે કે જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના પીઠડ ગામનો વતની લાલજીભાઈ દેવદાનભાઈ ગોગરા ઉપરાંત જોડિયા તાલુકાના ટીંબડી ગામનો વતની જયદેવસિંહ ઉર્ફે જદુવીરસિંહ અનિરુદ્ધસિંહ જાડેજા, ઉપરાંત તેજ ગામના યુવરાજસિંહ જગતસિંહ જાડેજા અને વિક્રમસિંહ કિશોરસિંહ જાડેજા કે જે ચારેય મિત્રો ગઈકાલે રાત્રે ધ્રોળ નજીક ભજન સાંભળવા માટે આવ્યા હતા, અને ત્યારબાદ નાસ્તો કરીને પોતાની આઈટેન કારમાં ધ્રોલ થી પીઠડ ગામ તરફ જઈ રહ્યા હતા.

જે દરમિયાન ધ્રોળ-લતીપુર હાઇવે રોડ પર ગોકુળ પર ગામના પાટીયા પાસે સામેથી પુરપાટ વેગે આવી રહેલી આઈશર મીની ટ્રકના ચાલકે કારને ઠોકર મારી કચડી દેતાં ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં લાલજીભાઈ ગોગરા, જયદેવસિંહ જાડેજા, અને યુવરાજસિંહ જાડેજા ત્રણેયના ઘટના સ્થળેજ કરુંણ મૃત્યુ નિપજ્યા હતા. આ ઉપરાંત વિક્રમસિંહ ઈશ્વરસિંહ જાડેજાને ઈજા થઈ હોવાથી ૧૦૮ નંબરની એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં પણ તેઓની હાલત નાજુક ગણાવાઇ હતી. આ અકસ્માતના બનાવની જાણ થતાં મોડી રાત્રે ત્રણેય મૃતકના પરિજનો તથા મિત્ર  વર્તુળ વગેરે ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને પોલીસને જાણ કરી હતી.

 આ બનાવની જાણ થવાથી ધ્રોલ પોલીસ સ્ટેશન નો કાફલો ઘટના સ્થળે તેમજ જામનગરની હોસ્પિટલે દોડી ગયો હતો, ત્રણેય મૃતદેહનો પોલીસે કબજો સંભાળી પોસ્ટમોર્ટમ કરાવ્યા હતા, અને આજે વહેલી સવારે ત્રણેય મૃતદેહો તેમના સ્વજનોને સોંપી દેવાયા હતા. તેઓના ગામમાંથી આજે સવારે અંતિમયાત્રા નીકળી હતી, ત્યારે ભારે ગમગીની છવાઈ હતી. ધ્રોળ પોલીસે આઇસર ના ચાલક સામે ગુનો નોંધ્યો છે. જે પોતાનું વાહન છોડીને ભાગી છૂટયો હોવાથી પોલીસ તેને શોધી રહી છે.

Gujarat