ઠગ ટપાલીનો ભોગ બનેલા વધુ 13 જણાં પોલીસ પાસે આવ્યા
- પોસ્ટ ખાતામાં નોકરી અપાવવાનાં બહાને ઠગાઈ કરતા
- રાજકોટમાં બેથી ત્રણ ગર્લફ્રેન્ડ પણ હતી
આજે ક્રાઈમ બ્રાંચ રિમાન્ડ માંગશે
રાજકોટ, તા. 20 જુલાઈ, 2020 સોમવાર
પોસ્ટ ખાતામાં જુદી-જુદી જગ્યાઓ પર નોકરી અપાવી દેવાનાં બહાને ઠગાઈ કરતા જૂનાગઢનાં દીપક મુંગટભાઈ ભટ્ટની છેતરપીંડીનો ભોગ બનેલા રાજકોટના વધુ ૧૩ જણાંએ આજે ક્રાઈમ બ્રાંચનો સંપર્ક કરતાં તમામનાં નિવેદનો લઈ આ કેસમાં સાક્ષી બનાવાયા છે.
આવા ઠગાઈનાં કિસ્સાઓમાં મોટાભાગના ભોગ બનનારાઓને આરોપીઓ પકડાઈ જાય પછી પણ ગુમાવેલા નાણાં પરત મળતા નથી. આ કિસ્સામાં પણ તેનું પુનરાવર્તન થવાની શક્યતા નકારાતી નથી. જો કે પોલીસ કહી રહી છે કે આરોપી પાસેથી શક્ય તેટલી વધુ રકમ રીકવર કરવાનો પ્રયાસ કરાશે.
મેંદરડાની દાત્રાણા સબ પોસ્ટ ઓફિસમાં ટપાલી દીપક ભટ્ટનો પગાર રૂા.૧૫ હજાર છે. તે છેલ્લા છ વર્ષથી પોસ્ટ ખાતામાં નોકરી અપાવવાના બહાને ઠગાઈ કરતો હતો. તેણે અત્યાર સુધી ૫૦ જણાં પાસેથી ૭૫ લાખ ઉઘરાવ્યાની કબૂલાત આપી છે.
જેમાંથી રાજકોટના વધુ ૧૩ જણાં કે જેમણે ૩૯ લાખ જેવી રકમ ગુમાવી હતી તેમણે આજે ક્રાઈમ બ્રાંચનો સંપર્ક કર્યો હતો. પોલીસે હજુ બીજા ભોગ બનનારાઓને પણ શોધી રહી છે.
આરોપી દીપક ભટ્ટે કાંભાંડની રકમ ઐય્યાશી પાછળ, વિકેન્ડ માટે મોંઘીદાટ હોટલોમાં ઉતરવામાં, ગાડીઓ ભાડે કરવા પાછળ ખર્ચી નાખ્યાનું રટણ કર્યું છે તે અવારનવાર મુંબઈ પણ જતો હતો. તેની રાજકોટમાં પણ બે-ત્રણ ગર્લફ્રેન્ડ હોવાની પોલીસને માહિતી મળતાં તે દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે. ભોગ બનનારાઓને પોસ્ટ ખાતાનો નોકરીનો જે નકલી ઓર્ડર બતાવી શીશામાં ઉતારતો હતો તે જૂનાગઢમાં કોઈ કોમ્પ્યુટરની દુકાનમાં તૈયાર કરાવ્યો હતો તે અને બીજા પુરાવા મેળવવા માટે પોલીસ તેને રિમાન્ડ પર લઈ જૂનાગઢ તપાસમાં જશે