ભાવનગર, તા. 6 જાન્યુઆરી 2020, સોમવાર
ભાવનગર શહેરના રૂવાપરી રોડ પર રહેતો વેપારી પરિવાર ગત રાત્રિના શિવશક્તિ હોલમાં લગ્નપ્રસંગે રિસેપ્શનમાં ગયો હતો તે વેળાએ અજાણ્યા શખસે મીટર બોક્સ પર મુકેલી ચાવી મેળવી તાળા ખોલી મકાનના કબાટમાં રાખેલ સોના-ચાંદીના દાગીના અને રોકડ મળી રૂા.૫.૪૬ લાખના માલમત્તાની ચોરી કરી ફરાર બનતા પોલીસ કાફલો દોડી ગયો હતો.
બનાવની જાણવા મળતી સઘળી વિગતો અનુસાર ભાવનગર શહેરના રૂવાપરી રોડ પર આવેલ ગોસીયા પાર્કના પ્લોટ નં.૧૯માં રહેતા વેપારી રજાકભાઇ ઇસ્માઇલભાઇ સાકરવાલા (ઉ.વ.૫૩)એ ગંગાજળિયા પોલીસ મથકમાં અજાણ્યા શખસ સામે ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે, ગત રાત્રિના ૮ કલાકથી મોડી રાત્રિના ૧ કલાકના અરસા દરમિયાન તેઓ તેમના પરિવાર સાથે ક્રેસન્ટ સર્કલ નજીક આવેલ શિવશક્તિ હોલમાં લગ્નપ્રસંગે રિસેપ્શનમાં ગયા હતા તે વેળાએ તેઓના બંગલાના તાળાની ચાવી ઇલેક્ટ્રીક મીટરના બોર્ડ પર મુકી હતી તે કોઇ શખસે મેળવી બંગલાના તાળા ખોલી ગેરકાયદે પ્રવેશ કરી રૂમમાં રાખેલ કબાટનું તાળુ તોડી તેમાં રાખેલ સોનાની બુટી, કડુ, કડલી, સોનાના દાણા સહિતના દાગીના તેમજ રોકડ રૂા.૩.૩૯ લાખ મળી કુલ ૫,૪૬,૫૦૦ના માલમત્તાની ચોરી કરી ફરાર બન્યો હતો.
મોડી રાત્રે બંગલામાંથી ચોરી થયાની જાણ થતા વેપારીએ ગંગાજળિયા પોલીસને વાકેફ કરતા ઇન્ચાર્જ પી.આઇ. સહિતનો પોલીસ સ્ટાફ ઘટના સ્થળ પર દોડી ગયો હતો અને ફરિયાદ અનુસંધાને અજાણ્યા શખસ સામે આઇપીસી ૪૫૭, ૩૮૦ મુજબ ગુનો દાખલ કરી ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી. ગત મોડી રાત્રિના માત્ર પાંચ કલાકના સમયગાળા દરમિયાન ચોરીનો બનાવ બનતા ભારે ચકચાર છવાઇ જવા પામી હતી. જ્યારે ચોરી પાછળ કોઇ જાણભેદુનો જ હાથ હોવાનું જાણવા મળ્યું હતું.


