લઠ્ઠાકાંડની અસર તળે સારવારમાં રહેલ મહિલાએ અંતિમ શ્વાસ લીધા
- લઠ્ઠાકાંડમાં 45થી વધુ લોકોના મોત પછી પણ મૃત્યુનો સિલસીલો યથાવત
- લઠ્ઠો પિવાના કારણે યુવાનો અને આધેડ મોતને ભેટયા બાદ પ્રથમ મહિલાનું મોત નોંધાયું : ભાવનગરમાં મૃત્યું આંક ૨૦ને આંબ્યો
બોટાદ જિલ્લાના બરવાળા અને અમદાવાદ જિલ્લામાં ઝેરી કેમીકલની ભેળસેળથી સર્જાયેલ લઠ્ઠાકાંડમાં અનેક યુવાનો અને આધેડે પોતાની કિંમતી જિંદગી ગુમાવી હતી. જ્યારે હજુ અનેક સારવાર હેઠળ છે. ત્યારે ગત રાત્રીના ભાવનગર હોસ્પિટલ બિછાને સારવારમાં રહેલ એક મહિલાએ અંતિમ શ્વાસ લેતા ભાવનગર હોસ્પિટલમાં મૃત્યું આંક ૨૦ને આંબ્યો હતો.
બરવાળા પંથકમાં લઠ્ઠાકાંડ સર્જાતા સમગ્ર ગુજરાતમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. કેમીકલ યુક્ત દારૂ પિવાના કારણે બરવાળા, રાણપુર અને ધંધુકા પંથકના અનેક લોકોના મૃત્યુ નિપજવા પામ્યા હતા. જ્યારે લઠ્ઠાકાંડની ગંભીર ઘટનાને લઈ સીટની ટીમની રચના કરવામાં આવી હતી. જ્યારે સ્ટેટ મોનીટેરીંગ સેલના એસપી નિર્લિપ્ત રાયને સુપરવિઝન સોંપવામાં આવ્યું હતુ. લઠ્ઠાકાંડને લઈ ૧૦૦થી વધુ લોકોને ભાવનગર અને અમદાવાદ સારવારમાં ખસેડવામાં આવ્યા હતા.
લઠ્ઠાને લઈ અમદાવાદ, બોટાદ અને ભાવનગર હોસ્પિટલમાં ૪૫ વ્યક્તિએ દમ તોડી દિધા હતા. જ્યારે અનેકને તો બારોબાર દફનવિધી પણ કરી દેવામાં આવી હતી. જેને લઈ મૃત્યાંક વધવા પામ્યો હતો. હાલ આ કેસની તપાસ ચાલી રહી છે. દારૂમાં ભેળસેલ માટે લવાયેલ કેમીકલ અમદાવાદની કંપનીમાંથી લવાયાનું ખુલતા સાથે એમોસ કંપનીના સમીર પટેલ સહીતના ભુગર્ભમાં ઉતરી ગયા છે. અને આગોતરા લેવા હવાતીયા મારી રહ્યા છે. તેની વચ્ચે આજે ભાવનગર હોસ્પિટલ સારવાર હેઠળ રહેલ સીતાબેન ગેવરસીંગભાઈ ગેનસીંગભાઈ ચૌહાણ (ઉ.વ. ૪૫)એ ગત રાત્રીના હોસ્પિટલ બિછાને ઝઝુમીને અંતિમ શ્વાસ લીધા હતા. જેને લઈ ભાવનગર હોસ્પિટલમાં મૃત્યુઆંક ૨૦નો આંબ્યો હતો. મહિલાના મૃત્યુને લઈ હોસ્પિટલ ચોકીએ કેસકાગળ કરી બરવાળા પોલીસને રવાના કર્યા હતા.