Get The App

આજે ભાવનગર લોકસભા બેઠકનુ પરિણામ, કમળ ખીલશે કે ઝાડુ ચાલશે

Updated: Jun 4th, 2024

GS TEAM

Google News
Google News
આજે ભાવનગર લોકસભા બેઠકનુ પરિણામ, કમળ ખીલશે કે ઝાડુ ચાલશે 1 - image


- લોકસભાની ચૂંટણીમાં પરિવર્તન થશે કે પુનરાવર્તન ? આજે ફેંસલો, પરિણામ જાણવા લોકો ઉત્સાહીત 

- ભાવનગર લોકસભા બેઠક પર થયેલ 53.92 ટકા મતદાન કોને ફળશે ? 

ભાવનગર : લોકસભાની સામાન્ય ચૂંટણીના પરિણામની રાજકીય કાર્યકર અને લોકો ઘણા દિવસથી આતૂરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા પરંતુ હવે આવતીકાલે મંગળવારે લોકસભાની ચૂંટણીનુ પરિણામ છે તેથી લોકોની આતૂરતાનો અંત આવશે. ભાવનગર લોકસભા બેઠક પર કોણ જીતશે ? તે જાણવા લોકો ઉત્સાહીત છે. ભાવનગર લોકસભા બેઠક પર પરિવર્તન થશે કે પુનરાવર્તન થશે ? તે આવતીકાલે મંગળવારે પરિણામ આવ્યા બાદ ખબર પડશે. મતગણતરીની તૈયારીને ચૂંટણી વિભાગે આખરીઓપ આપી દીધો છે અને મંગળવાર સવારથી મતગણતરીનો પ્રારંભ થશે. મતગણતરી સાંજ સુધી ચાલશે તેમ જણાય રહ્યુ છે. મતગણતરી દરમિયાન પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવશે. 

ભાવનગર લોકસભાની સામાન્ય ચૂંટણી ગત તા. ૭ મેના રોજ યોજાય હતી અને આવતીકાલ તા. ૪ જૂનને મંગળવારે મતગણતરી હાથ ધરવામાં આવશે. ચૂંટણી પંચે ભારતની લોકસભાની ચૂંટણી સાત તબક્કામાં રાખી હતી પરંતુ મતગણતરી આવતીકાલે મંગળવારે સાથે થશે. આવતીકાલે મંગળવારે સવારે ૭.૩૦ કલાકે સ્ટ્રોંગ રૂમમાંથી ઇવીએમને બહાર લાવવામાં આવશે અને સવારે ૮ કલાકે મતગણતરીનો પ્રારંભ થશે. શહેરના વિદ્યાનગર ખાતે આવેલ સરકારી ઈજનેરી કોલેજ ખાતે મતગણતરીનુ આયોજન કરવામાં આવેલ છે. ભાવનગર લોકસભા બેઠક પર કુલ ૧૩ ઉમેદવાર ચૂંટણી લડયા હતાં. ભાવનગર લોકસભા બેઠક હેઠળ સાત વિધાનસભા આવે છે, જેમાં ભાવનગર પૂર્વ, ભાવનગર પશ્ચિમ, ભાવનગર ગ્રામ્ય, તળાજા, પાલિતાણા, બોટાદ અને ગઢડા વગેરે બેઠકનો સમાવેશ થાય છે. સાતેય વિધાનસભાના જુદા જુદા રૂમ તૈયાર કરવામાં આવ્યા છે અને તેમાં ૧૪ ટેબલ પર રાઉન્ડ મુજબ મતગણતરી થશે. સાત વિધાનસભામાં ૧૮ થી ર૩ રાઉન્ડ ગણવામાં આવશે. મતગણતરી દરમિયાન કોઈ અનીચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ વિભાગ દ્વારા ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવેલ છે અને મતગણતરી સેન્ટરમાં ચૂંટણી વિભાગના પાસ હશે તેને જ પ્રવેશ મળશે. 

સવારે 8 કલાકે મતગણતરીનો પ્રારંભ : મતગણતરી સાંજ સુધી ચાલશે : મતગણતરી સેન્ટરે ચુસ્ત પોલીસ બંદોબસ્ત 

ભાવનગર લોકસભાની બેઠક પર 53.92 ટકા મતદાન નોંધાયુ હતુ અને કુલ ૧૦,૩૩,૬ર૯ મતદારોએ મતદાન કર્યુ હતુ, જયારે પોસ્ટલ બેલેટના આશરે ૧પ હજારથી વધુ મતનો હજુ સમાવેશ થશે. ઈવીએમના મતની ગણતરી કરાશે અને કેટલાક વીવીપેટની ગણતરી હાથ ધરવામાં આવશે. આ મતદાન કોને ફળે છે અને કોને નડે છે ? તેની રાહ જોવી જ રહી. ભાવનગર લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર નિમુબેન બાંભણીયા અને ઈન્ડીયા ગઠબંધનમાંથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર ઉમેશ મકવાણા વચ્ચે જંગ છે ત્યારે ભાવનગર લોકસભા બેઠક પર ફરી કમળ ખીલશે કે પછી ઝાડુ ચાલશે ?, લોકસભાની ચૂંટણીમાં પરિવર્તન થશે કે પુનરાવર્તન ? તેની ચર્ચા લોકોમાં જામી છે. ભાજપ અને આપ બંને પક્ષ હાલ જીતના દાવા કરે છે ત્યારે મતદારો કોને જીતાડશે અને કોને હરાવશે ? તે પણ મોટો પ્રશ્ન છે. ભાવનગર લોકસભા બેઠક પર શુ પરિણામ આવશે ? તે જાણવા લોકો ઉત્સુક છે. કોઈ ઉમેદવારને મતગણતરી દરમિયાન મોટી લીડ મળશે તો તેની જીત નિશ્ચીત થઈ જશે અને બપોરના સમયે હાર-જીતનો ખ્યાલ આવી જશે પરંતુ મતગણતરી દરમિયાન રસાકસી હશે તો અંત સુધી કોણ જીતે છે ? તે ખબર નહી પડે તેમ જણાય રહ્યુ છે. સાંજ સુધીમાં સત્તાવાર પરિણામ જાહેર થઈ જશે ત્યારે કોણ વિજેતા બને છે ? તે જોવુ જ રહ્યું.  

17,641 કર્મચારી સહિતનાએ બેલેટ પેપરથી મતદાન કર્યુ 

ભાવનગર લોકસભા બેઠક પર ૧૭,૬૪૧ કર્મચારી, ૮૦ વર્ષથી વધુ વયના વૃધ્ધ, દિવ્યાંગ, ઈમરજન્સી વિભાગના કર્મચારી, સર્વીસ વોટર, કેદી વગેરેએ બેલેટ પેપરથી મતદાન કર્યુ હતું. આવતીકાલે મંગળવારે સવારે ૮ કલાક સુધી પોસ્ટલ બેલેટ પેપર સ્વિકારવામાં આવશે તેથી પોસ્ટલ બેલેટનો આંકડો હજુ થોડો વધવાની શકયતા છે. બેલેટ પેપરની ગણતરી માટે અલગ ત્રણ રૂમ બનાવવામાં આવ્યા છે અને ઇવીએમની સાથે જ સવારે ૮ કલાકે બેલેટ પેપરથી ગણતરી પણ શરૂ થઈ જશે. આ ચૂંટણીમાં પણ બેલેટ પેપરના મતદાનના કારણે મતદાનની ટકાવારી હજુ વધશે. 

ચૂંટણી પરિણામના પગલે સરકારી કચેરીમાં સન્નાટો રહેશે 

ભાવનગર લોકસભા બેઠક પર આવતીકાલે મંગળવારે મતગણતરી હાથ ધરવામાં આવશે. ચૂંટણીની મતગણતરીમાં સરકારી કર્મચારીઓને ફરજ સોંપવામાં આવી છે તેથી મોટાભાગના કર્મચારીઓ મતગણતરી સેન્ટર કામગીરીમાં વ્યસ્ત રહેશે, જેના પગલે મહાપાલિકા, જિલ્લા કલેકટર કચેરી, બહુમાળી ભવન સહિતની સરકારી કચેરીમાં સન્નાટો જોવા મળશે. પોલીસ કર્મચારીઓ પણ બંદોબસ્તમાં હોવાથી પોલીસ મથકમાં પણ ખાસ કર્મચારીઓ જોવા મળશે નહી. મતગણતરીમાં કર્મચારીઓ કામગીરીમાં હોવાથી અરજદારોના કામ અટકશે તેમ જણાય રહ્યુ છે. સરકારી કચેરી શરૂ રહેશે પરંતુ કચેરીમાં સન્નાટો જોવા મળશે. 

મતગણતરી સેન્ટરમાં મોબાઈલ લઈ જવા પર પ્રતિબંધ 

શહેરના વિદ્યાનગર ખાતે આવેલ સરકારી ઈજનેરી કોલેજ ખાતે આવતીકાલે મંગળવારે લોકસભાની ચૂંટણીની મતગણતરી થશે. મતગણતરી સેન્ટરમાં મોબાઈલ લઈ જવા પર ચૂંટણી વિભાગે પ્રતિબંધ ફરમાવેલ છે તેથી રાજકીય પક્ષના કાર્યકર, સરકારી કર્મચારીઓ વગેરે મોબાઈલ લઈ જઈ શકશે. આ માટે પોલીસ કર્મચારી દ્વારા કડક ચેકીંગ હાથ ધરવામાં આવશે. 

ભાજપના ઉમેદવાર જીતશે તો વિજય સરઘસ નહીં નિકળે 

ભાવનગર લોકસભા બેઠકની આવતીકાલે મંગળવારે મતગણતરી છે. આ મતગણતરી સાંજ સુધી ચાલશે. ચૂંટણીમાં પરિણામ બાદ વિજય સરઘસ કાઢવામાં આવતુ હોય છે પરંતુ રાજકોટના ગેમ ઝોનમાં અગ્નિકાંડની ઘટનાના પગલે ભાજપે વિજય સરઘસ નહીં કાઢવા નક્કી કરેલ છે, જેના પગલે જો ભાવનગર લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર જીતશે તો વિજય સરઘસ કાઢવામાં નહીં આવે તેમ જાણવા મળેલ છે.

Tags :