સોશ્યલ મીડિયામાં ટિપ્પણી કરવી પોલીસ અધિકારીને અઘરી પડી
ભાવનગર, તા. 08 ફેબ્રુઆરી 2020, શનિવાર
થાણા અધિકારી તરીકે પો.સ્ટે. વિસ્તારમાં દારૂ બંધીની કડક અમલવારીની જવાબદારી ફરજ હોવા છતાં વરતેજ પોલીસ મથકના પી.એસ.આઈ.ને સોશ્યલ મિડિયામાં અણછાજતી ટીપ્પણી કરતા શિસ્ત ભંગ સબબ રેન્જ ડી.આઈ.જી.એ. ફરજ મોકુફીનો આદેશ કર્યો છે. અને તેઓ સામે કાયદેસર કાર્યવાહી કરવા આદેશ આપ્યો છે. પી.એસ.આઈ. સામે સસ્પેશનનું પગલુ લેવાતા પોલીસ બેડામાં ભારે ચકચાર છવાઈ જવા પામી હતી.
પોલીસ મહાનિર્દેશક અને રાજ્યના મુખ્ય પોલીસ અધિકારીના આદેશ અનુસાર પ્રોહિબીશન જુગાર ધારાની જીરો ટોલરેન્સ નીતિ અંગે સુચના હોવા છતાં પ્રથમ દ્રષ્ટિએ ગુજરાત નશાબંધી ધારા ૧૯૪૯નો સ્પષ્ટ ઉલ્લેખ કરેલ છે. ત્યારે ભાવનગર પોલીસ બેડાના વરતેજ પોલીસ મથકના ચાર્જમાં રહેલ પી.એસ.આઈ. ચુડાસમાએ થાણા અધિકારી તરીકે પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂ બંધીની કડક અમલવારી કરાવવાની તેઓની જવાબદારી અને ફરજ હોવા છતાં એક પોલીસ અધિકારી તરીકે ન શોભે તેવી સોશ્યલ મિડીયામાં અશોભનીય, અણછાજતી બિનજરૂરી ટીપ્પણી કરી સમગ્ર પોલીસ વિભાગને નીતીમત્તાને ઠેસ પહોંચાડી તેમજ ગુજરાત સરકારની અગત્યની નીતિનો અમલ કરવા - કરાવવાના બદલે સરેઆમ શિસ્તભંગ કરેલ, પોલીસ ખાતાને બદનામ કરવાનું કૃત્ય કરેલ.
જેને લઈ પી.એસ.આઈ. ચુડાસમાને પોતાની ફરજમાં ગંભીર પ્રકારની બેદરકારી અને નિષ્કાળજી દાખવવા સબબ ભાવનગર રેન્જ ડી.આઈ.જી. અશોકકુમાર યાદવે તેને ફરજ મોકુફ કરી તેમની વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હોવાનું રેન્જ કચેરીથી જાણવા મળ્યું હતું. વરતેજ પો.સ્ટે.ના પી.એસ.આઈ. સામે શિસ્તભંગ સબબ પગલુ ભરાતા પોલીસ બેડામાં ભારે ચકચાર છવાઈ જવા પામી છે.