જેતપુરમાં ભાદર નદીનો જૂનો પુલ કાંઠા વિસ્તાર માટે ખતરારૂપ
- નવો પુલ બન્યો છતાં જૂનો પુલ તોડાતો નથી
- નદીના વહેણ અવરોધાતા હોઈ પુરના પાણી કાંઠા વિસ્તારમાં ઘુસી જવાની વકી
જર્જરીત પુલથી જાનહાનિનો ભય
જેતપુર, તા. 20 જુલાઈ, 2020, સોમવાર
જેતપુર શહેરના સામાંકાંઠા વિસ્તારમાં અવરજવર માટેનો બેઠી ઢાબીનો પુલ દર વર્ષે ચોમાસા દરમિયાન ભાદર નદીના પાણીમાં ગરક થઈ જતો હોવાથી પ્રશાસને ૧૮ કરોડના ખર્ચે નવો પુલ તો બનાવ્યો પરંતુ જૂનો પુલ યથાવત જ રાખતા નદીનું પાણી આજુબાજુના વિસ્તારોમાં ઘુસી જવાની દહેશત સેવાઈ રહી છે.
શહેરના સામાંકાંઠા વિસ્તારમાં અવજરવર માટે ભાદર નદી પર બેઠી ઢાબીનો પુલ હતો તેને કારણે દર વર્ષે ચોમાસામાં થોડો ઘણો વરસાદ પડે એટલે પુલ નદીના પાણીમાં ગરક થઈ જતો હોવાથી સામાંકાંઠા વિસ્તારથી શહેરમાં અવરજવર માટે ત્રણ કિમી ફરીને જવું પડતું જેથી નવો પુલ બનાવવાની માંગ ઉઠતા પ્રશાસન દ્વારા નવા પુલની ડિઝાઈન બનાવી જેમાં નદીના કાંઠા વિસ્તારમાં વર્ષોથી ગેરકાયદેસર રીતે ઘર બાંધીને લોકોના ઘર ખાલી કરાવ્યા હતાં.
હવે નવો પુલ બની ગયો પરંતુ નદીમાં બેઠી ઢાબીનો જૂનો પુલ પ્રશાસને ડીમોલેશન ન કરી યથાવત રાખતા તે નદી કાંઠા વિસ્તાર માટે ખતરારૂપ બની ગયો છે. કેમ નવા પુલના બાંધકામ દરમિયાન જૂનો પુલના મોટા ભાગના નાલા બંધ થઈ ગયા હોવાથી નદીમાં વરસાદી પાણીનો ત્યાં ભરાવો થઈ જશે અને આજુબાજુના વિસ્તારોમાં ઘુસી જાય તેવી દહેશત સેવાઈ રહી છે. જેથી નદીમાં પાણી આવવાથી કોઈ જાનહાની થાય તે પહેલાં જૂનો પુલને નદીમાંથી હટાવી લેવાની માંગ ઉઠી છે.