શહેરના સાંઢીયાવાડ સહિતના વિસ્તારમાં મહાપાલિકાએ 80 થી વધુ દબાણ હટાવ્યા

Updated: Jan 23rd, 2023


- મહાપાલિકાએ કડક કાર્યવાહી કરતા દબાણકર્તાઓમાં ગભરાટ 

- 30 કેબીન, 45 ઓટલા, 7 શેડ દુર કરાયા : લારી સહિતનો કેટલોક સામાન જપ્ત કરાયો : રજકા ડ્રાઈવ યથાવત, 60 પુળા કબજે કરાયા 

ભાવનગર : મહાપાલિકા દ્વારા ગેરકાયદે લારી-ગલ્લા સહિતના દબાણ હટાવવાની કામગીરી યથાવત છે, જેના ભાગરૂપે આજે સોમવારે શહેરના સાંઢીયાવાડ સહિતના વિસ્તારમાંથી મનપાની ટીમે ૮૦થી વધુ ગેરકાયદે દબાણ દુર કર્યા હતા અને કેટલોક સામાન જપ્ત કર્યો હતો. ઓટલા અને શોડ તોડી પાડવામાં આવ્યા હતા તેથી દબાણકર્તાઓમાં ગભરાટ ફેલાયો હતો. આ ઉપરાંત શહેરમાં રજકા ડ્રાઈવ કરી રજકો જપ્ત કરવામાં આવ્યો હતો. 

ભાવનગર મહાપાલિકાના એસ્ટેટ વિભાગની સુચનાથી દબાણ હટાવ સેલની ટીમ દ્વારા આજે સોમવારે સવારે શહેરના સાંઢીયાવાડ બાર્ટન લાઈબ્રેરી ચોકથી જોગીવાડની ટાંકી અને સંચિત નિવાસ રૂવાપરી રોડ પરના ૩૦ કેબિનો, ૪૫ જેટલા ઓટલાઓ, ૦૭ જેટલા શેડ દુર કર્યા હતાં. અન્ય સામાન જપ્ત કરી દબાણ હટાવ કામગીરી કરવામાં આવી હતી. આ વિસ્તારમાં લાંબા સમયથી ગેરકાયદે દબાણ હતા પરંતુ કોઈ પગલા લેવામાં આવતા ના હતા તેથી દબાણકર્તાઓ બિન્દાસ હતા પરંતુ આજે મનપાએ કડક કાર્યવાહી કરતા દબાણકર્તાઓમાં દોડધામ મચી જવા પામી હતી. ફરી દબાણ નહી કરવા પણ મનપાએ સુચના આપી હતી.  

રજકા ડ્રાઈવના રાઉન્ડ દરમિયાન કુલ ૧૫ રજકાના પોઈન્ટ કવર કરી સઘન શોધખોળ હાથ ધરવામાં આવેલ અને વિવિધ પોઈન્ટની આજુબાજુમાં છુપાવીને રાખવામાં આવેલ રજકાને શોધી જપ્ત કરવામાં આવ્યા હતા, જે અન્વયે ૬૦ જેટલા રજકાના પૂળા જપ્ત કર્યા હતાં. આ પ્રકારેજ દૈનિક ધોરણે ભાવનગર મહાનગરપાલિકાની ટીમો દ્વારા શહેરના તમામ રજકાના પોઈન્ટને વહેલી સવારથી જ શરૂ કરી સમગ્ર દિવસ દરમ્યાન સઘન રીતે તપાસ કરવામાં આવશે અને જે કોઈ આસામી દ્વારા તેનું વેચાણ કરવાનું ધ્યાનમાં આવશે તેનું જાહેરનામાના ભંગ બદલ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. આ કામગીરી દરમિયાન કમિશનર સહિતનો સ્ટાફ હાજર રહ્યો હતો.  

    Sports

    RECENT NEWS