મહારાજાએ ૫૫ દિવસમાં ટાઉન હોલ બનાવ્યો, અત્યારે એસ્ટીમેટના વાંધા !
ભાવનગર, તા. 13 ડિસેમ્બર 2019, શુક્રવાર
ભાવનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં સભ્યોએ વિવિધ મુદ્દે અધિકારીઓનો ઉધડો લીધો હતો. જેમાં ખાસ કરીને ટાઉનહોલના રિનોવેશન કામના મામલે મહાપાલિકાની ચાલતી મંથરગતિ કામગીરી મામલે સભ્યોની સાથે ચેરમેને પણ મ્યુનિ. અધિકારીઓના કાન આમળ્યાં હતા.
શહેરમાં ૪,૯૭ કરોડના વિકાસ કામોની સાથે અન્ય ઠરાવોને મંજૂરીની મહોર મારવા માટે આજે શુક્રવારે સવારે મનપાની સ્ટેન્ડીંગ કમિટીની બેઠક ચેરમેનના અધ્યક્ષ સ્થાને મળી હતી. સ્ટેન્ડીંગની બેઠકમાં સભ્યોએ ટાઉન હોલના મુદ્દો ઉઠાવ્યો હતો. ટાઉન હોલનું રિનોવેશન કામ કરાવવાનું છે. ત્યારે હજુ સુધી આ કામનું એસ્ટીમેન્ટ પણ તૈયાર થયું ન હોય, મ્યુનિ.ની ઢીલી નીતિ ઉપર સભ્યોએ સવાલ ઉઠાવી કહ્યું હતું કે, ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ ટાઉન હોલને માત્ર 55 દિવસમાં તૈયાર કરાવ્યો હતો. જ્યારે આટલા દિવસમાં હજુ કામનું એસ્ટીમેટ પણ કઢાયું નથી! આ મુદ્દે સ્ટે. ચેરમેને સભ્યોનો સાથ પૂરાવી કહ્યું હતું કે, કોર્પોરેશનાં ૫૫ દિવસે ચેમ્બરોના કાર્પણ પૂરા થતા નથી. ટાઉન હોલમાં રાજાશાહી વખતના કિંમતી ઝુમ્મર હાલ હાજર ન હોય, તે સવાલ પણ બેઠકમાં ઉઠતા સિટી એન્જીનિયરે આ કિંમતી ઝુમ્મર સલામત રાખવામાં આવ્યા છે અને કામ પૂર્ણ થયા બાદ ટાઉન હોલમાં ઝુમ્મરને ફરી ફીટ કરવામાં આવશે તેવી હૈયાધારણાં આપી હતી. આ ઉપરાંત ગંગાજળિયા તળાવનું કામ ઠપ ગયાનો મામલો સ્ટેન્ડીંગમાં ચગ્યો હતો. જેમાં અધિકારીઓએ ગોળ ગોળ જવાબ આપી વાતને ટાળી હતી.
એક સભ્યએ આખી શહેરમાં ડામર રોડની જગ્યાએ આરસીસી રોડ બનાવવાની વાત કરી હતી. તો સફાઈ, ડ્રેનેજ સહિતના મુદ્દાઓ પર સભ્યોએ ઉઠાવેલા પ્રશ્નોના ખાતાકિય અધિકારીઓએ જવાબ આપ્યા હતા. 18 તુમારમાં ચર્ચાના અંતે સ્ટેન્ડીંગની બેઠકમાં 17 તુમારને મંજૂરીની મહોર મરાઈ હતી. જ્યારે શહેરની નવી હદ મુજબ નવી સુચિત ટી.પી. સ્કીમ નં. 18(સિદસર)માં ઉમેરવાના થતા સર્વે નંબરોને અગાઉના લિસ્ટમાં ઉમેરો કરી થનાર સુચિત અંદાજીત ખર્ચ મગાવી એજન્સી પાસે કરાવવાના કામનો ઠરાવ પેન્ડીંગ મુકવામાં આવ્યો હતો. જ્યારે દાણાપીઠ વિસ્તારમાં સ્ટ્રોમ લાઈન નાંખવાના કામને લઈ પણ સભ્યોએ એવી રજૂઆત કરી હતી કે, લાખો રૂપિયા ખર્ચ કર્યા બાદ પણ પાણી ભરાવાની સમસ્યા કાયમી રહેતી હોય, આ સમસ્યા કાયમી હલ થાય તે રીતે કામ કરાવવા માગણી કરી હતી. બેઠકના અંતે અધ્યક્ષ સ્થાનેથી વધુ ત્રણ ઠરાવ મુકાયા હતા. જેને પણ મંજૂર કરવામાં આવ્યા હતા.
રોડના કામના ખાતમુહૂર્તને બે વર્ષ, કામના ઠેકાણા નહીં
સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં સિદસર રોડનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. સિદસર રોડના કામના ખાતમુહૂર્તને બે વર્ષ જેવો સમય થઈ ગયો હોવા છતાં કામના કોઈ ઠેકાણા ન હોવાનો કાળો કકળાટ ખૂદ સ્ટેન્ડીંગ સભ્યએ કર્યો હતો. સ્ટેન્ડીંગની બેઠક હોય કે સામાન્ય સભા હોય, શહેરના વિકાસ કામો પ્રત્યેની ઉદાસીનતા અને ઠામ-ઠેકાણા વિનાના કામનો મુદ્દો ચગે છે. પરંતુ છેલ્લા તો તેરી ભી ચુપ, મેરી ભી ચુપ.. જ થઈ જાય છે. તેના બદલે જે પ્રશ્ન શહેર અને શહેરીજનોના હીતમાં હોય તેને શાસક હોય કે વિપક્ષ બન્નેએ સાથે મળી પરિણામ ન મળે ત્યાં સુધી તેની પાછળ રહેવું જોઈએ, તો જ માત્ર ફોટા પડાવવા ખાતમુહૂર્તના દેખાડા બંધ થઈ સમયસર કામગીરી પૂર્ણ થશે અને શહેરનું ભલું થશે.