હાલારી બોગસ બીલીંગ કૌભાંડની તપાસ તળાજા પંથક સુધી લંબાવાઇ
- કરોડોની ખોટી વેરાશાખનો પર્દાફાશ
- તળાજાના લોકોના નામે ફાઇલો બની હતી : સીજીએસટીની તપાસનો ધમધમાટ, વેપારીઓએ નેટવર્ક તેજ બનાવ્યું
કેટલાક ભ્રષ્ટ કર્મીઓના પાપે ફાટયા ફરતા હાલારી બંધુઓએ તપાસ અર્થે આવેલ સીજીએસટીના અધિકારીઓ અને કર્મીઓ ઉપર કરેલા હુમલા બાદ આજ સુધી મુખ્ય સૂત્રધારોને પકડવા માટે લાખ કોશિશ છતાંય પોલીસ કે જીએસટીની ટીમ પકડી શકી નથી. બીજી તરફ હાલારી બંધુઓ સાથે જે જે લોકોએ બોગસ બિલનો વ્યવહાર કરેલ હતો તેવા લોકોને શોધી શોધીને કડક કાર્યવાહી હાથ ધરી છે જેના ભાગરૂપે તળાજામા પણ તપાસનો ધમધમાટ શરૂ થયો છે. બોગસ બીલીંગના મામલે તળાજાના ગ્રામ્ય પંથકના અમુક નામે ફાઈલ બનાવવામાં આવી હોવાનું માનવામાં આવે છે. કારણકે તળાજા શહેર અને ગામડાના લોકો બોગસ બિલિંગ કાર્યવાહીમા જોડાયા છે. બીજી તરફ વેપારીઓએ પણ નેટવર્ક તેજ બનાવ્યું છે. વેપારીઓએ વ્હોટ્સએપ ગુ્રપ બનાવ્યું છે. એ ગુ્રપમા જેમ તળાજાના ખનન માફીયાઓ ભૂસ્તર વિભાગના ઘર ઓફિસ સામે જ લોકેશન રાખીને બેઠા રહેતા તેમ જીએસટી વિભાગના કર્મીઓ પર વોચ રાખીને બેઠા છે. ક્યાં વેપારીઓને ત્યાં તપાસ ચાલે છે. કઈ કઈ ગાડીઓમાં છે. તેવી તમામ બાબતો પર નજર રાખવામાં આવી રહી છે. ઉલ્લેનીય છેકે બોગસ બિલિંગ કરતા નામાંકીત ચહેરાઓ તળાજા પંથકના છે. તળાજા સાથે તાર જોડાયેલા હોય આથી અહીથી અનેકના નામે બોગસ ફાઈલ બનાવવામા આવી છે. સૂત્રોએ કહ્યું હતું કે તેમાં જેના નામે ફાઈલ બની હોય તેની સહી જોઈતી હોય છે. તે સહી માટે સમયાંતરે રૂપિયા આપવામાં આવતા હોય છે. આમ સીજીએસટી દ્વારા તપાસનો દોર હજુ શરૂ રાખ્યો છે.
કુંભારવાડાના સરનામે સર્ચ દરમ્યાન માત્ર ખુલ્લી જગ્યા મળી
ભાવનગરના હાલારી બંધુઓ અને તેના સાગ્રીતોએ સીજીએસટીના અધિકારીઓ અને કર્મીઓ ઉપર કરેલા હુમલાને લઈ આત્મ ર્શ્લાઘા થઈ હોય તે તેમ તપાસનો દૌર તેજ અને કડક બનાવ્યો છે. તેમાં નામ ન આપવાની શરતે એક વ્યક્તિએ કહ્યું હતું કે ભાવનગરના કુંભારવાડામાં એક ખુલ્લી જગ્યા છે. એ જગ્યા પર મારુતિ કંપનીના નામે કરોડો રૂપિયાનો બિઝનેસ દેખાડવા આવ્યો છે. જીએસટીની ટીમ સ્થળ પર ગઈ ત્યારે અહી માત્ર ખુલ્લો પ્લોટ જોવા મળ્યો હતો.
બોગસ બીલીંગની તપાસમાં તમામ વેપારીઓને શોષાવુ પડે છે
સીજીએસટી ટીમ પર કરેલ હુમલાના પગલે નોટિસો આપવા સહિત તપાસ તેજ અને કડક બનાવવામા આવી છે. સૂત્રોનું માનીએ તો હાલારી બંધુઓ સામે વધુ કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તેની સામે વેપારીઓમા એવો પણ રોષ છે કે હાલારી બંધુઓના કારણે તમામ વેપારીઓને સહન કરવાનો વારો આવ્યો છે. જેઓ નિયમિત ટેક્સ ભરપાઇ કરે છે પરંતુ જે તે પેઢી પાસેથી લીધેલ બીલો બોગસ હોવાનું ધ્યાન બહાર રહેતા વગર વાંકે ભોગવવાનો વારો આવે છે.
ભંગારનો ધંધો કરતા કેટલાક વેપારીઓએ બીલીંગમાં કાળા હાથ કર્યાં છે
ભંગારનો ધંધો કરતા વેપારીઓ જેને ક્યારેક બોગસ બિલિંગની જરૂરી પડી હોય તેવા લોકો પણ જીએસટીની રડારમા આવ્યા છે. આવા લોકોની આખિય કુંડળી મેળવી લીધા બાદ નોટિસ ફટકારી નિવેદનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી હતી જેમાં એવી સબંધિત વેપારીઓમા ચર્ચા છેકે કેટલાકે હાલારી બંધુઓ પાસેથી બિલ લીધા હોવાનુ કબૂલ્યું છે.