CCTVનાં આધારે રીઢો ચોર ઝડપાયો, પાંચ ચોરી કબૂલી
- 3.23 લાખનો મુદ્દામાલ કબજે કરાયો
- ધોળે દિવસે બંધ ફલેટમાં ચોરી કરતો, કોઈ પૂછપરછ કરે તો મિસ્ત્રીકામનું બહાનું બતાવતો
રાજકોટ, તા. ૧૩ જુલાઈ, ૨૦૨૦, સોમવાર
શહેરમાં ધોળા દિવસે ફકલેટમાં ચોરી કરતા રીઢા તસ્કર પ્રદીપ કાળુભાઈ પઢીયાર (ઉ.વ.૨૧, રહે. ગુલાબનગર મફતીયાપરા, કોઠારીયા રોડ)ને બી-ડિવિઝન પોલીસે ઝડપી લેતાં પાંચેક ચોરીનાં ભેદ ખુલ્યા છે. આ કેસ પણ સીસીટીવી કેમેરાનાં કારણે જ ઉકેલાયો હતો અન્યથા ચોરીનાં ભેદ પોલીસ ઝડપથી ઉકેલી શકતી નથી.
મોરબી રોડ પરની નરસિંહ મહેતા ટાઉનશીપમાં ત્રણેક દિવસ પહેલાં સાંજે એકંદરે ૨૩ હજારની મતાની ચોરી થઈ હતી. બી-ડિવિઝનનાં પીઆઈ એમ. બી. ઓસુરા, પીએસઆઈ ડામોર અને એએસઆઈ વિરમભાઈ ધગલે ટાઉનશીપનાં સીસીટીવી ચેક કરતાં તેમાં ચોરનો બહુ ક્લીયર ન હોય તેવો ફોટો દેખાતો હતો.
આસપાસનાં સીસીટીવી ફૂટેજ મેળવતાં જ તેમાં ક્લીયર ફોટો આવ્યો હતો. જેના આધારે પોલીસે પોકેટ એપ ચેક કરતા જાણવા મળ્યું કે આ તો રીઢો તસ્કર પ્રદીપ છે. તત્કાળ તેનાં ઘરે જઈ ડેલી ઠેકી તેને ઝડપી લઈ ગુનામાં વપરાયેલું બાઈક ઉપરાંત ચોરીની માલમતાં મળી કુલ ૩.૨૩ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
પૂછપરછમાં પ્રદીપે નરસિંહ મહેતા ટાઉનશીપની ઉપરાંત મનહરપરા-૮માં જલજીત એપાર્ટમેન્ટનાં પાંચમા માળે ફલેટમાંથી, રેલનગરની લોકમાન્ય ટાઉનશીપમાંથી, કોઠારીયા સોલવન્ટ પાસે બે પરપ્રાંતીયોની ઓરડીમાંથી ૧૨ હજારની ચોરી કબૂલી હતી. તે અગાઉ પણ રાજકોટ, ગોંડલ, જસદણ સહિત ઘરફોડ, ચોરીના નવેક ગુનામાં પકડાયેલો છે.
ઘણી વખત જેલની હવા ખાધી છે, પરંતુ છૂટયા બાદ ફરીથી ચોરી કરે છે. તે મુખ્યત્વે બાઈક લઈ ધોળાદિવસે બંધ ફલેટમાં ચોરી કરતો હતો. જો આસપાસનાં કોઈ ફલેટધારક જોઈ જાય તો મિસ્ત્રીકામ કરવા આવ્યાનું બહાનું બતાવી દેતો હતો.
સામાન્ય રીતે પોલીસ ચોરને પકડી લે છે, પરંતુ તેની પાસેથી મુદ્દામાલ રીકવર કરી શકતી નથી. આ કેસમાં ઓરિજીનલ મુદ્દામાલ કબજે થયાનું પોલીસનું કહેવું છે.