Get The App

જિલ્લા રોજગાર કચેરી વિનામૂલ્યે આર્મી લેખિત પરીક્ષા માટે તાલીમ આપશે

- જો લશ્કરમાં જોડાવું હોય તો પાસ થવા સરકાર તાલીમ આપશે

- તાજેતરમાં જામનગર ભરતી રેલીમાં શારીરિક ક્ષમતામાં પાસ થયેલ 300 ઉમેદવાર માટે વિશેષ આયોજન કરાયું

Updated: Nov 24th, 2019

GS TEAM

Google News
Google News
જિલ્લા રોજગાર કચેરી વિનામૂલ્યે આર્મી લેખિત પરીક્ષા માટે તાલીમ આપશે 1 - image


ભાવનગર, તા.૨૩નવેમ્બર 2019, શનિવાર

વતનના રખવાળા બનવા યુવાનોમાં જોમ જોશ અને હિંમત તો છે જ પણ તેને યોગ્ય દિશા મળે તો દશા આપોઆપ બદલાઇ શકે છે. ગત વર્ષ-૨૦૧૮ની આર્મી ભરતીમાં ભાવનગરના ૨૦૪ ઉમેદવારોની પસંદગી થવા પામી હતી અને આ બહોળા પ્રતિસાદને લઇ જામનગરની ભરતી રેલીમાં શારીરિક કસોટીમાં પાસ થયેલ ભાવનગરના ઉમેદવારોને લક્ષ્યમાં રાખી રોજગાર કચેરી દ્વારા લેખિત પરીક્ષા માટે વિનામૂલ્યે તાલીમ વર્ગનું વિશેષ આયોજન સ્થાનિક કક્ષાએ કર્યું છે.

દેશની રક્ષા કાજે દર વર્ષે વિવિધ સ્થળો પર આર્મી ભરતી રેલીના આયોજનો હાથ ધરાય છે અને યુવાનોમાં પણ આ ક્ષેત્રે કારકિર્દી બનાવવા ધસારો રહ્યો છે ત્યારે રોજગાર કચેરી દ્વારા આવા ઉમેદવારોને પ્રોત્સાહિત કરવા અને સફળતામાં મદદરૂપ થવા વિશેષ તાલીમ વર્ગો શરૂ કરાય છે. ગત વર્ષ ૨૦૧૮માં રાજકોટ ખાતે યોજાયેલ ભરતી રેલીમાં પણ આવા તાલીમ વર્ગો શરૂ કરાયા હતા અને ૨૦૪ જેટલા ભાવનગરના ઉમેદવારોને લેખિત પરીક્ષામાં સફળતા સાપડી હતી.

ભારતીય સેના દ્વારા જામનગર ખાતે ગઇ તા.૩-૧૧ થી ૧૩-૧૧ દરમિયાન યોજાયેલ લશ્કરી ભરતી રેલીમાં શારીરિક ક્ષમતા કસોટી યોજાઇ હતી જેમાં ભાવનગરના અંદાજીત ૩૦૦ જેટલા યુવાનો ઉતિર્ણ થવા પામ્યા હતાં અને એડમિટ કાર્ડ મેળવ્યા હતાં જેઓની લેખિત પરીક્ષા આગામી દિવસોમાં યોજાનાર હોય ઉમેદવારો માટે લેખિત પરીક્ષા અનુસંધાને વિનામૂલ્યે બિનનિવાસી ૧૫ દિવસનો તાલીમ વર્ગ ફક્ત ભાવનગર જિલ્લાના ઉમેદવારો માટે આયોજન કરાયું છે જેના રજિસ્ટ્રેશન માટે મદદનીશ નિયામક રોજગાર કચેરી, એનેક્ષી બિલ્ડીંગ, બહુમાળી ભવન ખાતે અરજી પત્રકો મેળવી એડમીટ કાર્ડ નકલ, એમ્પ્લોઇમેન્ટ કાર્ડ નકલ, આધારકાર્ડ તેમજ પાસપોર્ટ ફોટા સાથે રજૂ કર્યેથી આ વિશેષ તાલીમ વર્ગમાં સ્થાન મળશે. એક તબક્કે સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે હાલ ઠેર-ઠેર તૈયારી માટે મોંઘા ભાવના ક્લાસીસ શરૂ થયા છે ત્યારે આ આર્મીની લેખિત પરીક્ષા માટે રોજગાર કચેરીની વિશેષ તાલીમ વર્ગનું આયોજન ઉમેદવારો માટે આશીર્વાદરૂપ બની રહેશે એ ખાસ વિનામૂલ્યે.

Tags :