પ્રા.શાળામાં નાના બાળકોના દફતરનું વજન ઘટાડવા નિયામકે ફરી આદેશ કર્યા
ભાવનગર, તા. 14 ઓક્ટોબર 2019, સોમવાર
શિક્ષણનું સ્તર સુધારવા અને નાના કુમળા બાળકોના સ્વાસ્થ્ય માટે દફતરનો ભાર હળવો કરવા અગાઉ થયેલ રજૂઆતો બાદ પરીપત્ર પણ કરાયો હતો. જેનો અમલ હજુ ઘણી શાળામાં નહી થતા નિયામક દ્વારા પૂનઃ આદેશ કરાયો હોવાનું જણાયું છે. સ્વાભાવિક રીતે જ નાના બાળકોની કરોડ રજ્જુ કુમળી હોય છે અને ત્યાંથી જ શાળાએ દફતરનું તોતીંગ વજન સહન કરીને કાયમ જવાના કારણે તેની માઠી અસર જીંદગીભર ભોગવવી પડે તેવી સ્થિતિનું પણ નિર્માણ કરી શકે છે.
જેથી આ દફતરનું વજન હળવુ કરવા અંગે શિક્ષણ નિયામક દ્વારા 23-11-2018ના રોજ પરીપત્ર કરી પાલન કરવા તમામ પ્રાથમિક શાળાઓને આદેશ કરાયો હતો. જેથી જાણવા મળ્યા મુજબ બોટાદમાં આઠ માસમાં માત્ર ચાર વિષયોનો નિયમ અમલી કરાયો છે. તો ભાવનગરની ઘણી શાળામાં હજુ બાળકો ભારેખમ દફતરનું વહન કરી રહ્યા છે. એક સત્રપૂર્ણ થયું છે. છતા આ સ્થિતિ રહી છે અને જવાબદાર સંબંધીત શિક્ષણ નિરીક્ષકો પણ કોઇ કાર્યવાહી કરી નથી. જે સાબિત થયુ છે. ત્યારે તાજેતરમાં શિક્ષણ નિયામક દ્વારા અગાઉના પરીપત્રની યાદ અપાવી ફરી આદેશ કરાયો હોવાનું જણાયું છે. જોકે હાલ સત્રાંત પરીક્ષા શરૂ છે. ત્યારે આ આદેશ ફળીભૂત થતો નથી. જ્યારે નવા સત્રના પ્રારંભે આ આદેશનું ચુસ્ત પાલન થશે કે નહી તે જોવુ રહ્યું.
સામાન્ય રીતે વિષયોમાં ઘટાડો કરવાની કાર્યવાહીની સાથોસાથ પુસ્તકનું દળ મર્યાદીત કરવાની વાત શિક્ષકોમાંથી જણાય છે. હાલ ધો.૫, ૬નું ગણિત હોય કે વિજ્ઞાાન, પુસ્તક જ એટલુ દળદાર હોય ત્યારે તેનું વજન પણ રહેવાનું ઉપરાંત દરેક વિષયની પાકી નોટ અને રફ નોટ સાથે લંચ બોક્સ અને પાણીની બોટલનું વજન મળતા આ દફતર તોતીંગ બની જાય છે. અને હાલ બજારમાં ગરેડીવાળા દફતરો પણ મળતા થાય છે ત્યારે નક્કર પગલા જરૂરી બન્યા છે.