Get The App

રાજકોટ જિલ્લામાં ચેક પોસ્ટ ઉભી કરવા તંત્રએ હાથ ઉંચા કરી દીધા

- ગ્રામ્ય વિસ્તારમાં કોરોના બેકાબુ બની રહયો હોવા છતાં

- કોરોનાં પોઝીટીવને રાજકોટ શિફટ કરવાનાં બદલે તાલુકા કક્ષાએ વ્યવસ્થા કરવા માગણી

Updated: Jul 15th, 2020

GS TEAM

Google News
Google News
રાજકોટ જિલ્લામાં ચેક પોસ્ટ ઉભી કરવા તંત્રએ હાથ ઉંચા કરી દીધા 1 - image


રાજકોટ,  તા. ૧૫ જુલાઈ, ૨૦૨૦, બુધવાર

સૌરાષ્ટ્રમાં કોરોનાની મહામારી માથુ ઉંચકી રહી છે તેને નિયંત્રણમાં લેવા ફરી એક વાર લોકડાઉન કરવાની માગણી ઉઠી રહી છે. દરમિયાનમાં અમરેલી જિલ્લામાં અમદાવાદ, સુરત અને મુંબઈથી આવનારા માટે ચેકપોસ્ટ પર સ્ક્રનિંગ ફરજીયાત બનાવવામાં આવ્યા બાદ દ્વારકા કલેકટરે કિલ્લેશ્વર જવા - આવવા પર પ્રતિબંધ મુકી દીધો છે પરંતુ સૌરાષ્ટ્રનાં પાટનગર એવા રાજકોટ જિલ્લામાં હજુ પણ બેરોકટોક અવરજવર થઈ રહી છે. કોરોનાનાં કેસ ચિંતાનજક હદે વધી રહયા હોવા છતાં ફરી ડિસ્ટ્રીકટ બોર્ડર પર ચેક પોસ્ટ શરૂ કરવાનાં મામલે તંત્રએ હાથ ઉંચા કરી દીધાની સ્થિતિ ઉભી થઈ છે.

રાજકોટ શહેરની સાથે ગ્રામ્યમાં પણ કોરોના બેકાબુ બની રહયો છે. લોકડાઉનના પિરીયડમાં ગ્રામ્યમાં જૂજ કેસ હતા પરંતુ આંતર જિલ્લાની છૂટ મળતા જ કેસમાં ઉછાળો આવ્યો છે. રાજકોટ જિલ્લાનાં ૧૧ તાલુકામાં મળીને ૩૧૬ કોરોનાનાં કેસનો આંકડો પહોંચી ગયો છે એક પણ તાલુકો હવે કોરોનામુકત રહયો નથી. જિલ્લાનાં આગેવાનો કોરોના સંક્રમણને ખાળવા ફરી ચેકપોસ્ટ ઉભી કરવા અથવા તો લોકડાઉન જાહેર કરવા માગણી કરી રહયા છે પરંતુ વહીવટી તંત્ર ફરી જિલ્લાની બોર્ડર પર ચેક પોસ્ટ ઉભી કરવાની દિશામાં વિચારવા પણ માગતુ નથી. 

રાજકોટ જિલ્લા પંચાયતનાં આરોગ્ય વિભાગનાં અધિકારીઓએ જણાંવ્યુ હતું કે હવે જિલ્લામાં ફરી ચેકપોસ્ટ ઉભી કરવી શકય નથી કારણ કે ભોૈગોલિક રીતે રાજકોટ જિલ્લામાં પ્રવેશ કરવા માટેના એન્ટ્રી પોઈન્ટ અન્ય જિલ્લા કરતા વધુ છે. આ ઉપરાંત હાલ ચેક પોસ્ટ પર મુકવા માટે આરોગ્યનો સ્ટાફ પણ પુરતો નથી. અગાઉ લોકડાઉન સમયે સરહદો સીલ કરાઈ ત્યારે ૩પ જેટલી ચેકપોસ્ટ ઉભી કરવામાં આવી હતી. 

રાજકોટ જિલ્લા પંચાયતનાં સભ્યો દ્રારા કોરોના સંક્રમણને ખાળવા માટે અન્ય જિલ્લાનાં લોકો પર નિયંત્રણ લાદવા અને ફરી લોકડાઉનની  માગણી કરવામાં આવી રહી છે. કારોબારી  ચેરમેને ગ્રામ્ય વિસ્તારનાં લોકોમાં કોરોનાનો ડર દૂર કરવા માટે પોઝીટીવ દર્દીને રાજકોટ શિફટ કરવામાં આવે છે તેને બદલે તાલુકા કક્ષાએ સરકારી હોસ્પિટલમાં સારવાર આપવા વ્યવસ્થા કરવામાં આવે તેવી રજુઆત આરોગ્ય તંત્રને કરી છે. 

Tags :