પ્રતિબંધની ઐસી કી તૈસી સંસ્કાર મંડળના જાહેરમાં સળગાવાય છે કચરો
- કચરો સળગાવી કરાતુ પ્રદુષણ, રહીશો ત્રાહિમામ
- જાહેરમાં કચરો સળગાવવા પર પ્રતિબંધ છતાં કાર્યવાહી કરવામાં મનપાના ઠાગાઠૈયા
ભાવનગર, તા. 21 નવેમ્બર 2019 ગુરૂવાર
જાહેરમાં કચરો સળગાવવા પર પ્રતિબંધ છે અને કચરો સળગાવવાથી પ્રદુષણ પણ ખુબ જ ફેલાય છે પરંતુ તેમ છતાં કેટલાક સ્થળે કચરો સળગાવવામાં આવતો હોય છે, આવો જ બનાવ ભાવનગર શહેરમાં જોવા મળ્યો હતો. શહેરના સંસ્કાર મંડળ પાસે આજે ગુરૂવારે જાહેરમાં કચરો સળગાવવામાં આવ્યો હતો પરંતુ તેમ છતાં મહાપાલિકા દ્વારા કોઈ પગલા લેવામાં આવ્યા નથી. કચરો સળગાવતા વાહન ચાલકો અને રહીશો ત્રાહિમામ પોકારી ઉઠયા હતાં.
શહેરના સંસ્કાર મંડળ પાસે આજે ગુરૂવારે સવારના સમયે કોઈએ જાહેરમાં કચરો સળગાવ્યો હતો તેથી રોડ પર ખુબ જ ધૂમાડો જોવા મળ્યો હતો. ધૂમાડાના કારણે રોડ પરથી પસાર થતા વાહન ચાલકોને ખુબ જ મૂશ્કેલી પડી હતી તેથી વાહન ચાલકો કચવાટ કરતા નજરે પડયા હતાં. સંસ્કાર મંડળ પાસે વારંવાર કચરો સળગાવવામાં આવતો હોવાનુ સુત્રોએ જણાવેલ છે તેથી રહીશો પરેશાન થઈ ગયા છે પરંતુ આ બાબતે મહાપાલિકા દ્વારા હજુ સુધી કોઈ પગલા લેવામાં આવ્યા નથી તેથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. જાહેરમાં કચરો સળગાવવા પર પ્રતિબંધ છે અને કચરો સળગાવવાથી પ્રદુષણ પણ ફેલાય છે તેમ છતાં કેટલાક લોકો દ્વારા કચરો સળગાવવામાં આવતો હોય છે, જે ગંભીર બાબત છે.
જાહેરમાં કચરો સળગાવતા લોકો સામે મહાપાલિકાએ લાલ આંખ કરવી જરૂરી બની રહે છે અને સંબંધીત વિભાગે પણ કડક પગલા લેવા જરૂરી બની રહે છે. હાલ વાતાવરણમાં પ્રદુષણ ખુબ જ વધી રહ્યુ છે ત્યારે લોકોએ જાગૃત થવાની જરૂરીયાત છે.