જમીન પર 7 કરોડની લોન લઈ સાત શખ્સોએ છેતરપિંડી કરી
- બાવળાના રાશમ ગામની સીમમાં
- જમીન માલિકને કંપનીના ડાયરેકટર બનાવવાની લાલચ આપી બેન્કમાંથી ૭ કરોડની લોન મંજૂર કરાવી હતી
બગોદરા, તા.7 જુલાઈ 2020, મંગળવાર
અમદાવાદ જિલ્લાના બાવળા, બગોદરા, ધોળકા સહિતના તાલુકાઓમાં લોકોને લોભામણી લાલચ અને ખોટી જાહેરાતો કરી છેતરપીંડીના બનાવો વધી રહ્યાં છે ત્યારે બાવળા ખાતે રહેતાં શખ્સની માલીકીની રાશમ ગામની સીમમાં આવેલ જમીન પર લોન મેળવી ખોટા ડોક્યુમેન્ટ બનાવી કંપનીના નામે પડાવી લઈ છેતરપીંડી અંગે બેંકના તત્કાલીન અધિકારી સહિત સાત શખ્સો સામે બાવળા પોલીસ મથકે ભોગ બનનાર ફરિયાદી અશોકકુમાર ચીમનલાલ પટેલ રહે.બાવળાવાળાએ ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથધરી હતી.
આ અંગે પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ ફરિયાદી અશોકકુમાર ચીમનલાલ પટેલ રહે.બાવળાવાળાની રાશમ ગામની સીમમાં આવેલ સર્વે નં.૧૩, નવો સર્વે નં.૮૬૦ પૈકીની અંદાજે ૮,૦૦૦ ચો.મી. ઉદ્યોગીક હેતુવાળી બીનખેતીની જમીન ઉપર દુધની ડેરીનો પ્રોજેક્ટ બનાવવાનો હોય ફરિયાદીએ સી.એ. રમેશભાઈ કિશનચંદ મંશારામાણી રહે.અમદાવાદવાળાને પ્રોજેક્ટનું કામ સોંપ્યું હતું. ત્યારબાદ સી.એ. દ્વારા અન્ય શખ્સોને બાવળા ખાતે મોકલ્યા હતાં અને પોતે યુનિયન બેંકના મેનેજર હોવાનું જણાવ્યું હતું અને રાશમ ગામની જમીન જોઈ હતી અને વિશ્વાસમાં લઈ સલાલાહ એન્ટરપ્રાઈઝ પ્રા.લી.ના ડાયરેકટરોએ પ્રોડકશન કરવા યુનિટ સ્થાપવાનું હોય જમીનની જરૃરીયાત હોવાનું જણાવ્યું હતું અને ફરિયાદીને આ કંપનીમાં ડાયરેકટર તરીકે લેવાની લાલચ આપી હતી. તેમજ ફરિયાદીને કોઈ જ રોકડ રકમ આપવાની નથી પરંતુ માત્ર મુળી તરીકે જમીન આપવાનું જણાવ્યું હતું તેમજ ફરિયાદીની રાશમ ગામની સીમમાં આવેલ અંદાજે ૮,૦૦૦ ચો.મી. ઔદ્યોગિક હેતુવાળી બિનખેતીની જમીનનો રજીસ્ટર વેચાણ દસ્તાવેજ સલાલાહ એન્ટરપ્રાઈઝના અધિકૃત ડિરેકટરના નામે કરી આપ્યો હતો.
જેને આધારે ડાયરેકટર સહિતના શખ્સોએ યુનિયન બેંક ઓફ ઈન્ડીયાની મણીનગર શાખામાંથી રૃા.૭ કરોડની લોન મંજુર કરાવી હતી. જેમાં ટર્મ લોન તરીકે રૃા.૧.૫૦ કરોડ કંપની બનાવવા માટે તેમજ રૃા.૩.૫૦ કરોડની સીસી લોન કંપની બન્યા પછી ધંધો કરવા માટે મંજુર કરી હતી. આ ઉપરાંત અગાઉ બેંકમાંથી લીધેલ રૃા.૧ કરોડની લોનનો પણ તેમાં સમાવેશ કર્યો હતો તેમજ લેટર ઓફ ક્રેડીટ તરીકે રૃા.૨ કરોડ મંજુર કરવામાં આવ્યાં હતાં. જે માટે સીક્યોરીટી પેટે ફરિયાદીની જમીન સહિત અન્ય શખ્સોના ફલેટ વગેરે રાખવામાં હતાં. જ્યારે મંજુર થયેલ લોનની રકમ પણ કંપનીના અધિકૃત ડાયરેકટરના ખાતામાં જમા કરવામાં આવી હતી. જ્યારે આ લોનની રકમનો તમામ શખ્સોએ ખોટી રીતે ઉપાડ કરી પોતાની અગાઉ લીધેલ લોન ભરપાઈ કરી હતી અને ફરિયાદીને ડિરેકટર તરીકે નિમણુંક નહિં આપી શેર પણ આપ્યાં નહોતા અને મેળવેલ નાણાની ઉચાપત કરી હતી.
જે અંગે ભોગ બનનાર ફરિયાદીએ બાવળા પોલીસ મથકે (૧) અનિલ કુંદનલાલ હુકમતાણી - ડિરેકટર સલાલાહ એન્ટરપ્રાઈઝ (૨) ઈન્દુ અનિલ હુકમતાણી - ડિરેકટર સલાલાહ એન્ટરપ્રાઈઝ બંન્ને રહે.રાજકોટ તથા (૩) ઉમેશ કુંદનલાલ હુકમતાણી રહે.અમદાવાદ (૪) રમેશભાઈ કિશનચંદ મંશારામાણી-સી.એ. તથા ગેરેન્ટર રહે.અમદાવાદ (૫) શ્રેયાબેન રમેશભાઈ મંશારામાણી - ડિરેકટર સલાલાહ એન્ટરપ્રાઈઝ રહે.અમદાવાદ (૬) ભાવેશ લક્ષ્મણદાસ દરીયાનાણી - બાલાજી એન્ટરપ્રાઈઝ રાજકોટ અને (૭) તત્કાલીન બેન્ક અધિકારી - યુનિયન બેંક મણીનગર બ્રાન્ચવાળા સામે છેતરપીંડી તથા વિશ્વાસઘાત અંગે ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથધરી હતી.