ભાવનગર, તા. 01 નવેમ્બર 2019, શુક્રવાર
ટ્રાફિકના નિયમોનું નવા રૂપરંગ સાથે અમલીકરણનો પ્રારંભ થયો છે ત્યારે આપેલ સમય મર્યાદામાં RTO દ્વારા વિશેષ કવાયત હાથ ધરાઇ હતી. જો કે, તે પૂર્વે રીક્ષા ચાલકો માટે લાયસન્સની વિશેષ સુવિધા ઉભી કરવા જાહેરાત કરાઇ હતી પરંતુ હજુ સુધી આ રીક્ષાના લાયસન્સની કામગીરી થઇ શકી નથી.
ભાવનગર RTO દ્વારા HSRP નંબર પ્લેટ માટે કેમ્પ, લાયસન્સ અને વાહન કામગીરી માટે જાહેર રજામાં પણ કામગીરી શરૂ રાખી ટ્રાફિકના નિયમોના પાલન માટે અપાયેલ પુરતા સમયગાળામાં ઝુંબેશના રૂપમાં કામગીરી શરૂ કરાઇ હતી. જ્યારે હાલ આજથી ટ્રાફિક નિયમન પાલન માટે ખાસ કરીને હેલ્મેટ અંગેની રોક ઉઠવા પામી છે ત્યારે લોકો પણ હેલ્મેટની ખરીદી તરફ વળ્યા છે.
તો બીજી તરફ ભાવનગરમાં ચાલતી ઓટો રીક્ષાના મહત્તમ ચાલકો પાસે લાયસન્સ ન હોવાનું જણાતા RTO દ્વારા અગાઉના સમયગાળામાં દર રવિવારે રીક્ષાના લાયસન્સની કામગીરી હાથ ધરવા અંગે જાહેરાત કરાઇ હતી પરંતુ આ આદેશનું પાલન આજ સુધી થઇ શક્યું નથી અને રીક્ષા ચાલકો માટેનો આ કેમ્પ હજુ સુધી મુલત્વી રહ્યો હોવાનું જણાયું છે.


