ભાવનગરના બજાર વિસ્તારમાંથી 25 થી વધુ ગેરકાયદે દબાણ હટાવ્યા
- મહાપાલિકાની દબાણ સેલની ટીમે 15 કેબીન અને 7 લારી જપ્ત કરી
- બીઝનેસ સેન્ટરના બેઝમેન્ટમાં આવેલ ગેરકાયદે દુકાન તોડી પડાઈ, ટેબલ સહિતનો માલ-સામાન કબજે કર્યો
ભાવનગર મહાનગરપાલિકા, એસ્ટેટ વિભાગની દબાણ હટાવ ટીમ દ્વારા આજે મંગળવારે સવારે ૬ કલાકે કમિશનર તેમજ નાયબ કમિશનરની સીધી દેખ-રેખ હેઠળ ગંગાજળિયા તળાવ પાસેથી, શાક માર્કેટ, વીર ચોક, ઝૂલેલાલ માર્કેટ, ઘોઘા ગેટ, હાઈ કોર્ટ રોડ તથા નાગરિક બેંકની પાછળનાં ભાગેથી ૧૫ કેબિનો અને ૦૭ લારીઓ જપ્ત કરી હતી. આ ઉપરાંત હેવમોર ચોકની સામેની સાઈડમાં કુરેશી પાનવાળાની સાઈડમાંથી ૪થી વધુ ઓટલા તોડવામાં આવ્યા હતાં. ઝૂલેલાલ માર્કેટમાંથી ૦૬ ઓટલા તથા પતરાના ૧૫ શેડ દુર કર્યા હતાં. ૧૨ જેટલો અન્ય સામાન જપ્ત કર્યો હતો. બીઝનેસ સેન્ટરના બેઝમેન્ટનાં રેમ્પ પર ચણી લેવામાં આવેલ ગેરકાયદે દુકાનના બાંધકામને દુર કરવામાં આવ્યુ હતું.
મહાપાલિકા દ્વારા દબાણ હટાવવાની કામગીરીનો ધમધમાટ શરૂ કરવામાં આવતા દબાણકર્તાઓમાં ફફડાટ ફેલાયો છે. મનપાની કડક કાર્યવાહીના પગલે દબાણકર્તાઓમાં દોડધામ મચી જવા પામી હતી. આગામી દિવસોમાં પણ દબાણ હટાવવાની કામગીરી શરૂ રહેશે. નાના દબાણ સાથે મોટા ગેરકાયદે દબાણ પણ હટાવવા જરૂરી છે તેમ જાગૃત નાગરીકોમાં ચર્ચાય રહ્યુ છે.