ધાર્મિક સ્થળોને યાત્રાધામ વિકાસ બોર્ડમાં તો સમાવાય છે પણ વિકાસ કાર્ય ખોરંભે
ભાવનગર, તા. 08 નવેમ્બર 2019, શુક્રવાર
જિલ્લામાં યાત્રાધામ અને પર્યટન પ્રોજેક્ટ હેઠળ વિવિધ આઠ સ્થળોને આવરી લેવાયા છે જેમાં ઉમરાળા તાલુકાના ત્રણ યાત્રાધામોની પ્રપોઝલ મંગાવાઇ અને બોર્ડમાં શામેલ કરાયા બાદ પણ હજુ વિકાસ કામોનું મુહૂર્ત આવ્યું નથી તો ક્યાંક કામ થયું છે તો વિવાદ થયો છે અને હજુ ઘણા સ્થળોનો સમાવેશ કરવાનો પણ બાકી રહ્યો છે.
મળતી વિગતો મુજબ જિલ્લાના પ્રવાસન અને ધાર્મિક સ્થળોને વિકસાવવા અલગ અલગ પ્રોજેક્ટ યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા હાથ ધરાય છે પરંતુ નક્કર કામગીરીનો અભાવ વર્તાય છે તો મોટાભાગના કામો હજુ વહિવટી મંજુરી પ્રક્રિયામાં અટવાયેલા જણાય છે.
કોસ્ટલ ટુરીઝમ પ્રોજેક્ટ હેઠળ ગોપનાથ બીચની પસંદગી કરાઇ છે જેમાં પ્રથમ ફેસ પૂર્ણ કરાયો છે અને કામ મંથર ગતિએ શરૂ છે તો તળાજાના સાંઇનાથ તથા શનિદેવ મંદિરનો સમાવેશ કરી કામ થયું છે પણ કામ નબળી ગુણવત્તાવાળુ થયું હોવાના આક્ષેપો ઉઠયા છે તો શહેરના રવેચી માતાના મંદિરને ડેવલોપ કરવાની વાતો થઇ પણ હજુ સુધી કામના શ્રી ગણેશ થયા નથી. ઇકો ટુરીઝમ પ્રોજેક્ટ હેઠળ વેળાવદરની પણ આવી જ સ્થિતિ રહેવા પામી છે.
જ્યારે ઉમરાળા તાલુકાના ગંગાસતી પાનબાઇ આશ્રમ, સમઢીયાળા, સંત શ્રી ધનાબાપાની જગ્યા ધોળાગામ અને રાંદલ દડવાને યાત્રાધામ વિકાસ બોર્ડમાં સમાવાયા છે પરંતુ આ ત્રણે સ્થળોનો વિકાસ ક્યારે થશે તે પ્રશ્ન વણઉકેલ્યો છે. ત્રણે સ્થળોના અહેવાલો સરકારમાં મોકલી દેવાયા છે પરંતુ ગ્રાન્ટ ફાળવણી કે ટેન્ડરીંગ પ્રક્રિયાના પાંચ માસ જેટલા સમય વિતવા છતાં હજુ કોઇ ઠેકાણા નથી. તો પાલિતાણા તાલુકાના ભૈરવનાથ મંદિર પણ વિકાસ ઝંખી રહ્યું છે. આમ કુલ આઠ પ્રોજેક્ટ સરકારી ચોપડે નોંધાયેલ છે.
જો કે, આ આઠ ઉપરાંત હજુ પણ ઘણા સ્થળો એવા છે કે જે વિકસીત થાય તો ભાવનગરની રોનકને ચાર ચાંદ લાગી શકે. જેમાં ઝાંઝમેરનો દરિયા કાંઠો, કોળિયાક-કુડાનો દરીયા કાંઠો, સિહોર માતાનું મંદિર, સિધ્ધરાજ જયસિંહ વખતનું સિહોરનું બ્રહ્મકુંડ, ભાવનગરનું માળનાથ મહાદેવ સ્થાન, મહુવાનું ભવાની માતાનું મંદિર વગેરે પરંતુ હાલ જે સ્થળો જાહેર કર્યા છે તેના કામો પણ આરંભાયા નથી. જે વહેલી તકે આરંભાય અને નવા સ્થળોનો ઉમેરો થાય તે જરૂરી બન્યું છે.