રાજકોટ જિ.પં.ની બેઠકો યથાવત, તાલુકા પંચાયતની સીટમાં ફેરફાર
શહેરી વિકાસ વિભાગનાં જાહેરનામાં બાદ હવે પંચાયત વિભાગમાં કવાયત
- ચાર ગામ કોર્પોરેશનમાં ભળતા તાલુકામાં 32 હજારની વસતી ઘટી,
ચોટીલાનાં પાંચ ગામની ૬ હજારની વધી
રાજકોટ, તા. 9 જુલાઈ, 2020, ગુરૂવાર
રાજયનાં શહેરી વિકાસ વિભાગ દ્રારા મહાનગર પાલિકાની ચૂંટણીનાં સિમાંકનને લઈને જાહેરનામુ બહાર પાડવામાં આવ્યા બાદ હવે જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીને લઈને પંચાયત વિભાગમાં કવાયત શરુ થઈ છે. પંચાયતોની ચૂંટણીઓ પણ જૂના સિમાંકન મુજબ થશે તેવી ધારણા છે. રાજકોટ જિલ્લા પંચાયતની ૩૬ સીટમાં કોઈ ફેરફાર નહિ થાય પણ રાજકોટની ભાગોળેનાં ચાર ગામો કોર્પોરેશનમાં ભળતા રાજકોટ તાલુકા પંચાયતની સીટનાં નામ અને વિસ્તારમાં ફેરફાર થશે તેવા સંકેતો મળી રહયા છે.
રાજય સરકાર કોરોના સંકટમાં ઈલેકશન મોડમાં આવી ગઈ છે રાજયભરમાં તાલુકા અને જિલ્લા પંચાયતોની ચૂંટણીને લઈને પણ બેઠકોનો ધમધમાટ શરુ થઈ ગયો છે. જૂના સિમાંકન મુજબ રાજકોટ સહિતની જિલ્લા પંચાયતની ચૂંટણી થશે તેવા સંકેતો મળી રહયા છે. રાજકોટ જિલ્લા પંચાયતની ૩૬ સીટ છે. હિરાસર પાસે એરપોર્ટ બનતા ચોટીલા તાલુકાનાં પાંચ જેટલા ગામને રાજકોટ જિલ્લાની હદમાં સામેલ કરવામાં આવ્યા છે જયારે મુંજકા, માધાપર , ઘંટેશ્વર , મોટા મવા અને મનહરપુર - ૧ કોર્પોરેશનમાં ભળ્યા છે પણ તેની કોઈ અસર સીટની સંખ્યામાં નહી થાય. જિલ્લા પંચાયતની સીટ ૩૬ જ રહેશે તેમ જાણવા મળે છે.
રાજકોટ તાલુકા પંચાયતની ર૪ સીટ છે તેમાં ફેરફાર થવાની શકયતા છે. માધાપર -૧ અને માધાપર - ર, ઘંટેશ્વર અને મોટામવાની સીટ હાલ છે તે ગામો કોર્પોરેશનમાં ભળી જતા હવે અન્ય ગામોનાં નામે આ સીટને ઓળખવામાં આવશે. મોટામવા સીટ હેઠળ હાલ કણકોટ ,રામનગર સહિતનાં ગામો યથાવત રહયા છે. ચોટીલા તાલુકાનાં ગામો રાજકોટની હદમાં ભળતા હાલ તાલુકાની એક સીટ વધે તેમ હતી પરંતુ મુંજકા સહિતનાં પાંચ ગામો કમી થતા હવે તાલુકા પંચાયતની સીટનો આંકડો ર૪ જ રહે તેવી ધારણા છે. ચૂંટણી પંચના નિર્દેશ મુજબ બેઠકોની સંખ્યા બેકી રાખવામાં આવે છે. તાલુકાની એક સીટમાં આશરે ૭૦૦૦ મતદારોને સમાવવામાં આવતા હોય છે અને જે ગામ મોટુ હોય તે ગામનાં નામે સીટ ઓળખાય છે.
રાજકોટ કલેકટર દ્રારા જિલ્લા અને તાલુકા પંચાયતની વસતી માં થયેલા ફેરફાર અંગેની માહિતી ં વિકાસ કમિશનરને મોકલી દેવામાં આવી છે. પાંચ ગામ કોર્પોરેશનમાં ભળતા આશરે ૩ર૦૦૦ હજાર જેટલી વસતી રાજકોટ તાલુકામાંથી ઓછી થઈ છે જયારે ચોટીલાનાં પાચં ગામ ભળતા આશરે ૬૦૦૦ ની વસતી વધી છે પરિણામે રાજકોટ તાલુકાની હાલ ર૪ સીટ છે તે ઘટીને રર થઈ શકે છે જો કે આ અંગેનો આખરી નિર્ણય વિકાસ કમિશનર કરશે. રાજયનાં વિકાસ કમિશનર તાલુકા - જિલ્લા પંચાયતની વસતી અને સીટોનું માળખુ તૈયાર કરીને રાજય ચૂંટણી પંચને મોકલશે અને ત્યાર બાદ તેના આધારે ચૂંટણી પ્રક્રિયા આગળ વધશે તેમ સૂત્રોએ જણાંવ્યુ હતુ.