Get The App

રાજકોટ 7 ઈંચ વરસાદે જળંબાબાકાર,વૃક્ષો પડયા

- અસંખ્ય લત્તાઓમાં પાણી ભરાયા, રસ્તાઓ ઉપર નદી વહેતી હોય તેવા દ્રશ્યો, ટ્રાફિક ખોરવાયો

- રાત્રે દોઢ ઈંચ બાદ સોમવારે સાડા પાંચ ઈંચ

Updated: Jul 6th, 2020

GS TEAM

Google News
Google News
રાજકોટ 7 ઈંચ વરસાદે જળંબાબાકાર,વૃક્ષો પડયા 1 - image


રાજકોટ, તા. ૬ જુલાઈ, ૨૦૨૦, સોમવાર

અષાઢ વદના આરંભે રાજકોટમાં મેઘરાજા મન મુકીને વરસ્યા હતા. ગત મધ્યરાત્રિથી આજ સાંજ સુધીમાં ફાયરબ્રિગેડમાં સેન્ટ્રલ  અને વેસ્ટઝોનમાં ૬ ઈંચ અને ઈસ્ટઝોનમાં ૭ ઈંચ વરસાદ નોંધાયો છે. તો ચોમાસાના ચાર માસ પૈકી એક માસ હજુ પૂરો નથી થયો ત્યાં મૌસમનો ૧૦ ઈંચ વરસાદ વરસી ગયો છે. ખંભાળિયા જેવો અનરાધાર વરસાદ તો વરસ્યો નથી છતાં રાજકોટ મનપાની જળનિકાલની નબળી વ્યવસ્થાના કારણે અસંખ્ય  સ્થળોએ પાણી ભરાયા હતા.તો વૃક્ષો ધસી પડતા માર્ગો બંધ થયા હતા. 

રંગીલા રાજકોટમાં લોકો સવારે નિદ્રાધીન હતા ત્યારે જ મેઘરાજાનું ધમાકેદાર આગમન થયું હતું.  આ કારણે સવારની દૈનિક  પ્રવૃતિને પ્રતિકૂળ અસર પહોંચી હતી. વરસાદના પગલે લક્ષ્મીનગર અન્ડરપાસ, સરદારનગર, પોપટપરા સહિતના માર્ગો ઉપરાંત શહેરના અસંખ્ય લત્તાઓમાં જળબંબાકારની સ્થિતિ સર્જાતા વાહન વ્યવહારને  ભારે મૂશ્કેલીનો સામનો કરવો પડયો હતો. અનેક મકાનોમાં ઘરમાં પાણી ઘુસી ગયાની ફરિયાદો પણ ઉઠી છે.   પાણી ભરાવાની દોઢસોથી વધુ ફરિયાદો થઈ છે.

મનપા સૂત્રો અનુસાર સેન્ટ્રલ ઝોનમાં જામનગર રોડ, માધાપર ગામ, ગીતગુર્જરી રોડ, શીતલ પાર્ક, લક્ષ્મીનગર નાલા, ટાગોરરોડ, પોપટપરા, હંસરાજનગર,લોધાવાડ ચોક, ગોંડલ રોડ, સમ્રાટ ઈન્ડ.એરિયા, ક્રિષ્ણાનગર મેઈનરોડ, પીડીએમ પાછળ, પારડી રોડ, ગુંદાવાડી, કોઠારીયા રોડ વગેરે, ઈસ્ટઝોનમાં ભગવતીપરા, એંસી ફૂટ રોડ, રાજલક્ષ્મી સહિતની સોસાયટીઓ, લાલપરી મફતિયા,પ્રદ્યુમ્નપાર્ક સામે, સંતકબીર રોડ, નાડોદાનગર, ખોડીયારપરા, નેશનલ હાઈવે સર્વિસ રોડ, વગેરે વિસ્તારમાં વેસ્ટઝોનમાં ગાંધીગ્રામ વિસ્તાર, ગૌતમનગર, જીવંતિકાનગર વિસ્તાર, નકલંક ચોક, ધમધમતા સાધુ વાસવાણી રોડ, અમીનમાર્ગ, કે.કે.વી., રૈયા ચોક, રૈયા મેઈનરોડ, રૈયા ટેલીફોન એક્સચેન્જ પાસે રીંગરોડ, યુનિવર્સિટી રોડ, ઉપરાંત ભારતવન, નાનામવા રોડ, નાણાવટી ચોક, ગોપાલ ચોક,  ભીમનગર ચોક, શાંતિનિકેતન સોસાયટી, શ્રી નાથજી સોસાયટી, મીરાં નગર, ઉમિયા ચોક, સહિત અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતા ચરેડાં કરીને વરસાદી પાણીના નિકાલ કરાયો છે. 

ફાયરબ્રિગેડના સૂત્રો અનુસાર કાલાવડ રોડ પર અને ઢેબરરોડ પર મનપા કચેરીએ ફાયર સ્ટેશનોમાં ગત રાત્રિના ૧૨થી આજ સાંજ સુધીમાં ૧૪૮ મિ.મિ. અર્થાત્ છ ઈંચ અને બેડીપરા ખાતે ૧૭૮ અર્થાત્ ૭ ઈંચથી વધારે વરસાદ નોંધાયો છે. ગત રાત્રિના દોઢ ઈંચ અને આજે વહેલી સવારથી સાડા પાંચ ઈંચ વરસાદ નોંધાયો છે. 

વરસાદના પગલે નદી-નાળામાં તો ધસમસતા પાણી  વહેતા થયા હતા પરંતુ, રાજકોટમાં વરસાદી પાણીના નિકાલ માટે કુદરતી વ્યવસ્થા એવા ત્રીસથી વધુ વોકળા હોવા છતાં ઈજનેરી કામમાં પોલંપોલના કારણે રસ્તાના  લેવલ અસ્તવ્યસ્ત થઈ ગયા હોય ધમધમતા માર્ગો પર  નદી અને વોકળા વહેતા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. 

જંક્શન પ્લોટમાં એક તોતિંગ વૃક્ષ ધરાશાયી થતા ધમધમતો રસ્તો બંધ થઈ ગયો હતો. આ ઉપરાંત શ્રોફ રોડ, એરપોર્ટ રોડ, કરણપરા મેઈનરોડ, સાંઈનગર, આલાપ હેરીટેજ રોડ વગેરે વિસ્તારોમાં ધરાશયી થયેલા વૃક્ષોને હટાવવા કાર્યવાહી હાથ ધરાઈ હતી.

રાજકોટમાં  બપોર સુધી વરસાદનું જોર જારી રહ્યા બાદ સાંજે વરસાદે વિરામ લીધો હતો પણ મોડી સાંજે પણ બફારો અને આકાશ વાદળોથી એકરસ થયું હોય હજુ ભારે વરસાદની શક્યતા દર્શાવાઈ છે. વરસાદી માહૌલના પગલે ગરમ ખાણી-પીણીની તેમજ રેઈનકોટ, છત્રીની ડિમાન્ડ પણ બજારમાં નીકળી છે. 

Tags :