રબારીકા ગામે નિંદ્રાધીન આધેડની તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા
ભાવનગર, તા. 06 નવેમ્બર 2019, બુધવાર
હાલ અમદાવાદ ખાતે રહી વ્યવસાય કરતા આધેડ દિવાળીના તહેવારો દરમિયાન પોતાના વતન રબારીકા ગામે આવ્યા હતાં દરમિયાન ગત રાત્રિના તેઓ પોતાના ઘરે ફળિયામાં સુતા હતા ત્યારે અજાણ્યા શખસોએ મધ્યરાત્રે ધસી આવી ગળાના ભાગે તિક્ષ્ણ હથિયારના ઘા મારી કરપીણ હત્યા કરી નાસી છુટયા હતાં. વહેલી સવારે રક્તરંજીત ઘટનાની જાણ થતા સમગ્ર ગામમાં ભારે અરેરાટી છવાઇ જવા પામી હતી અને પોલીસ કાફલો ઘટના સ્થળ પર દોડી ગયો હતો.
બનાવની જાણવા મળતી સઘળી વિગતો અનુસાર સિહોર તાલુકાના રબારીકા ગામના વતની અને હાલ અમદાવાદમાં સ્થાઇ થઇ ઇલેક્ટ્રોનિક્સ પાર્ટ્સનો વ્યવસાય કરતા ભુપતભાઇ અમરજીભાઇ જાની (ઉ.વ.55) અમદાવાદથી પોતાના વતન રબારીકા ગામે દિવાળીના તહેવારો દરમિયાન આજથી 15 દિવસ પૂર્વે રસોયા સાથે આવ્યા હતાં. દરમિયાન ગત રાત્રિના ભુપતભાઇ અને રસોયો પોતાના મકાનના ફળિયામાં સુતા હતા તે વેળાએ ગત રાત્રિના 10.30 થી આજે સવારે 6 કલાકના અરસા દરમિયાન અજાણ્યા શખસોએ ભુપતભાઇના ઘરમાં ગેરકાયદે પ્રવેશ કરી ખાટલામાં નિંદ્રાધીન આધેડના ગળાના ભાગે તિક્ષ્ણ હથિયારના ઘા મારી કરપીણ હત્યા કરી નાસી છુટયા હતાં.
વહેલી સવારે રક્તરંજીત ઘટનાની જાણ થતા ગામલોકો મોટી સંખ્યામાં ઉમટી પડયા હતાં અને ભારે અરેરાટી સાથે આઘાતની લાગણી છવાઇ જવા પામી હતી. દરમિયાન ઘટનાથી વાકેફ થઇ સિહોર પો.સ્ટે.ના ઇન્ચાર્જ પી.આઇ. સોલંકી સહિતનો સ્ટાફ ઘટના સ્થળ પર દોડી ગયો હતો અને મૃતકનો કબજો સંભાળી પી.એમ. અર્થે સિહોર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી.
જ્યારે બનાવ અનુસંધાને મૃતકના પુત્ર હિમાંશુભાઇ ભુપતભાઇ જાની (ઉ.વ.30)એ સિહોર પોલીસ મથકમાં અજાણ્યા શખસો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે IPC 302, જીપીએક્ટ 135 મુજબ ગુનો દાખલ કરી ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે. જાણવા મળ્યા મુજબ મૃતક ભુપતભાઇ તેના ત્રણ પુત્રો હિમાંશુભાઇ, કલ્પેશભાઇ અને ગોપીભાઇ સહિતના પરિવાર સાથે અમદાવાદમાં સ્થાઇ થઇ વ્યવસાય કરતા હતાં.