mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

એક વર્ષમાં ભાવ. રેલવે ડિવિઝનની આવકમાં 118 કરોડનો વધારો, ટ્રેન સુવિધા વધવી જરૂરી

Updated: Apr 4th, 2024

એક વર્ષમાં ભાવ. રેલવે ડિવિઝનની આવકમાં 118 કરોડનો વધારો, ટ્રેન સુવિધા વધવી જરૂરી 1 - image


- ગત નાણાંકીય વર્ષમાં રૂા. 1150 કરોડની આવક સામે આ વર્ષે રૂા. 1268 કરોડ નોંધાઇ

- પોરબંદરમાં પીટલાઈનના બહાને બપોરના સમયની જેતલસર સુધીની ટ્રેન પણ રેલવેએ બંધ કરી દીધી : ભાવનગર-સુરતની ટ્રેન કેમ નહીં ?

ભાવનગર : ભાવનગર રેલવે ડિવિઝનની આવકમાં ગત નાણાંકીય વર્ષની સરખામણીમાં આ વર્ષે ૧૦ ટકાનો વધારો થયો છે ત્યારે ગેજ કન્વર્ઝન બાદ શરૂ થયેલી બોટાદ-અમદાવાદ બ્રોડગેજ રેલવે લાઈન પર ટ્રેનની સુવિધાઓ પણ વધવી જોઈએ તેવી માગ ભાવનગર અને બોટાદ જિલ્લાના લોકોમાં પ્રવર્તી રહી છે. 

આ અંગેની પ્રાપ્ય વિગત અનુસાર ભાવનગર રેલવે ડિવિઝનમાં નાણાંકીય વર્ષ ૨૦૨૩-૨૪માં માલવાહક વાહનવ્યવહાર, પેસેન્જર પરિવહન સેવા અને અન્ય કોચિંગ આવક સહિત રેલવેની આવક તરીકે રૂા.૧૨૬૮.૭૦ કરોડની આવક થઈ છે. જ્યારે ગત નાણાંકીય વર્ષમાં રૂ. ૧૧૫૦.૪૦ કરોડ રહી હતી. આમ, ગયા નાણાંકીય વર્ષની સરખામણીમાં રેલવેને રૂા. ૧૧૮ કરોડ વધુ આવક થઈ છે. જો આ વાતને બીજા શબ્દોમાં રજૂ કરીએ તો કહી શકાય કે, ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે ૧૦.૩૦% આવક વધી છે.

રેલવેની આવક વધી છે તેનો સીધો સાદો અર્થ થાય છે કે, જો રેલવે સુવિધા વધે તો લોકો તેનો વધુને વધુ લાભ લેતા હોય છે અને તેનાથી રેલવેને પણ સીધો લાભ થતો હોય છે. આમ છતાં, રેલવે બોર્ડ દ્વારા ટ્રેન સંબંધી ઉદાસીન દ્રષ્ટિકોણ કેમ ? ભાવનગર અને બોટાદ જિલ્લાના અને સુરત વસતા લોકોની નિયમિત રીતે આવન-જાવન રહે છે એટલે ભાવનગર-સુરત વચ્ચે ટ્રેનની લાંબા સમયની ડિમાન્ડ પેન્ડીંગ છે. છતાં લોકમાગણી સ્વીકારાતી નથી. આમ કેમ ? તેવો પ્રશ્ન લોકોને સતાવી રહ્યો છે. 

ભાવનગર-જેતલસર વચ્ચે દોડતી બપોરના સમયની પેસેન્જર ટ્રેનને પોરબંદર સુધી માંડ લંબાવાઈ ત્યાં પોરબંદર રેલવે સ્ટેશન પર પીટલાઈનના કામ સબબ તેને ભાવનગરથી જ સંપૂર્ણપણે રદ્દ કરવામાં આવી છે. પોરબંદરમાં પીટલાઈનનું કામ ચાલે ત્યાં સુધી આ ટ્રેન જેતલસર સુધી ચલાવી શકાઈ હોત. તેની રેક હાલ ધૂળ ખાતી પડી છે તો લોકોને સુવિધા આપવામાં વાંધો શું છે ? એ પ્રશ્ન લોકોમાં ઉઠયો છે. 

હવે જ્યારે બોટાદ-અમદાવાદ વચ્ચેની રેલવે લાઈન બ્રોડગેજમાં પરિવર્તીત થઈ ગઈ છે ત્યારે આ રેલવે લાઈન પર અમદાવાદથી દોડતી લાંબા અંતરની ઘણી ટ્રેન ભાવનગરથી દોડાવી શકાય તેમ છે. જો આમ થાય તો ભાવનગર અને બોટાદ જિલ્લાના લોકોને વધુને વધુ ટ્રેન સુવિધાનો લાભ મળે અને રેલવેને પણ રાજસ્વનો ફાયદો થાય. 

Gujarat