સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા અનુસ્નાતક કક્ષાની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર
- એમ.એ, એમ.કોમ સહિતની જુદી-જુદી પરીક્ષામાં 11774 વિદ્યાર્થીઓ બેસશે
- 7મી ઓગસ્ટથી પરીક્ષાના સત્રનો પ્રારંભ
રાજકોટ, તા. 11 જુલાઈ 2020 શનિવાર
લોકડાઉનના કારણે સમગ્ર રાજ્યમાં જુદી-જુદી યુનિવર્સિટીમાં અનુસ્નાતક કક્ષાની પરીક્ષાનો કાર્યક્રમ વ્યસ્ત વ્યસ્ત થઈ ગયો છે ત્યારે આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આગામી તારીખ 7 ઓગસ્ટથી શરૂ થતી બીજી પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં એમ.એ એમ.કોમ સહિતની જુદી-જુદી પરીક્ષાઓમાં કુલ 11774 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરીક્ષા વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે અગાઉ અનુસ્નાતક કક્ષાની પરીક્ષાનો કાર્યક્રમ બે વખત નક્કી કરવામાં આવ્યા બાદ રદ કરવો પડ્યો છે પરંતુ યુજીસીની ગાઇડલાઇન પ્રમાણે બીજીના વિદ્યાર્થીઓની પરીક્ષા લેવી ફરજિયાત હોવાથી હવે તારીખ 7મી ઓગસ્ટની પરીક્ષાનું નવું શિડયુલ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં અનુસ્નાતક કક્ષામાં અભ્યાસ કરતા અંદાજે 11774 વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવશે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા જે પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. તેમાં જણાવાયું છે કે વિદ્યાર્થીઓના પરીક્ષા કેન્દ્રમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે માટે પરીક્ષા કેન્દ્રોની સંખ્યા વધારી દેવામાં આવી છે.
જેના કારણે કોરોનાની મહામારીના સમયગાળા દરમિયાન રોગચાળા સામે રક્ષણ મળી રહેશે. આ પરીક્ષા દરમિયાન સૌથી વધુ એમ.કોમ.માં 6650 ત્યારે એમાં 3667 અને એમએસપીમાં 740 વિદ્યાર્થીઓની સંખ્યા પરીક્ષાર્થી તરીકે નોંધાઈ છે.