મહુવાના યુવાનની હત્યા મામલે એકને આજીવન કેદ, એકને 7 વર્ષની સજા


- 5 વર્ષ પૂર્વે પ્રસંગમાં 2 પરિવાર વચ્ચે મારામારી સર્જાવા પામી હતી

- સામાપક્ષે એક શખ્સને 2 વર્ષના કારાવાસની કેદ : એક આરોપીનું ટ્રાયલ દરમિયાન મૃત્યું નિપજ્યું હતું

મહુવા : મહુવાની માસુમભાઇની વાડી વિસ્તારમાં પાંચ વર્ષ પૂર્વે બે પરિવાર વચ્ચે સશસ્ત્ર મારામારી સર્જાતા એક વ્યક્તિનું મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે મારામારી મામલે સામ સામે ફરિયાદ નોંધાવા પામી હતી જે કેસ મહુવાની પાંચમી એડિશનલ ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં ચાલી જતા એક શખ્સને આજીવન કારાવાસ જ્યારે એકને સાત વર્ષની સજા ન્યાયમૂર્તિશ્રીએ ફરમાવી હતી. જ્યારે સામાપક્ષે એક શખ્સને બે વર્ષ કેદની સજા ફરમાવાઇ હતી.

બનાવની જાણવા મળતી વિગતો મુજબ મહુવાની માસુમભાઇની વાડી વિસ્તારમાં ૨૦૧૭ની સાલમાં પ્રસંગ વેળાએ સુનીલ ગોબરભાઇ સોલંકી, અનીલ ગોબરભાઇ સોલંકી અને દેવજી મથુરભાઇ બારૈયાએ વિજયભાઇ અશોકભાઇ ચૌહાણ અને તેના ભાઇ ગોપાલભાઇ અશોકભાઇ ચૌહાણ ઉપર જીવલેણ હુમલો કરી માર મારતા વિજયભાઇ અશોકભાઇ ચૌહાણનું ઘટના સ્થળ પર જ મોત નિપજવા પામ્યું હતું. જ્યારે ગોપાલભાઇને ગંભીર હાલતે સારવારમાં ખસેડાયા હતાં તેમજ સામાપક્ષે પણ યુવાનને ઇજા પહોંચતા અનિલભાઇ ગોબરભાઇ સોલંકીએ ફરિયાદ નોંધાવી હતી.

ઉક્ત કેસ આજરોજ મહુવાના પાંચમાં એડિશનલ ડિસ્ટ્રીક્ટ જજશ્રી એફ.એસ. પરીખની અદાલતમાં ચાલી જતા ૨૬ મૌખિક પુરાવા, ૫૩ દસ્તાવેજી પુરાવા અને સરકારી વકીલ વિજયભાઇ માંડલીયાની દલિલોને ધ્યાન પર લઇ ન્યાયમૂર્તિશ્રીએ હત્યાના ગુનામાં સુનીલ ગોબરભાઇ સોલંકીને આજીવન કેદની સજા તેમજ આઇપીસી ૩૦૭ના ગુનામાં આરોપી અનીલ ગોબરભાઇ સોલંકીને ૭ વર્ષ કારાવાસની સજા ફરમાવી હતી. જ્યારે ટ્રાયલ દરમિયાન દેવજીભાઇ મથુરભાઇ બારૈયાનું મૃત્યુ નિપજવા પામ્યું હતું. ઉક્ત કેસમાં ફરિયાદી પક્ષે વકીલ તરીકે રાજેશભાઇ વશિષ્ઠ જોડાયેલ હતાં. જ્યારે સામાપક્ષે આઇપીસી ૩૨૪ના ગુનામાં આરોપી ગોપાલ અશોકભાઇ ચૌહાણને ન્યાયમૂર્તિશ્રીએ તકસીરવાન ઠેરાવી બે વર્ષ કારાવાસની સજા ફરમાવી હતી.

City News

Sports

RECENT NEWS