ચાવડીગેટના હજારો નાગરિકોને મોતના મુખમાં ધકેલવા મનપાનો મેલો મનસૂબો
ભાવનગર, તા. 27 ડિસેમ્બર 2019, શુક્રવાર
કાયમ વિવાદનો મધપૂડો છેડવામાં અને પ્રજા વિરોધી કામ કરવામાં માહેર ભાવનગર મહાનગરપાલિકા તંત્ર શહેરના ગીચ રહેણાંક વિસ્તાર ગણાતા ચાવડીગેટ પાવર હાઉસવાળી જગ્યા પર ગામનો કચરો કોમ્પેક્ટ કરવા માટેનો પ્લાન્ટ નાંખવાનો હઠાગ્રહ કરીને બેઠી છે. આ માટે તેણે કન્સ્ટ્રક્શન એક્ટીવીટી પણ શરૂ કરી દીધી છે. ત્યારે કોમ્પેક્ટ પ્લાન્ટથી ચાવડીગેટના હજારો નાગરિકોને મોતના મુખમાં ધકેલવાનો મેલો મનસૂબો પાર પાડવા કેટલાક રાજકારણીઓ પણ ભુંડી ભૂમિકા ભજવી રહ્યા છે.
ચાવડીગેટ પાવર હાઉસ કમ્પાઉન્ડમાં મહાપાલિકાની માલિકની 9400.00 ચો.મી. જગ્યા આવેલી છે. એક સમયમાં શહેરની મધ્ય ગણાતા આ વિસ્તારમાં મહાપાલિકા તંત્ર દ્વારા શહેરમાંથી ડમ્પબેલ દ્વારા કચરો એકઠા કરી તેને કોમ્પેક્ટ કરવા માટેનો પ્લાન્ટ નાંખવામાં આવનાર છે. મ્યુનિ.ના શાસક અને અધિકારીઓની જાણે બુધ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ હોય તેમ ચાવડીગેટ-વડવા વિસ્તારના હજારો નાગરિકોના આરોગ્યનો લેશમાત્ર વિચાર પણ કરવામાં આવ્યો નથી અને નાગરિકોને જાણે જાણી જોઈ તેમના આરોગ્ય સાથે ખિલવાડ કરી મોતના મુખમાં ધકેલવાનો મનસૂબો તૈયાર કરી દીધો હોય તેમ કોમ્પેક્ટ પ્લાન્ટ છેલ્લા ઘણાં મહિનાઓથી હિલચાલ શરૂ કરી દેવાઈ છે.
કચરો એકત્રિકરણના પ્લાન્ટને કારણે ભવિષ્યમાં આ વિસ્તારના લોકોને આરોગ્યની જાળવણી બાબતના ગંભીર પ્રશ્નો ઉભા થશે. તે સૌ કોઈ જાણે છે છતાં સરકારી કામમાં પણ રેડો નાંખી દબાણ હટાવની કાર્યવાહીને શામ-દામ-દંડ-ભેદથી રોકાવી શકવામાં માહેર મ્યુનિ.ના પદાધિકારીઓ અને ચૂંટણી સમયે ખોબા ભરી-ભરીને મત મેળવનાર સ્થાનિક વિસ્તારના નગરસેવકોએ મોંઢા સિવી લીધા છે. એટલે જ કોઈ આવા ગંભીર પ્રશ્નને ઉઠાવવા તૈયાર થતા નથી. ત્યારે રાજકારણીઓના જ ઈશારે લોકઆરોગ્ય સાથે ચેડા કરવા પ્લાન્ટ નાંખવાનું કૃત્ય આચરાતું હોવાનો નાગરિકોમાં ગણગણાટ સાંભળવા મળી રહ્યો છે.
વળી, પરોક્ષ રીતે તેના પુરાવા પણ સામે જ હોય તેમ શહેરના છેવાડાના વિસ્તારોમાં ભાવનગર મહાનગરપાલિકીની માલિકીની નજર પડે તેટલી જમીન આવેલી છે. તેમ છતાં ચાવડીગેટ પાવરહાઉસ કમ્પાઉન્ડની જગ્યામાં જ કેમ કોમ્પેક્ટ પ્લાન્ટ નાંખવાનો હઠાગ્રહ થઈ રહ્યો છે ? તે પણ સવા મણનો સવાલ મ્યુનિ. તંત્ર-પદાધિકારીઓ સામે ઉભો થઈ રહ્યો છે.
જીપીસીબી કરશે સોલીડ વેસ્ટના નિયમની સ્થળ તપાસ
લેન્ડ ફીલ સાઈટ માટે જિલ્લા કલેક્ટર પાસેથી મંજૂરી મેળવવાની રહે છે અને ત્યારબાદ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (જીપીસીબી) પાસે સોલીડ વેસ્ટના નિયમનું પાલન થયું છે કે કેમ ? તેનું ક્લીયરન્સ લેવાનું હોય છે. ભાવનગર મહાનગરપાલિકાએ ચાવડીગેટમાં કોમ્પેક્ટ પ્લાન્ટ બનાવવા ઓથોરાઈઝન લેવા માટે અરજી કરવાની રહે છે. જે અરજી હજુ સુધી કરવામાં આવી ન હોવાનું ચર્ચાઈ રહ્યું છે. કોર્પોરેશન દ્વારા અરજી કરવામાં આવ્યા બાદ જીપીસીબીના અધિકારીઓ સ્થળ તપાસ કરી સોલીડ વેસ્ટના નિયમોનું પાલન થાય છે કે કેમ ? તેની ચકાસણી કરી રિપોર્ટ તૈયાર કરશે.
આરોગ્ય પર ગંભીર અસર પડશે તો જવાબદારી કોની?
ચાવડીગેટ પાવર હાઉસ કમ્પાઉન્ડમાં આવેલી મ્યુનિ. પોતાની માલિકીની જમીન પર કોમ્પેક્ટ પ્લાન્ટ ઉભો કરવા જઈ રહ્યું છે. આ પ્લાન્ટ કાર્યરત થયા બાદ આખા ગામનો કચરો અહીં ઠાલવવામાં આવશે. જેના કારણે સ્વાભાવિક માખી-મચ્છરનો ઉપદ્રવ વધશે. ત્યારે નાગરિકોના આરોગ્ય ઉપર તેની ગંભીર અસર પડશે તો તેનું જવાબદાર કોણ? તેવો સવાલ સ્થાનિક રહિશો કરી રહ્યા છે.