ખાનગી શાળાના વિદ્યાર્થીઓને મનપા ઓનલાઈન ફ્રી ભણાવશે
- રાજકોટની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનો નિર્ણય
- ખાનગી સ્કૂલોએ ઓનલાઈન શિક્ષણ બંધ કરતા આરએમસી હોમ લર્નિંગ ફેસબૂક પેજ શરૂ કરાયું
રાજકોટ, તા. 24 જુલાઈ, 2020, શુક્રવાર
ખાનગી સ્કૂલ-કોલેજોમાં શિક્ષણ કાર્ય બંધ છે અને ઓનલાઈન શિક્ષણ મુદ્દે ભારે વિવાદ વંટોળ વચ્ચે હવે ખાનગી સ્કૂલોએ ઓનલાઈન ભણાવવાનું પણ બંધ કર્યું છે ત્યારે રાજકોટ મહાપાલિકા સંચાલિત શિક્ષણ સમિતિએ ખાનગી શાળાઓના બાળકો પણ ઘરબેઠાં સ્વેચ્છાએ ભણી શકે તે માટે ફ્રી ઓનલાઈન શિક્ષણ શરૂ કરાયું છે.
મનપાએ એ પણ મેસેજ આપ્યો છે ઓનલાઈન શિક્ષણ માટે કોઈ નોંધપાત્ર ખર્ચ થતો નથી અને એ કામ આસાનીથી થઈ શકે તેમ છે અને વિનામૂલ્યે પણ ભણાવી શકાય તેમ છે. કોઈ પણ ખાનગી શાળાના બાળકો આરએમસી હોમ લર્નિંગ ફેસબૂક પેઈજ ઉપર જઈને પોસ્ટ્સમાં ક્લીક કર્યા પછી આ પેજ પર લાઈક કરવાનું રહેશે.ઉલ્લેખનીય છે કે મ્યુનિ.સંચાલિત શાળાઓમાં કોઈ સ્કૂલ ફી વસુલાતી નથી. કન્યાઓને હાઈસ્કૂલનું શિક્ષણ પણ તદ્દન ફ્રી હોય છે .
બીજી તરફ વાલીઓમાં એવી માંગણી છે કે છ માસ સુધી ભણાવાયું નથી ત્યારે ખાનગી સ્કૂલોથી માંડીને ઈજનેરી, આયુર્વેદ, હોમિયોપેથી સહિતની તમામ કોલેજોમાં છ માસની ફી ઉઘરાવવી જોઈએ નહીં. તો વિદ્યાર્થી સંગઠનોએ પરીક્ષાનો વિરોધ કરીને પ્રો રેટા કે માસ પ્રમોશનથી પાસ કરવા માંગણી કરી છે.