mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

રાજકોટના ટીઆરપી ગેમઝોનમાં 9 બાળકો સહિત 24થી વધુ જીવતા સળગીને ભડથું

Updated: May 26th, 2024

રાજકોટના ટીઆરપી ગેમઝોનમાં 9 બાળકો સહિત 24થી વધુ જીવતા સળગીને ભડથું 1 - image


- સરકારી લાપરવાહીથી ગુજરાતના ઈતિહાસની સૌથી અતિ ભયાનક-દર્દનાક દુર્ઘટના 

- પલભરમાં પ્લેન સળગી ઉઠે તેમ ગેમઝોનનો બે માળનો ડોમ સળગીને ધસી પડયો,મૃતદેહો  એટલા સળગી ગયા કે એકેય મૃતક ઓળખાયા નહીં, ડી.એન.એ.થી ઓળખ મેળવવી પડશે 

- મૃતકોના પરિવારને ૪ લાખની સહાય, એસઆઈટીને તપાસ,૪ની અટક, અન્ય ગેમઝોન બંધ કરાયા

- વેકેશન,શનિવારના કારણે વધુ લોકો હતા,બચાવો બચાવોની મરણચીસો સંભળાઈ, કોઈ અંદર ન જઈ શક્યું,ન બહાર નીકળી શક્યા 

- ફાયર સહિત મંજુરી વગરનુ ટેમ્પરરી બે માળનું સ્ટ્રક્ચર પલકવારમાં સળગી ઉઠયું, અંદર રહેલા બળીને ભડથું

- આગ લાગી ત્યારે વેલ્ડીંગનું કામ ચાલુ હતું,એફએસએલ સહિતની ટીમો દ્વારા તપાસ

રાજકોટ: રાજકોટના નાના મવા રોડ ઉપર સયાજી હોટલ પાસે ચારેક વર્ષથી ફાયર એન.ઓ.સી.સહિતની મંજુરી વગર ધમધમતો બે માળનો  'ટીઆરપી ગેમ ઝોન'માં આજે સાંજે માનવીય બેદરકારીના કારણે આગ લાગવા સાથે પલકવારમાં જ વિશાળકાય ડોમ સળગી ઉઠતા તેમાં રહેલા ૯ બાળકો સહિત ૨૪થી વધારે નિર્દોષ લોકો જીવતા સળગીને કોલસાની જેમ ભડથું થઈ જતા અત્યંત દર્દનાક અને ભયાનક મોતને ભેટયા હતા.જ્યારે ત્રણ વ્યક્તિને ઈજાગ્રસ્ત હાલતમાં ખાનગી હોસ્પિટલે ખસેડાયા છે. 

ગુજરાતના ઈતિહાસમાં મે-૨૦૧૯માં સુરતના સરથનામાં ટયુશન ક્લાસની આગની ઘટના કરતા પણ અતિ ભયાનક એવી આ ગુનાહિત બેદરકારીને બનેલી ઘટનામાં નિર્દોષ નાગરિકો એવા કરુણ મોતને ભેટયા કે સાંજથી રાત્રિના ૧૦-૩૦ સુધીમાં ૨૪ લાશો બહાર કાઢવામાં આવી તેમાં એક પણ મૃતદેહ કોનો છે તે ઓળખી શકાયું ન્હોતું.વાલી,વારસો પર આઘાતની વિજળી ત્રાટકી હતી.આ આગ એટલી ભીષણ હતી કે ફાયરબ્રિગેડના સ્ટાફે એક પછી એકને મહામૂશ્કેલીએ બહાર કાઢ્યા ત્યારે કોઈનામાં જીવ તો ન્હોતો બલ્કે એક પણનો ચહેરો કે શરીર પણ ઓળખાતું ન્હોતું એટલી હદે સળગી ગયા હતા. સિવિલ હોસ્પિટલ સૂત્રો અનુસાર જે મૃતદેહો આવ્યા છે તેમાં ૮ બાળક, ૧ બાળકી, ૧૪ વયસ્ક પુરુષો અને ૧ મહિલા સહિત ૨૪ સમાવિષ્ટ છે. કોઈ ઈજાગ્રસ્ત દાખલ થયા નથી પરંતુ, ૨૪ મૃતદેહો જ આવ્યા છે જે ઓળખી ન શકાય એટલા સળગી ગયા હોવાથી હવે દરેક મૃતદેહના ડી.એન.એ.નો સેમ્પલ લઈને તેના આધારે મૃતક કોણ છે તેની ઓળખ કરવા પ્રક્રિયા હાથ ધરાઈ છે. 

આગની દુર્ઘટના વખતે અત્યંત જ્વલનશીલ વસ્તુઓના બનેલા આ ડોમમાં વેલ્ડીંગનું અને પેઈન્ટીંગનું કામ ચાલુ હતું અને તેમાં સ્પાર્ક થતા આગ લાગ્યાની સંભાવના છે. એવી પણ ચર્ચા છે કે દુર્ઘટના વખતે પચાસથી વધુ લોકો ગેઈમઝોનમાં હતા. એન્ટ્રી અને એક્ઝીન એક જ સ્થળે હોય ત્યાં કોઈ પણ રીતે આગ લાગતા અને પલકવારમાં આખો ડોમ આગની લપેટમાં આવતા ઘટના બન્યાનું પ્રાથમિક અનુમાન છે. ટીઆરપી ગેમઝોનનું સ્ટ્રક્ચર લોખંડના એંગલ પર ઉભુ કરાયું હતું અને તે વિશાળ જગ્યામાં ફેલાયેલું હતું જે પ્રથમનજરે જ અતિ જોખમી હોવા છતાં તેના પ્રતિ આંખ મિચામણા થયનું ખુલ્યું છે. 

આગ લાગ્યાનો પ્રથમ કોલ સાંજે ૫.૩૯એ રાજકોટ ફાયરબ્રિગેડ આવતા પાંચથી દસ મિનિટમાં સ્થળ પર પહોંચેલા  ચીફ ફાયર ઓફિસર ઈલેશ ખેર, બાબુભાઈ ઠેબા વગેરેએ જણાવ્યું કે થોડી મિનિટોમાં જ આખો ડોમ આગની જ્વાળામાં લપેટાઈને લોખંડનું કામચલાઉ સ્ટ્રક્ચર પીગળતા ધસી પડયો હતો અને અંદર રહેલા લોકો થોડી વારમાં જ જીવતા સળગી ઉઠયા હતા. સ્થળ પર પહોંચ્યા ત્યારે સ્થિતિ એટલી ખરાબ હતી કે અંદર બચાવવા માટે કોઈ જઈ શકે તેમ ન્હોતું, કારણ કે સ્ટ્રક્ચર હંગામી હતું અને બહાર કોઈ નીકળી શકે તેમ ન્હોતું, કારણ કે એન્ટ્રી-એક્ઝીટ એક જ સ્થળે હતી અને તે ઉપરાંત આખો ડોમ ધસી પડયો હતો. ૧૦થી વધુ ફાયર ફાઈટર, ૧૦ એમ્બ્યુલન્સ-શબવાહિની, ૧૦૮ની ૧૦ ગાડી તથા ડોમના સળગેલા કાટમાળને દૂર કરીને માણસોને શોધવા ૮ જે.સી.બી. સ્થળ પર પહોંચી ગયા હતા. ફાયરબ્રિગેડના સૂત્રો અનુસાર જે મૃતદેહોને બહાર કાઢ્યા તેમના આખા શરીરો સળગીને કાળા પડી ગયા હતા. આગના બનાવોમાં સામાન્ય રીતે ગુંગળામણ કે શ્વાસ રૂંધાવાથી મૃત્યુ પણ થતા હોય છે પરંતુ, અહીં બધાના મોત અતિશય સળગી જવાથી થયા છે. 

કલેક્ટર,મ્યુનિ.કમિશનર, પોલીસ કમિશનર સહિત અધિકારીઓ તેમજ અનેક નેતાઓ સ્થળ પર પહોંચી ગયા હતા. આ જ અફ્સરો, નેતાઓએ અગાઉ અહીં મુલાકાત લીધી હોત અને સેફ્ટી મેઝર્સ ચકાસીને બંધ કરાવ્યું હોત તો આ દુર્ઘટના અટકી હોત.હવે તંત્રને ગેમઝોનમાં જોખમ જણાયું હોય તેમ શહેરના તમામ ગેમઝોન તાત્કાલિક અસરથી બંધ કરવા આદેશો જારી કર્યા છે. મ્યુનિ.કમિશનરે જણાવ્યું કે આ સ્થળ મનપાની હદમાં આવે છે પરંતુ, ટેમ્પરરી સ્ટ્રક્ચર હોવાથી મનપા તેમાં બિલ્ડીંગ પ્લાન કે કમ્પલીશન માંગતી નથી. 

આગ એટલી ભયાનક અને ભીષણ હતી ધુમાડાના ગોટેગોટા દસ કિ.મી.દૂરથી પણ દેખાતા હતા. પોલીસે સ્થળ ઉપરથી ટીઆરપી ગેમ ઝોનના માલિક,સંચાલક (૧) યુવરાજસિંહ સોલંકી (૨) મહેન્દ્રસિંહ સોલંકી (૩) પ્રકાશ જૈન અને (૪) રાહુલ રાઠોડની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આગ કઈ રીતે લાગી તે શોધવા માટે સ્થળ પર એફ.એસ.એલ.ની ટીમો તથા અન્ય તજજ્ઞાો પણ પહોંચી ગયા હતા. 

દરેક દુર્ઘટના વખતની જેમ હવે સંવેદના વ્યક્ત થવા માંડી છે. ભાજપના અનેક નેતાઓએ હતભાગીઓ પ્રતિ સંવેદના વ્યક્ત કરી પગલા લેવાશે તેવી ખાત્રી આપી છે તો શહેર કોંગ્રેસે તંત્રના ભ્રષ્ટાચારના કારણે જ આવા ગેમઝોન ધમધમતા હતા અને તે કારણે દુર્ઘટના ઘટયાનો આક્ષેપ કર્યો છે. મુખ્યમંત્રીએ મૃતકોને રૂ।.ચાર-ચાર લાખની સહાય જાહેર કરી છે અને આ સાથે આવી ગંભીર ઘટનાને ફરી એક વાર અટકાવવા માટે અને જવાબદારોને કડકમાં કડક સજા થાય તે માટે સ્પેશિયલ ઈન્વેસ્ટીગેશન ટીમ (એસ.આઈ.ટી.)ની રચના કરી તેને તપાસ સોંપી છે. 

રાજકોટમાં આ પહેલા શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં આગ લાગી હતી જેમાં પાંચ દર્દીઓ જીવતા સળગીને મોતને ભેટયા હતા તો સુરતમાં ટયુશન ક્લાસમાં આગ લાગતા ૨૨ના મોત થયા હતા પરંતુ, આ તમામ ઘટનાઓ કરતા આજની ઘટના અતિ ભયાનક અને દર્દનાક એટલા માટે છે કે ૨૪થી વધુના મોત થયા છે અને તે મોત પણ એટલા દર્દનાક છે કે કોઈની ઓળખ પણ થઈ શકી નથી. આવી ઘટનાઓનું પુનરાવર્તન રોકવા નિયમો,કાયદાઓ ઘણા છે, દરેક ઘટના વખતે જાહેરાતો થતી રહે છે પરંતુ, પછી શેહશરમમાં આવીને આવા બાંધકામો પ્રતિ આંખ મિચામણાં થતા રહે છે તેવો રોષ રાજકોટમાં આજે જોવા મળ્યો હતો. 

Gujarat