Get The App

બિનસચિવાલય વર્ગ-3ની ભરતી માટે યોજાનાર પરીક્ષાની પૂર્વ તૈયારી માટે તંત્રની દોડધામ

Updated: Nov 13th, 2019

GS TEAM

Google News
Google News
બિનસચિવાલય વર્ગ-3ની ભરતી માટે યોજાનાર પરીક્ષાની પૂર્વ તૈયારી માટે તંત્રની દોડધામ 1 - image

ભાવનગર, તા. 13 નવેમ્બર 2019, બુધવાર

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બીનસચિવાલય કારકુન વર્ગ-૩ અને ઓફીસ આસીસ્ટન્ટ વર્ગ-3ની લેખીત પરીક્ષા આગામી તા. 17-01ના રોજ યોજાનાર છે. ત્યારે વિશાળ ઉમેદવારોની બેઠક વ્યવસ્થાથી લઈ ખંડ નિરીક્ષક સહિતની સુવિધા અંગે શિક્ષણ તંત્ર હાલ કામે લાગ્યું છે અને ચારે ઝોનની બેઠકોનો ધમધમાટ શરૂ થયો છે. તો બીજી બાજુ આ પરીક્ષાને અનુલક્ષીને જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા જાહેરનામુ પણ જારી કરી દેવાયું છે.

મળતી વિગતો મુજબ ગૌણસેવા પસંદગી મંડળ દ્વારા બીનસચિવાલય કલાર્ક વર્ગ-3ની ભરતી માટે લેખીત પરીક્ષા 20 ઓકટો.ના રોજ યોજાનાર હતી જે અચાનક સ્થગિત કરી દેવાઈ હતી અને ત્યારબાદ ધો. 12 પાસ અને ગ્રેજ્યુએશન વિષ? પર ચર્ચા છેડાઈ હતી. જોકે પાછળથી 12 પાસ ઉમેદવારોને આ પરીક્ષા આપવા પરમીશન અપાઈ હતી.

જોકે જાણકારોનું કહેવું છે કે ધો. 12 પાસ માટે આ ભરતી પરીક્ષા અંતીમ રહેશે. જે મોકુફ રખાયેલ પરીક્ષા આગામી તા. 17-01ને રવિવારે યોજાનાર છે. તેની પૂર્વ તૈયારીના ભાગ રૂપે એકશન પ્લાન તૈયાર કરાયો છે. જેમાં ભાવનગરના બે ઝોન અને મહુવા-પાલીતાણા એક એક એમ બે મળી કુલ ચાર ઝોનમાં પરીક્ષા યોજાનાર છે.

જેમાં મહુવા અને પાલીતાણા ઝોન હેઠળ આવતા કેન્દ્રના કેન્દ્ર સંચાલકોની આજે બેઠક યોજાઈ હતી અને બેઠક વ્યવસ્થાથી લઈ ગૌણ સેવાના નિયમો, ખંડ નિરીક્ષકોની યાદી પરીક્ષામાં પાળવાના નિયમો અંગે માર્ગદર્શિકા આપી તાલીમ બદ્ધ કરાયા હતા જે કેન્દ્ર સંચાલકો કાલે ખંડ નીરીક્ષકોને તાલીમ આપશે. તો ભાવનગર ઝોન 1 અને 2ના કેન્દ્ર સંચાલકોની આવતીકાલે તા. 14 તારીખે કલેકટર કચેરી ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આમ હજારો વિદ્યાર્થીની પરીક્ષાનું સુચારૂ આયોજન કરવા હાલ વહીવટી તંત્ર તથા શિક્ષણ તંત્ર કામે લાગ્યું છે.

એક માત્ર ઈજનેરી કોલેજના પરીક્ષા કેન્દ્રનું પોલીટેકનીક ઈન્સ્ટીટયુટમાં સ્થળાંતર કરાયુ

બિન સચિવાલય વર્ગ-3ની પરીક્ષાનું ગઈ તા. 20-10ના રોજ આયોજન થયા બાદ મોકુફ રખાયુ હતું. જો કે અનેક ચડાવ ઉતાર બાદ આ પરીક્ષા ફરી આગામી તા. 17-11ના રોજ યોજાનાર છે. ત્યારે અગાઉ રાખેલ 195 કેન્દ્રો હાલની પરીક્ષામાં પણ યથાવત જ રખાયા છે.

જ્યારે એકમાત્ર સરકારી ઈજનેરી કોલેજ વિદ્યાનગરમાં આ દિવસ દરમ્યાન સ્થાનિક પરીક્ષા હોવાથી નવી તારીખ એટલે તા. 17-11ના રોજ ઈજનેરી કોલેજના પરીક્ષાર્થીઓને ભાવસિંહજી પોલીટેકનીક ઈન્સ્ટીટયુટ વિદ્યાનગરમાં સમાવાયા છે. આથી આ એક કેન્દ્રમાં ફેરફાર કરાયો છે. જોકે બાકીના તમામ પરીક્ષા કેન્દ્રો યથાવત રખાયા હોવાનું જણાયું છે.

સ્પર્ધાત્મક ભરતી પરીક્ષા સંદર્ભે જાહેરનામુ જારી

બીનસચિવાલય વર્ગ-3 અને ઓફીસ આસીસ્ટન્ટ વર્ગ-3ની તા. 17-11ના લેખીત પરીક્ષા 12 થી 2 યોજાનાર છે. જે સંદર્ભે પરીક્ષા કેન્દ્રથી 100 મીટરની ત્રીજ્યામાં ઝેરોક્ષ, ફેક્સ, સ્કેનર મશીન પર પ્રતિબંધ મુકાયો છે તો 200મી ત્રીજ્યામાં વધુ માણસો એકત્ર થવા પર અને પરીક્ષા કેન્દ્રમાં અનઅધિકૃત વ્યક્તિના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામુ જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા જારી કરાયું છે.
Tags :