ઓછી મહેનત સારા દામઃ આ ચોમાસે સોયાબીન વાવવા અનેક ખેડૂતો ઉત્સુક
- બિયારણની ખપત સહિતનાં ચિન્હો પરથી કૃષિવિદ્દોનું અનુમાન

- કપાસનું વાવેતર ગત વર્ષ સાપેક્ષ સવાયું થવા શક્યતા, મગફળીમાં આંશિક ઘટાડો કરી સોયાબીનના અખતરા તરફ વધતો ઝોક
- ૨૦૨૦ સાપેક્ષ ૨૦૨૧ની ખરીફ સીઝનમાં મહત્તમ (૭૪.૨૧ ટકા) વાવેતર વૃધ્ધિ સોયાબીનની હતી
- તેલીબીયામાં બીજા ક્રમે અને કુલ વીસે'ક પાકો પૈકી ચોથા ક્રમે સોયાબીન, જો કે મગફળી કરતાં હજુ જોજનો પાછળ
રાજકોટ
સૌરાષ્ટ્રમાં સાબૂત ભૂગર્ભ જળવાળા વિસ્તારો સહિત ક્યાંક- ક્યાંક હવે આગોતરા વાવેતર શરુ થઈ ગયા છે એવામાં કપાસ અને મગફળી પ્રત્યેના ખેડૂતોના લગાવ વચ્ચે હવે સોયાબીનની પણ જગ્યા થતી ચાલી છે. આ ચોમાસે સોયાબીનનું વાવેતર સામાન્ય કરતાં વધી જાય એવા અણસાર મળી રહ્યા છે.
સામાન્ય રીતે સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને રાજકોટ જિલ્લા સોયાબીનનો પાક લેવામાં મોખરે હોય છે. આ વખતે બિયારણની ખપત જોતાં ગત વર્ષ કરતાં સોયાબીનનું વાવેતર ૧૫થી ૨૦ ટકા વધી જશે એવો અંદાજ દાખવતા બિયારણ કંપનીઓના પ્રતિનિધિઓ અને ખેતી વિશેષજ્ઞાો ઉમેરે છે કે ખેડૂતોને કપાસના ભાવ ગત વર્ષે છેક સુધી સારા મળી રહેતાં કપાસનું વાવેતર સવાયું થવાની શક્યતા છે, જ્યારે કેટલાંય ખેડૂતો તેમનાં ખેતરમાં મગફળીના વાવેતર વિસ્તારમાં થોડો કાપ મુકીને પણ સોયાબીનનો અખતરો કરવાના હોય તેમ લાગે છે.
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના સહ વિસ્તરણ શિક્ષણ નિયામક ડો. જી.આર. ગોહિલે સોયાબીન ધીમે-ધીમે મગફળીનું સ્થાન લેવા માંડયું હોવાનો મત દાખવ્યો છે, તો રાજકોટના કૃષિવિદ્દ રમેશ ભોરણિયાએ કહ્યું કે સોયાબીનનો ઉતારો વિઘે ૧૮-૨૦ મણ રહેતો હોય તેની સામે ગત ચોમાસે શરૂઆતી તબક્કે વરસાદ ખેચાતા અને પાછોતરો વરસાદ ક્યાંય સુધી ચાલુ રહ્યો તેમાં સોયાબીનનો ઉતારો થોડો ઘટયો હતો ખરો પરંતુ માર્કેટ પેરિટી સારી મળી અને ૧૨૦૦- ૧૪૦૦ ભાવ ટકેલા રહ્યા હતા, જે જોતાં આ વખતે પણ અનેક કિસાનોને સોયાબીન વાવવા જેવો લાગી રહ્યો છે.
ચોમાસા દરમિયાન સૌરાષ્ટ્રમાં લેવાતા વીસે'ક જેટલાં પાકોમાં સોયાબીન આમ તો ચોથા ક્રમે અને તેલીબીયા પાકો (મગફળી, તલ, દિવેલા, સોયાબીન અને અન્ય)માં બીજા ક્રમે છે, પરંતુ વાવેતર વિસ્તારની દ્રષ્ટીએ હજુ ખૂબ પાછળ છે. દાખલા તરીકે, ગત ચોમાસે સૌરાષ્ટ્રમાં ૧૫.૬૦ લાખ હેક્ટરમાં કપાસ, ૧૫.૩૪ લાખ હેક્ટરમાં મગફળી, ૨.૭૨ લાખ હેક્ટરમાં ઘાંસચારો અને ૧.૦૦ લાખ હેક્ટરમાં જ સોયાબીનની ખેતી કરવામાં આવી હતી. આમ છતાં તેના તરફી ઝોક ગત ચોમાસે પણ એવો હતો કે રાજ્યભરમાં વર્ષ ૨૦૨૦ના ચોમાસે ૧.૪૯ લાખ હેક્ટર સાપેક્ષ ૨૦૨૧માં ૨.૨૪ લાખ હેક્ટરમાં આ રોકડિયા પાકનું વાવેતર થયું હતું. એટલું જ નહીં, રાજ્યભરમાં જે- જે પાકનો ૨૦૨૧નો વાવેતર વિસ્તાર તેના નોર્મલ (ત્રણ વર્ષના સરેરાશ) વાવેતર વિસ્તાર કરતાં વધ્યો, તેમાં મહત્તમ- ૧૭૪.૨૧ ટકા સાથે સોયાબીન મોખરે હતું.
ખેડૂતોનાં સોયાબીન તરફી વલણ પાછળનાં કારણો...
* મગફળી માટે વિઘાદીઠ ૨૫થી ૩૦ કિલો જ્યારે સોયાબીન માટે વિઘે માત્ર ૧૦ કિલો બિયારણની રહેતી આવશ્યકતા * સોયાબીનના પાકમાં જીવાત પડવાતી શક્યતા ઓછી રહેતી હોવાથી જંતુનાશક દવાની જરુરત નહિવત્ત * મગફળીનો વિઘાદીઠ વાવેતર ખર્ચ ૫૫૦૦થી ૬૦૦૦ રૂપિયા, જ્યારે સોયાબીનનો વિઘાદીઠ માત્ર ૧૮૦૦ રૂપિયા * સોયાબીનના પાક માટે મજૂરોની જરુરત સાવ ઓછી રહે છે * મગફળીનો સરેરાશ ઉતારો વિઘે ૨૦ મણ, જ્યારે સોયાબીનનો ૧૮થી ૨૦ મણ (ગત વર્ષે અનિયમિત વરસાદને લીધે સોયાબીનનો ઉતારો વિઘે ૧૨થી ૧૬ મણ જ રહ્યો હતો) * વધતી જતી ભાગીયા પ્રથા વચ્ચે ઓછાંમાં ઓછી જફા રહે એવો પાક વાવવા તરફનો વધતો ઝોક, જેમાં સોયાબીન પ્રથમ પસંદગી * હવે સોયાબીનની કાપણી પણ સહેલી બની છે. * મગફળીના ઉપજતા દામ ૧૨૦૦ રુપિયા પ્રતિ મણ, સોયાબીનનાં પણ લગભગ એટલાં જ * જે ખેડૂતને ત્યાં ગાય- ભેંસ નથી તેમને પશુ માટેના ઘાસચારાની જરુર રહેતી ન હોવાથી સોયાબીનનો પાક લેવાથી પણ ચાલી જાય * સોયાબીન રોકડિયો પાક ગણાય છે.

