મનપામાં ઉંચા પગાર ધોરણની લ્હાણીની દરખાસ્તને મંજુરી નહીં
- રાજકોટ મહાપાલિકાના અધિકારીઓએ કરેલી
- મનપામાં મળે તે નોકરીએ લાગીને પછી થતા ખેલને બ્રેક: સ્ટે.કમિટિએ નાણાવિભાગના ઠરાવ અનુસરવા કર્યો ઠરાવ
રાજકોટ, તા. 9 જુલાઈ, 2020, ગુરૂવાર
રાજકોટ મહાપાલિકામાં નાણાવિભાગના ઠરાવની જોગવાઈથી વિપરીત અધિકારીઓ દ્વારા વર્ગ-૪ના કર્મચારીઓને અને તેની સાથે જ આશ્ચર્યજનક રીતે વર્ગ-૩ના પણ કર્મચારીઓને જોડીને ઉચ્ચતર પગારધોરણનો લાભ આપવા કરેલી દરખાસ્તને સ્થાયી સમિતિએ મંજુર નહીં કરીને નાણા વિભાગના ઠરાવના નિયમો અનુસાર કાર્યવાહી કરવા ઠરાવ્યું છે.
વિગત એવી છે કે રાજકોટ મહાપાલિકામાં મજુર, ચોકીદાર, સફાઈ કામદાર, ફિલ્ડ વર્કર વગેરે જગ્યા પર જેઓને નોકરી અપાય છે તેના સંવર્ગ જુદા જુદા છે, પરંતુ, પગારધોરણ સમાન છે એવી દલીલ સાથે કમિશનર દ્વારા એવી દરખાસ્ત કરાઈ હતી કે ગુજરાત સરકારના નાણા વિભાગના ઠરાવ મૂજબ પગારધોરણ સમાન હોય પણ સંવર્ગ બદલાયેલ હોય, તો અગાઉની સર્વિસને ઉચ્ચતરણ પગારધોરણ માટે ગણતરીમાં લઈ શકાશે નહીં પરંતુ, પટાવાળાઓની માંગણી છે કે તેઓએ સમાન પગારધોરણમાં અગાઉ ફરજ બજાવી છે તેમને સળંગ નોકરી ગણીને લાભ આપવા.
આશ્ચર્યની વાત તો એ છે કે દરખાસ્તમાં માત્ર વર્ગ-૪ નહીં પણ અન્ય સંવર્ગમાં આ માંગણી આવવાની શક્યતા ધ્યાને લઈને એકસૂત્રતા માટે ઉચ્ચપગાર ધોરણનો લાભ આપવા જણાવાયું હતું જેનો અભ્યાસ કરીને સ્થાયી સમિતિએ નાણાં વિભાગના પરિપત્ર ઠરાવ મૂજબ જ અમલવારી કરવા ઠરાવ કર્યો છે. એકંદરે મનપામાં પહેલા જે મળે તે નોકરીમાં લાગી જવાય છે પરંતુ, બાદમાં અન્ય વિભાગમાં જઈને અગાઉની નોકરીને સળંગ ગણીને ઉંચુ પગારધોરણ મળે તેવી માંગણી કરાય છે જે ચીલાને આજે સ્થાયી સમિતિએ બ્રેક મારી છે.