ભાવનગર: શહેરના જેલ રોડ પર લાઈન લીકેજ થતા પાણીની રેલમછેલ
ભાવનગર, તા. 13 ઓક્ટોબર 2019, રવિવાર
ચાલુ વર્ષે ચોમાસામાં સારો વરસાદ થયો છે તેથી પાણીની આવક સારી થઈ છે પરંતુ પાણીનો ખોટી રીતે બગાડ થાય તે યોગ્ય ન કહેવાય. ભાવનગર શહેરના જેલ રોડ પર આજે રવિવારે પાણીની લાઈન તૂટી જતા પાણીની રેલમછેલ થઈ હતી તેથી લોકોમાં રોષ જોવા મળ્યો હતો. હજારો ગેલ પાણી વહી ગયુ હોવાનુ સ્થાનીક લોકોએ જણાવ્યુ હતું.
ભાવનગર શહેરના જેલ રોડ પર આજે રવિવારે બપોરના સમયે પાણીની જુની લાઈન તૂટી હોવાથી પાણીનો પુષ્કળ બગાડ થયો હતો. પાણી લાઈન તૂટવાના કારણે પાણી રોડ પર દુર દુર સુધી પહોંચ્યુ હતુ તેથી લોકો કચવાટ કરતા નજરે પડયા હતાં. આ બાબતે જાગૃત નાગરીકોએ મહાપાલિકાના વોટર વર્કસ વિભાગને જાણ કરી હતી પરંતુ તત્કાલ કોઈ આવ્યુ ન હતુ તેથી પાણીનો પુષ્કળ બગાડ થયો હતો. રાત્રીના સમયે આ લાઈનનુ રીપેરીંગ કામ હાથ ધરવામાં આવ્યુ હતુ અને પાણીનો બગાડ અટકયો હતો. વધુ પાણી લેવા માટે જુની લાઈન મહાપાલિકા શરૂ કરી હોય અને આ લાઈન તૂટી હોવાનુ લોકમુખે ચર્ચાય રહ્યુ હતું.
આ અંગે હકીકત જાણવા માટે વોટર વર્કસ અધિકારી દેવમુરારીનો ટેલીફોનીક સંપર્ક કરવામાં આવ્યો હતો પરંતુ વાત થઈ શકી ન હતી તેથી સાચી માહિતી જાણવા મળી ન હતી. પાણીની લાઈન તૂટવાના કારણે પાણીનો વ્યય થતા સ્થાનીક લોકોમાં ભારે રોષ ફેલાયો હતો. કેટલાક વિસ્તારમાં પાણી પ્રેસરથી આપવામાં આવતુ નથી અને બીજી બાજુ પાણીનો વ્યય થાય છે તે ગંભીર બાબત છે.